Aapnu Gujarat
ગુજરાત

મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોરવા (આઇએમસી) દ્વારા  રાજ્યના પ્રથમ મહિલા રોજગાર મેળામાં ૧૫૦૦થી વધુ મહિલાઓએ ઉમેદવારો નોંધાવી

એક નવી પહેલના રૂપમાં મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોરવા (આઇએમસી) દ્વારા રાજ્યમાં પ્રથમવાર યોજવામાં આવેલા મહિલા રોજગાર મેળાને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો અને મેળાના પ્રારંભ પહેલા જ વિવિધ શૈક્ષણિક લાયકાતો અને કૌશલ્યો ધરાવતી ૧૫૦૦થી વધુ બહેનોએ યોગ્ય પ્રકારની નોકરીઓ માટે નામ નોંધણી કરાવી દિધી હતી. આ મેળા દ્વારા ઔદ્યોગિક તેમજ આનુષાંગિક ક્ષેત્રોના વિકાસથી ઉદભવેલી રોજગારીની વિપુલ તકોનો લાભ લાયકાતો ધરાવતી મહિલાઓને સુલભ બનાવીને, મહિલા સશક્તિકરણને એક નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ મેળામાં ભાગ લેનારી મહિલા ઉમેદવારો માટે ફુડ પેકેટસ તેમજ નોંધણીની સુવિધાજનક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓને કૌશલ્યોના સંવર્ધન દ્વારા સ્વરોજગારી માટે સક્ષમ બનાવવા માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રોજગાર અને તાલીમ વિભાગના નાયબ નિયામક શ્રી એસ.એ.પાંડવે, આઇએમસી શ્રી સુનિલ નિગંધે, શ્રીમતી શર્મિલા માહુરકર, શ્રીમતી દિવ્યાબેન ભટ્ટ, રોજગાર કચેરીના મદદનીશ નિયામકશ્રી ચાવડાની સાથે મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ઉપસ્થિત મહિલા ઉમેદવારોને લાયકાતને અનુરૂપ નોકરી અને નોકરીદાતાઓને અપેક્ષા અને જરૂરિયાત પ્રમાણેની માનવસંપદા મળે એવી શુભેચ્છા પાઠવી હતી.

નોકરીદાતાઓ અને રોજગારી ઇચ્છુકોને સરળતાથી ભેગા કરવા અને પારદર્શક તથા સુવિધાજનક ભરતી વ્યવસ્થા વિકસાવવા રોજગાર ખાતાએ રાજ્યના વિવિધ શહેરોમાં મહા રોજગાર મેળાઓ (મેગા જોબ ફેયર્સ) યોજવાનો અભિગમ અપનાવ્યો છે અને તેને ખૂબ સફળતા અને રોજગારદાતાઓ-નોકરી ઇચ્છુકોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે એવી જાણકારી આપતા શ્રી એસ.એ.પાંડવે જણાવ્યુ હતું કે, આ સફળતાથી પ્રેરાઇને અને શૈક્ષણિક લાયકાતો-કુશળતાઓ ધરાવતી બહેનોને રોજગારીની યોગ્ય તકો, વિશેષતઃ ખાનગી ક્ષેત્રમાં ઉપલબ્ધ કરાવવાના હેતુસર પ્રથમવાર મહિલા રોજગાર મેળાનું આયોજન કર્યુ છે. તેનો આશય મહિલા સશક્તિકરણને વેગ આપવાનો છે.

આ મેળામાં ૭૦થી વધુ નોકરીદાતાઓ-ઉદ્યોગોએ ૨૭૦૦ જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે ભાગ લેવાની તત્પરતા બતાવી એનો ઉલ્લેખ કરતા શ્રી પાંડવે જણાવ્યુ હતું કે, રાજ્યમાં એકમેવ મહિલાઓ માટે હોય તેવી ૨૫ આઇટીઆઇઝ શરૂ કરવામાં આવી છે. જ્યારે કુલ ૨૮૬ પૈકીની મહિલા આઇટીઆઇઝ સિવાયની તમામ સંસ્થાઓમાં કુલ બેઠકના ૨૫ ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રાખવાની જોગવાઇ છે. તેમણે જણાવ્યુ હતું કે, મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ સેકટર્સમાં લાયક મહિલા ઉમેદવારોને યોગ્ય તકો અપાવવા રોજગાર વિભાગ પ્રયત્નશીલ છે.

મહિલા આઇટીઆઇના આચાર્ય નેહા શાહે સહુને આવકારતા જણાવ્યુ હતું કે, સન ૨૦૦૮માં મહિલાલક્ષી ૪ ટ્રેડસની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. આજે ટેકનીકલ, સર્વિસ અને મેડીકલ સેકટર્સના વિવિધ ટ્રેડસમાં ૪૧૨ જેટલી મહિલા ઉમેદવારો તાલીમ મેળવે છે. તેમણે મહિલા રોજગાર મેળાના તમામ સહયોગીઓને ધન્યવાદ આપ્યા હતા.

Related posts

PM Modi offers prayers at the Ashapura Mata

aapnugujarat

અર્બુદા માતાજીની જ્યોતયાત્રા ૮મીએ મહેમદાવાદ પહોંચશે

aapnugujarat

રાજ્ય વકફ બોર્ડની કચેરીનું લોકાર્પણ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1