બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ખૂબ જ જલદી ટીવી પર કમબેક થશે. તેઓ કૌન બનેગા કરોડપતિની સિઝન-૯ને હોસ્ટ કરતા જોવા મળશે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે આ શો હવે ઐશ્વર્યા કે માધુરી હોસ્ટ કરી શકે છે, પરંતુ હવે એ વાત કન્ફર્મ થઈ ચૂકી છે કે અમિતાભ બચ્ચન જ આ શોને હોસ્ટ કરશે.
મુંબઈના ફિલ્મ સિટીમાં કૌન બનેગા કરોડપતિ શોનો ભવ્ય સેટ તૈયાર થઈ રહ્યો છે. અમિતાભનો કૌન બનેગા કરોડપતિ શેડ્યૂલ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી ચાલશે. વર્ષ ૨૦૧૨માં કૌન બનેગા કરોડપતિની શરૂઆત થઈ હતી. આ શોએ લોકોનાં દિલ પર રાજ કર્યું અને ઘણા લોકોની જિંદગી પણ બદલી નાખી. ટીઆરપીની દોડમાં આ શો ખૂબ જ આગળ નીકળી ગયો હતો.થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે કૌન બનેગા કરોડપતિને આ વખતે નવા હોસ્ટ મળવાના છે. રણબીર કપૂર અમિતાભ બચ્ચનને રિપ્લેસ કરશે તેવા સમાચાર આવ્યા બાદ એવો રિપોર્ટ આવ્યો હતો કે ઐશ્વર્યા રાય બચ્ચન અને માધુરી દીક્ષિત પણ કેબીસીને હોસ્ટ કરી શકે છે. કેબીસીની છેલ્લી સિઝન ૨૦૧૪માં આવી હતી. હવે શોના મેકર્સ ફરી એક વાર નવી સિઝન લાવવા ઈચ્છે છે, જે પ્રાઇમ ટાઈમ પર પ્રસારિત થશે.