મહારાષ્ટ્રમાં ખેડૂતોનું આજથી સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન શરૂ થઈ ગયું છે. રાજ્યમાં કિસાન ક્રાંતિના નામે આંદોલન શરૂ થઇ ગયું છે. આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે તેઓ ૧ જૂનથી મુંબઇ સહિતનાં શહેરોમાં દૂધ શાકભાજી સહિત અન્ય પ્રોડક્ટનો પુરવઠો ખોરવી નાખશે. ગઈકાલે રાત્રે રાજ્ય સરકાર સાથેની વાતચીત નિષ્ફળ જતાં મહારાષ્ટ્રના ખેડૂતોએ આજથી હડતાળ શરૂ કરી દીધી છે.
આ દરમિયાન ખેડૂતોએ મુંબઈ અને સતારામાં દૂધ લઈને જતા ટેન્કરોને રોકીને હજારો લિટર દૂધ સડક પર વહેવડાવી દીધું હતું.કિસાન ક્રાંતિ જન આંદોલન કોર કમિટીના સભ્ય ધનંજય જાધવે જણાવ્યું છે કે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મોડી રાત્રે ખેડૂતોને વાતચીત માટે પોતાના બંગલા પર બોલાવ્યા હતા. ફડણવીસે ખેડૂતો માટે શું શું કરવામાં આવ્યું છે એની વાતો બે કલાક સુધી હતી. જ્યારે અમે તેમને કરજ માફી અંગે નિર્ણય લેવાની વાત કરી ત્યારે તેમણે એક મહિનાનો સમય માગ્યો હતો. મુખ્યપ્રધાને આ અંગે કોઈ પાકી ખાતરી આપવાનો ઈન્કાર કર્યો હતો. આથી અમે આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે આ આંદોલનમાં ૮૦ ટકા ખેડૂતો ભાગ લેશે. ખેડૂતોની ફરિયાદ છે કે મહારાષ્ટ્ર સરકારની નીતિઓ ખેડૂત વિરોધી છે. તેઓ ખેડૂતોની દેવાં મુકિતની માગણીના મુદ્દે અડગ છે, જ્યારે રાજ્ય સરકાર ખેડૂતોનાં હિત માટે અનેક નિર્ણય લીધા હોવાનો દાવો કરી રહી છે. કિસાન ક્રાંતિના નેતા જયાજી શિંદેનું કહેવું છે કે કિસાનોની કરજ મુકિત એ જ તેમની તમામ સમસ્યાઓનો ઉકેલ છે, જ્યારે વર્તમાન સરકાર ખેડૂતોનાં દેવાં માફ કરવાની વાત સ્વીકારવા તૈયાર નથી.આ સંજોગોમાં ખેડૂતો પાસે આંદોલન કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી. જયાજી શિંદેએ મુખ્યપ્રધાન ફડણવીસ સાથે મુલાકાત કર્યા બાદ મુંબઇમાં પત્રકારો સાથેની વાતચીતમાં એવો દાવો કર્યો હતો કે રાજ્યભરના ખેડૂતો તેમના આંદોલનમાં જોડાશે. ખેડૂતોને મનાવવા મહારાષ્ટ્ર સરકાર તરફથી કૃષિ પ્રધાનથી લઇને મુખ્યપ્રધાન સુુધીના તમામ નેતાઓએ પ્રયાસ કરી જોયા છે, પરંતુ ખેડૂતો ટસના મસ થવા તૈયાર નથી.