Aapnu Gujarat
Uncategorized

ભગા બારડને રાહત : તલાલા પેટાચૂંટણી ઉપર સુપ્રીમની રોક

રૂ.૨.૮૩ કરોડની ખનીજ ચોરીના ચકચારભર્યા કેસમાં સસ્પેન્શન યથાવત્‌ રાખતા અને તલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને બહાલ રાખતા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે ભગવાનભાઇ બારડ દ્વારા સુપ્રીમકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણીમાં આજે સુપ્રીમકોર્ટે કોંગ્રેસના ભગા બારડને બહુ મોટી રાહત આપી હતી અને તલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર રોક લગાવી દીધી હતી. વધુમાં, સુપ્રીમકોર્ટે રાજય સરકાર અને ચૂંટણી પંચને નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી હવે પછી રાખી છે. જો કે, સુપ્રીમકોર્ટે બારડના સસ્પેન્શનને યથાવત્‌ રાખતાં તે મુદ્દે કોઇ રાહત આપી ન હતી. ગુજરાત રાજયમાં લોકસભાની ૨૬ બેઠકોની સાથે તાલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ તા.૨૩મી એપ્રિલે યોજાનાર હતી. જો કે, હવે તેની પર સુપ્રીમકોર્ટની રોક લાગી જતાં ચૂંટણી પંચને લપડાક પડી છે. ચકચારભર્યા ખનીજ ચોરી કેસમાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયેલા તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીમાં અધ્યક્ષના નિર્ણયને મોકૂફ રાખવાની કરાયેલી માંગણી ગુજરાત હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી ન હતી. એટલું જ નહી, તાલાલાની પેટાચૂંટણી પર સ્ટે આપવાનો પણ હાઇકોર્ટે સાફ ઇન્કાર કરી દીધો હતો. હાઇકોર્ટે બારડની સજાને યથાવત્‌ રાખી હતી અને ભગા બારડની અરજી ફગાવી દઇ તાલાલા બેઠકની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો હતો. હાઇકોર્ટે ભગવાનભાઇ બારડની અરજી ફગાવી દેતાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવાના નિર્ણયને પણ બહાલ રાખ્યો હતો. આમ, હાઇકોર્ટે પૂર્વ ધારાસભ્યને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો જેને પગલે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાથી નારાજ ભગવાનભાઇ બારડ દ્વારા સુપ્રીમકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. બારડ તરફથી પિટિશનમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે, ખનીજ ચોરી કેસમાં જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને કરેલી સજાના હુકમ સામે વેરાવળ સેશન્સ કોર્ટે સ્ટે જારી કર્યો હોવાછતાં વિધાનસભા અધ્યક્ષે તેમને બિલકુલ ખોટી રીતે અને કાયદાકીય જોગવાઇઓનો ભંગ કરીને તેમને રાજકીય કિન્નાખોરી રાખી ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા હતા. એટલું જ નહી, તેમને ગેરકાયદે રીતે સસ્પેન્ડ કરાયા હોવાછતાં ચૂંટણી પંચે તાલાલા વિધાનસભા બેઠક પર તા.૧૦મી માર્ચે પેટાચૂંટણી જાહેર કરી દેવાઇ હતી. જે બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઇ વિરૂધ્ધનો નિર્ણય હોઇ સુપ્રીમકોર્ટે તેને રદબાતલ ઠરાવવો જોઇએ. હાઇકોર્ટે કેસના સઘળા પાસા ધ્યાનમાં લીધા નથી અને અતાર્કિક ચુકાદો આપ્યો હોઇ અરજદારને ભારે અન્યાય થયો છે. આ સંજોગોમાં સુપ્રીમકોર્ટે અરજદારનું સસ્પેન્શન અને તાલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી રદબાતલ ઠરાવવી જોઇએ. સુપ્રીમકોર્ટે બારડની પિટિશનમાં વચગાળાની રાહત આપતાં તાલાલા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર રોક લગાવી દીધી હતી. જેને પગલે બારડને બહુ મોટી રાહત મળી છે.

Related posts

મોરબીથી ૯૦ હજારની નકલી નોટો સાથે એક શખ્સ ઝડપાયો

aapnugujarat

માસ્કના દંડ પેટે જનતાના ૨૦૦ કરોડ ખંખેર્યા

editor

તુલસીશ્યામ રેન્જની નજીક સિંહણનો મૃતદેહ મળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1