ટેરર ફંડિંગ મામલે રવિવારે પણ નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી એ જમ્મુ-કાશ્મીરમાં ૧૪ જગ્યાઓએ દરોડા પાડ્યા.
ન્યુઝ એજન્સી પ્રમાણે તેમાંથી જમ્મુમાં એક જગ્યા પર પાકિસ્તાન, સાઉદી અરબ અને યુએઇની કરન્સી મળી છે. એનઆઇએની ટીમોએ શનિવારે પણ કાશ્મીર, દિલ્હી અને હરિયાણાના સોનેપતમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કાશ્મીર ખીણના વિભિન્ન સ્થળોએથી તપાસ સંસ્થા દ્વારા ૧.૫ કરોડ રૂપિયા કબજે કરાયા હતા. કબજે કરાયેલા દસ્તાવેજોની ચકાસણી થઇ હતી.ઓફિશિયલ સૂત્રો પ્રમાણે, “એનઆઇએ એ રવિવારે સવારે દરોડા પાડવાના શરૂ કર્યા. તેમાંથી એક અલગાવવાદી નેતા અને એક બિઝનેસમેનને ત્યાં સર્ચ ઓપરેશન ચાલ્યું.અલગાવવાદી નેતા અને બિઝનેસમેનને ત્યાં ટેરર ફંડિંગ અને ઘાટીમાં વિદ્રોહી ગતિવિધિઓને ઉત્તેજન આપવાના મામલે તલાશ કરવામાં આવી હતી.
અહીંથી મોટા પાયે રોકડ, ડોક્યુમેન્ટ્સ અને બીજા મટિરિયલ્સ જપ્ત કરવામાં આવ્યા છે.”એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બે વર્ષ જૂના મની લોન્ડરિંગના કેસમાં ભાગલાવાદી નેતા શબ્બીર શાહને સમન્સ જારી કર્યા હતા. શબ્બીરને તપાસ અધિકારીઓ સમક્ષ ૬ઠ્ઠી જૂને હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે. શબ્બીરને અગાઉ પણ સમન્સ જારી કરાયાં છે પરંતુ તે ઉપસ્થિત થયા નથી.રાજ્યના લોકો તેમ જ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવાશેઃ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદનો જડમૂળથી સફાયો કરી નાખવાનો સંકલ્પ કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે ભારપૂર્વક જણાવ્યું કે સાત દાયકા જૂના કાશ્મીર મુદ્દાનો કાયમી ઉકેલ શોધવાની દિશામાં એનડીએ સરકાર કામ કરી રહી છે. જોકે, આ મુદ્દો ઉકેલવામાં થોડોક સમય લાગશે. કેન્દ્ર મંત્રણા કરવા માટે ખુલ્લું મન ધરાવે છે અને આ મુદ્દો ઉકેલવા માટે રાજ્યના લોકો તેમ જ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવશે.આતંકીઓને ફન્ડિંગ મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કાશ્મીર, દિલ્હી તથા હરિયાણાના કુલ મળી ૨૩ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ૬૫-૭૦ લાખ શ્રીનગરમાં અને ૩૫-૪૦ લાખ દિલ્હીમાં સીઝ કરવામાં આવ્યા હોવાનું સત્તાવાળાએ જણાવ્યું હતું.