Aapnu Gujarat
બિઝનેસ

ટોપ-૧૦ ટુ-વ્હીલરની રેસમાં હીરો પેશનને પછાડી હોન્ડા સીબી શાઇન આગળ

ભારતનાં ટુ-વ્હીલર માર્કેટમાં જે બ્રાન્ડના સહારે હીરો મોટોકોર્પને ટોચ પર પહોંચવામાં મદદ મળી હતી, તે બ્રાન્ડના હવે વળતાં પાણી છે. જ્યારે હીરોની અગાઉની ભાગીદાર હોન્ડાએ રજૂ કરેલા નવાં ટુ-વ્હીલરને સારો આવકાર મળ્યો છે.એપ્રિલ ૨૦૧૭માં સૌથી વધુ વેચાયેલાં ટુ-વ્હીલરના આંકડા તપાસીએ તો જાણવા મળે છે કે, હીરોની પેશન બાઇક એપ્રિલ ૨૦૧૬માં ચોથા ક્રમે હતી, જે આ વર્ષે પાંચમા ક્રમે પહોંચી ગઈ છે જ્યારે હોન્ડાની સીબી શાઇન સાતમા ક્રમથી સીધી ચોથા ક્રમે પહોંચી ગઈ છે.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા લિએ એપ્રિલ ૨૦૧૭માં સીબી શાઇનના ૧,૦૦,૮૨૪ યુનિટ વેચ્યા હતા, જે એપ્રિલ ૨૦૧૬માં વેચાયેલા ૬૬,૬૯૧ યુનિટની સરખામણીએ ૫૧ ટકા વૃદ્ધિ દર્શાવે છે. આની સામે, હીરો મોટોકોર્પના પેશનનું વેચાણ ૯૮,૯૭૬ યુનિટથી ૧૯ ટકા ઘટીને એપ્રિલ ’૧૭માં ૮૦,૦૫૩ યુનિટ થયું હતું. નં૧ પર હોન્ડાની એક્ટિવા છે પણ વર્ષ પહેલાં સૌથી વધુ વેચાતી ટોચની ચાર બ્રાન્ડ્‌સમાંથી ત્રણ બ્રાન્ડ્‌સ હીરોની હતી પણ આ વખતે એક સ્થાન હોન્ડાએ આંચકી લીધું છે.શાઇન અને પેશન બંને રૂ.૫૦,૦૦૦થી રૂ.૬૦,૦૦૦ની વચ્ચે આવે છે પણ ડિઝાઇન, પર્ફોર્મન્સ અને પાવરની બાબતમાં હોન્ડાની શાઇન વધારે આકર્ષક છે. સીબી શાઇનનું એન્જિન ૧૨૫ સીસીનું છે, જ્યારે હીરોની પેશન ૧૦૦ સીસીનું એન્જિન ધરાવે છે.સૌથી વધુ વેચાયેલાં ટુ-વ્હીલર્સમાં ટોચનાં ત્રણ સ્થાન એક્ટિવા, સ્પ્લેન્ડર અને એચએફ ડિલક્સ પાસે યથાવત્‌ રહ્યાં છે. હીરો ગ્લેમરનું વેચાણ ઘટવા છતાં તે એપ્રિલ’૧૭માં ૬૨,૭૧૩ યુનિટના વેચાણ સાથે છઠ્ઠા ક્રમે યથાવત્‌ છે. એપ્રિલ ૨૦૧૬માં તેના ૬૬,૭૫૬ યુનિટ વેચાયા હતા. ટોપ-૧૦ યાદીમાં એક્ટિવા સિવાય એકમાત્ર ટીવીએસના જ્યુપિટર સ્કૂટરને સ્થાન મળ્યું છે.એપ્રિલ ૨૦૧૬માં જ્યુપિટરના ૪૩,૨૫૬ યુનિટ વેચાયા હતા અને તે ૧૦મા ક્રમે હતું, પણ ચાલુ વર્ષના એપ્રિલમાં તેના ૫૮,૫૨૭ યુનિટ વેચાતાં તેણે સાતમો ક્રમ મેળવ્યો છે.ટોપ-૧૦ની યાદીમાં ટીવીએસની એકસએલ સુપર એકમાત્ર મોપેડ છે, પણ તેનું વેચાણ ઘટવાથી તે એપ્રિલ ૨૦૧૬ના પાંચમા ક્રમ (૬૭,૦૪૫)થી સરકીને આઠમા ક્રમે (૫૭,૯૩૮) પહોંચી ગઈ છે. નવમા અને દસમા ક્રમે બજાજની પલ્સર અને સીટી૧૦૦ છે.

Related posts

કસ્ટમ ડ્યુટી વધી જતા ટીવી, મોબાઇલ મોંઘા

aapnugujarat

Sensex drop by 306 pts to 38,031.13 at close

aapnugujarat

PF ખાતામાં ઇટીએફ યુનિટ ક્રેડિટ કરવા સક્રિય વિચારણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1