બજારમાં લિક્વિડિટીનો પ્રવાહ ચાલુ છે અને આર્થિક વૃદ્ધિ તથા આર્થિક સુધારાની આશાએ તેજીનું વાતાવરણ હોવાથી ડિસેમ્બર સુધીમાં નિફ્ટી ૧૦,૦૦૦ અને સેન્સેક્સ ૩૨,૦૦૦ થવાની શક્યતા છે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. દેશના અગ્રણી ૨૫ બ્રોકરેજ પર કરવામાં આવેલા પોલ પ્રમાણે ચાલુ વર્ષમાં શેરબજારમાં વળતર વધવાની આશા છે.
માર્ચ ૨૦૧૬થી શરૂ થયેલી નિફ્ટી અને સેન્સેક્સની તેજ રફતાર આગળ પણ જળવાશે. પરંતુ કેટલાક રોકાણકારો નજીકના ગાળાની નબળાઈની ચિંતા કરે છે. તેઓ માને છે કે બજારમાં હાલના સ્તરે અસ્થિરતા વધી શકે છે. પોલમાં ભાગ લેનારા ૬૩ ટકા નિષ્ણાતોએ જણાવ્યું કે તેઓ હાલના સ્તરની ચિંતા ધરાવે છે. ૬૭ ટકાએ કહ્યું કે માર્કેટ ટૂંક સમયમાં કરેક્શન જોશે. મોટા ભાગના નિષ્ણાતોના મતે નજીકના ગાળામાં બજારમાં ત્રણથી પાંચ ટકાનો ઘટાડો શક્ય છે. ભારતીય ઇક્વિટી હાલમાં ૨૦૧૭-૨૦૧૮ના અંદાજિત નફા કરતા ૧૮ ગણા ભાવે ટ્રેડ થાય છે અને વિશ્વમાં સૌથી મોંઘાં ૧૦ બજારોમાં સ્થાન પામે છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં સેન્સેક્સ ૧૨.૭૮ ટકા વધ્યો છે જ્યારે નિફ્ટીમાં ૧૪.૧૩ ટકા વૃદ્ધિ થઈ છે.