Aapnu Gujarat
ગુજરાત

સુરત એરપોર્ટ નજીક જોખમી બાંધકામ દૂર કરવાની અરજી

સુરત એરપોર્ટની આસપાસ અને ફરતે જોખમી બનેલી ઉંચાઇ ધરાવતી ઇમારતો, બાંધકામો અને અંતરાયોને સુરક્ષા અને સલામતીના કારણોસર તાકીદે દૂર કરવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે કેન્દ્ર સરકારના સિવિલ એવીએશનના ડાયેરકટોરેટ જનરલ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને કારણદર્શક નોટિસ જારી કરી છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે. જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત સરકાર દ્વારા સને ૧૯૯૦માં ૧૪૦૦ મીટરની એરસ્ટ્રીપ સાથે સુરત ડોમેસ્ટીક એરપોર્ટ બનાવવામાં આવ્યું હતુ. જે બાદમાં ૨૦૦૩માં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ૨૦૦૭માં મોટા એરક્રાફટ અને વિમાનોની આવન-જાવન સરળ બનાવવાના હેતુસર ૨૨૫૦ મીટરની એરસ્ટ્રીપ લંબાવવામાં આવી હતી. સાથે સાથે એરપોર્ટનો રન વે પણ ૨૯૦૫ મીટર સુધી લંબાવવામાં આવ્યો હતો, જે આજે પણ યથાવત્‌ છે. અમદાવાદ એરપોર્ટ બાદ ગુજરાતમાં સુરત ડોમેસ્ટીક એરપોર્ટ ફલાઇટની આવન જાવનથી વ્યસ્ત એરપોર્ટ છે જે અઠવાડિયાની ૨૬૦થી વધુ ફલાઇટનો ટ્રાફિક વ્યવહાર સંભાળે છે. એટલે કે, આ એરપોર્ટ પર દિવસની ૩૭ ફલાઇટો આવન-જાવન થાય છે. જેના પરિણામ સ્વરૂપે એપ્રિલ-માર્ચ ૨૦૧૬-૧૭માં ૧,૯૪,૬૮૮ પેસેન્જર્સ તો, એપ્રિલ-માર્ચ- ૨૦૧૭-૧૮માં ૬,૮૧,૪૬૫ પેસેન્જર્સનો ધસારો એરપોર્ટ નોંધાયો હતો. કોઇપણ ઓપરેશનલ એરપોર્ટની આજુબાજુ કે આસપાસમાં કોઇ અંતરાય કે અડચણરૂપ બાંધકામ કે અવરોધો ના હોવા જોઇએ કે જેથી ફલાઇટની ઉડાન કે ઉતરાણમાં કોઇ મુશ્કેલી સર્જાય. આ બાબત જોગવાઇમાં આદેશાત્મક છે. એ પણ જરૂરી છે કે, એરફિલ્ડ એકદમ સ્પષ્ટ રીતે જોઇ શકાય તેવું હોવું જોઇએ માત્ર એરપોર્ટ જ નહી પરંતુ તેની આસપાસના વિસ્તારમાંથી પણ અને તેથી એરપોર્ટની આજુબાજુની ઇમારતો-બિલ્ડીંગોના બાંધકામની ઉંચાઇ એટલી વધુ ના હોવી જોઇએ કે, ફલાઇટ્‌સના ઉડાન-ઉતરાણમાં પાયલટ માટે મુશ્કેલી સર્જી શકે. ખુદ સરકારનું આ અંગેનું ૨૦૧૫નું જાહેરનામું પણ છે પરંતુ તેમછતાં બહુ આઘાતનજક વાત છે કે, સુરત એરપોર્ટની આસપાસ અને ફરતે ૯૦ જેટલા આવા અંતરાયરૂપ બાંધકામો, ઇમારતો કે અવરોધો જોખમી બની રહ્યા છે. જેના કારણે ગમે ત્યારે કોઇ ગંભીર અકસ્માત કે દુર્ઘટના સર્જાવાની દહેશત પ્રવર્તી રહી છે. આ સંજોગોમાં એરક્રાફ્ટ્‌સ એકટ-૧૯૮૪ની જોગવાઇઓ અને સરકારના સંબંધિત જાહેરનામાનો ભંગ કરતાં અવરોધો, અડચણો અને બાંધકામોને તાત્કાલિક ધોરણે દૂર કરવા અને પેસેન્જર્સ સહિતના સંબંધિત તમામ લોકોની સુરક્ષા સુરક્ષિત કરવા સહિતની દાદ પીઆઇએલમાં માંગવામાં આવી હતી.

Related posts

સુરતમાં શહીદ દિવસે ભારતીય વિરોને સાચી શ્રદ્ધાંજલિ આપવા રત્નકલાકારોએ ૩૦૧ યુનિટ રક્ત એકત્ર કરીને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.!

aapnugujarat

જનપ્રતિનિધિને આક્ષેપના આધારે દોષી ના ગણી શકાય : હાઇકોર્ટ

editor

કેશવાનથી ૯૮ લાખની ચોરી કેસમાં બેની કરાયેલ ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1