પેરિસ જળવાયુ પરિવર્તન સમજૂતીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી વિશ્વના અન્ય દેશોની સાથે અમેરિકનોમાં પણ અસંતોષ જોવા મળ્યો છે. જેથી હવે અમેરિકાના ૩૦ મેયર, ગવર્નર, ૧૦૦ કંપનિઓ, વિવિધ યુનિવર્સિટીઓ અને સામાન્ય નાગરિકોએ ગ્રીન હાઉસમાં કાપ મુકવાને લઈને યુએનમાં આવેદન આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ આ સમૂહ અમેરિકા તરફથી ગ્રીન ક્લાઈમેટ ફંડમાં યોગદાન પણ આપશે.અમેરિકામાં યુનિવર્સિટીઓના ૮૨ પ્રેસિડેન્ટ અને ચાન્સલરો મળીને જળવાયુ પરિવર્તન સમજૂતીનો અમલ કરવા પોતાનું એક અલગ સમૂહ બનાવવાનો નિર્ણય કર્યો છે. જે યુએનમાં પોતાના નિર્ણય અંગે આવેદન આપીને જાણકારી આપશે.આ ઉપરાંત અમેરિકાના અનેક રાજ્યોના ગવર્નર્સ અને દિગ્ગજ કારોબારીઓ પણ ગ્રીન ક્લાઈમેટ ફંડમાં પોતાનું યોગદાન આપશે. વર્ષ ૨૦૧૫માં પેરિસ જળવાયુ પરિવર્તન સમજૂતીની રુપરેખા તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા રોબર્ટ સીનું કહેવું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી અમેરિકનો નારાજ છે અને આ સમજૂતીના સમર્થનમાં પોતાનું અલગ ગ્રુપ બનાવી રહ્યાં છે. આ સમૂહ પેરિસ જળવાયુ પરિવર્તન સમજૂતીને અમલમાં લાવવા પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકનોનું માનવું છે કે, પેરિસ જળવાયુ પરિવર્તન સમજૂતીમાંથી અમેરિકાને બહાર કાઢવાનો ટ્રમ્પનો નિર્ણય ઉતાવળભર્યો છે.