Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં બીજા દિવસેય વરસાદ : અમદાવાદમાં પણ વરસાદની ધીમી ધારે શરૂઆત

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનના પરિણામ સ્વરુપે આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો. ગુજરાતના સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદ થયો હતો. ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ થયો હતો જ્યારે કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયો હતો. તોફાની પવન સાથે કચ્છ જિલ્લામાં વરસાદ જારી રહે તેવી શક્યતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે. આજે રાજ્યના જુદા જુદા ભાગોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂત સમુદાય અને કેટલાક લોકો ચિંતિત દેખાયા છે. તોફાની પવન સાથે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ હળવા વરસાદી ઝાપટા હજુ પણ જારી રહી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ગુજરાત રાજયના અમુક વિસ્તારોમાં હવામાનમાં આજે સતત બીજા દિવસે નોંધપાત્ર પલ્ટો નોંધાયો હતો. ખાસ કરીને રાજયના સૌરાષ્ટ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ અને ઠંડા પવનના વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના અમરેલી, સાવરકુંડલા સહિતના પંથકોમાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ નોંધાયો હતો. તો, બનાસકાંઠાના ધાનેરા સહિતના પંથકોમાં અને આણંદના બોરસદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. છેલ્લા બે દિવસથી રાજયના પલટાયેલા વાતાવરણના કારણે ગરમીમાં લોકોને રાહત મળી છે પરંતુ બીજીબાજુ, કમોસમી વરસાદને લઇ ખેડૂતઆલમ કેરી સહિતના પાકની નુકસાનીને લઇ ચિંતામાં ગરકાવ બન્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ, આજે રાજયના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલ્ટા અને વરસાદની વાત સાચી ઠરી હતી. દરમ્યાન આજે સતત બીજા દિવસે રાજયમાં આજે સૌરાષ્ટ્ર પંથક, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ઠંડા પવનના વાવાઝોડા, વરસાદ અને વાદળછાયા વાતાવરણની નોંધપાત્ર અસર જોવા મળી હતી. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ખાંભા, સાવરકુંડલા, જાફરાબાદ, લોર, ખિસરી, માણસા, ફાચરિયા સહિતના પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. તો, વીજપડી ખાતે પણ ધોધમાર વરસાદ ખાબકતા ગામમાં અને ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં તો બરફના કરા સાથે વરસાદ નોંધાયો હતો. જેમાં જાફરાબાદના નાગેશ્રી મીઠાપુરમાં કરા સાથે વરસાદ પડ્‌યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતા વૃક્ષો ધરાશાયી થયા હતા. ખાંભાના બારમણે, ભુંડણી અને સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા નોંધાતાં વાતાવરણ ઠંડકમય બની ગયું હતું. આજે સમગ્ર સૌરાષ્ટ્‌ અને રાજયના અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ નોંધાયું હતું. બનાસકાંઠામાં પણ ધાનેરા સહિતના પંથકો તેમ જ આણંદના બોરસદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબકયો હતો. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ત્રાટકતાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો પાકના નુકસાનીને લઇ ચિંતાતુર બન્યા છે. હાફુસ કેરી સહિતના પાકની નુકસાનીને લઇ ખેડૂતો દ્વારા રાજય સરકાર સમક્ષ વળતરની પણ માંગણી કરાઇ છે. આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદના લીધે તાપમાનમાં ઘટાડો થયો હતો. અમરેલીમાં ૪૦.૮ સુધી પારો રહ્યો હતો. રાજકોટમાં ૩૯.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમરેલી, સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગોમાં છેલ્લા બે દિવસથી થઇ રહેલા વરસાદ વચ્ચે આજે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને તોફાની પવન સાથે હળવો વરસાદ થયો હતો. ધુળની ડમરીઓ પણ ઉડી હતી. કેટલીક જગ્યાઓએ વૃક્ષો પડવાના સમાચાર પણ મળ્યા છે. સાંજના ગાળામાં હળવો વરસાદ થયો હતો. એકાએક તીવ્ર પવન સાથે વરસાદની શરૂઆત થતાં ઠંડકનો અનુભવ પણ લોકોએ કર્યો હતો. અમદાવાદમાં પણ બપોર બાદ હવામાન પલટાયુ હતું અને ઠંડા પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા નોંધાયા હતા, જેમાં શહેરના સોલા, સાયન્સસીટી, બોપલ, ઘુમા, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટા નોંધાયા હતા. ભરઉનાળે કમોસમી વરસાદ નોંધાતા અમદાવાદ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અમદાવાદ શહેરમાં પણ આજે ગરમીનો પારો નીચો ઉતરતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી કંઇક અંશે રાહત મળી હતી અને ઠંડો પવન ફુંકાવાનો ચાલુ રહેવાના કારણે વાતાવરણમાં થોડી ઘણી રાહત થઇ હતી. બપોર બાદ હવામાન પલટાયુ હતું અને વિવિધ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની સાથે જોરદાર ઠંડો પવન ફુંકાવાની શરૂઆત થઇ ગઇ હતી. થોડી જ વારમાં, શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠંડા પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા નોંધાયા હતા, જેમાં શહેરના એસ.જી.હાઇવે, સોલા, સાયન્સસીટી, બોપલ, ઘુમા સહિતના વિસ્તારો અને સાણંદ તથા તેની આસપાસના વરસાદના હળવા ઝાપટા નોંધાયા હતા. જેને પગલે અમદાવાદ શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન આજે ૪૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૪ ડિગ્રી નોંધાયું હતું. આવતીકાલે અમદાવાદમાં પારો ૪૦ રહેવાની શક્યતા છે. ભારે પવન સાથે વરસાદથી જનજીવનને અસર થઇ હતી.

Related posts

મેટ્રો પ્રોજેકટ માટે નવજીવન પ્રેસ પાસે ૪૦૦ વૃક્ષો કપાયા

aapnugujarat

ગોપાલ ચાવલા સાથે સિદ્ધુની તસ્વીર વિવાદ : સ્વામીએ કહ્યું રાસુકા હેઠળ ધરપકડ કરો

aapnugujarat

અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1