Aapnu Gujarat
બ્લોગ

માલેતુજાર રોબર્ટ ડસ્ટ : સાઇકિક ગુનેગાર

૧૯૪૩માં રોબર્ટનો જન્મ ન્યુ યોર્કના એક અતિ ધનાઢ્ય પરિવારમાં થયો હતો. દાદા જોસેફ ડર્સ્ટે ઓસ્ટ્રિયાથી અમેરિકા સ્થળાંતર કરી ખૂબ મહેનતપૂર્વક ‘ડર્સ્ટ ઓર્ગેનાઇઝેશન’ નામનું એમ્પાયર સ્થાપ્યું હતું અને પિતા સીમોર ડર્સ્ટ તેને આગળ ધપાવી રિયલ એસ્ટેટના કિંગ બની ગયા હતા. દોમદોમ સાહ્યબીમાં ઉછરેલા રોબર્ટની ગુસ્સૈલ પ્રકૃતિના દર્શન બાળપણથી જ દેખાવા લાગ્યા હતા. ભાઈ ડગ્લાસ સાથે એવી તો દુશ્મનાવટ કે બંને વચ્ચેના ઝઘડા ઘાતકી મારામારી સુધી પહોંચી જતા. પરિસ્થિતિ એટલી હદે વણસી કે, બંનેને બાળવયે જ મનોચિકિત્સકની સારવાર આપવી પડી હતી! યુવા વયે રોબર્ટ ‘અમીર બાપ કી બીગડી ઓલાદ’ રૂઢિપ્રયોગને પૂરેપૂરી ચરિતાર્થ કરે એવું જીવન જીવતો હતો. શરાબ, સૂરા અને સુંદરી તેની રોજની જરૂરિયાત હતી. ૩૦ વર્ષની વયે ૧૯૭૩માં તેણે કેટી(મૂળ નામ કેથલીન) મેક્કોર્મેક નામની યુવતી સાથે લગ્ન કર્યા. ભાઈઓ સાથે તે પિતાના વ્યવસાયમાં જોતરાયો હતો અને રિયલ એસ્ટેટના દાવપેચ સારી રીતે શીખી રહ્યો હતો, પણ અંગત જીવન અસ્થિર જ રહ્યું. લગ્ન બાદ પણ રોબર્ટના છાનગપતિયાં ચાલુ રહ્યા. પતિ તરીકે તે નિષ્ફળ નીવડ્યો. ૧૯૭૬માં કેટી પાસે બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવડાવ્યો. રોબર્ટની મારપીટ અને ગાળાગાળી સહન કરી કેટી નિભાવ્યે જતી હતી.એવામાં એક દિવસ ન બનવાનું બન્યું. કેટી અચાનક ગુમ થઈ ગઈ. ક્યાં, એની કોઈને ખબર નહોતી, અને કદી ખબર પડવાની પણ નહોતી. કેટી ગુમ થઈ એ દિવસે તે ન્યુ યોર્કમાં જ પણ ઘરથી દૂર આવેલી એક મેડિકલ સ્કૂલમાં જવાની હતી. રોબર્ટે તેને ન્યુ યોર્કના વેસ્ટચેસ્ટર રેલવે સ્ટેશને ડ્રોપ કરી અને કેટી ટ્રેન પકડી પોતાની મંઝિલ તરફ જતી રહી, એક એવી મંઝિલ જ્યાંથી તે કદી પાછી ફરવાની નહોતી.પત્ની ગાયબ થાય તો સ્વાભાવિક છે કે પહેલો શક પતિ પર જ જાય. કેટીના કેસમાં તો આમ પણ લોકો જાણતા જ હતા કે રોબર્ટ તેને છાસવારે ધોલધપાટ કરતો રહેતો હતો. પોલીસે રોબર્ટની પૂછપરછ કરી. રોબર્ટે પોતાને નિર્દોષ ગણાવ્યો. તેની વિરુદ્ધ કોઈ સબૂત ન મળતા પોલીસ તેને કાનૂનના ઘેરામાં ન લઈ શકી. બહુ શોધખોળને અંતે પણ કેટીની ભાળ ન મળી, તે ન જ મળી. અંતે પોલીસે કેસ પડતો મૂક્યો. કેટીની ફાઇલ બંધ કરી દેવામાં આવી.
વર્ષોના વહાણા વહી ગયા. ૨૦૦૦ની સાલમાં એક દિવસ લોસ એન્જેલસ પોલીસને એક નનામો પત્ર મળ્યો. પત્રમાં લખ્યું હતું કે, ફલાણે સરનામે ફલાણા નામની કોઈ મહિલાની લાશ પડી છે! એ સરનામે પહોંચેલી પોલીસને સુઝાન બર્મેન નામની મહિલાની લાશ મળી. તેને માથાના પાછળના ભાગે ગોળી મારી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. તપાસમાં જાણ થઈ કે એ સુઝાન પાછી રોબર્ટ ડર્સ્ટની ખાસ મિત્ર હતી. કેટી ગુમ થઈ ગયા બાદ માનસિક રીતે ભાંગી પડેલા(કે એવો દેખાડો કરતા) રોબર્ટની દેખરેખ સુઝાને જ રાખી હતી. ન્યુ યોર્ક પોલીસે ૨૦૦૦ની સાલમાં કેટી ડર્સ્ટનો કેસ રિઓપન કર્યો હતો. વ્યવસાયે ક્રાઇમ રાઇટર એવી સુઝાન, રોબર્ટ વિશે ઘણુંબધું જાણતી હશે એવી ગણતરીએ ન્યુ યોર્ક પોલીસના ઓફિસર્સ સુઝાનની પૂછપરછ કરવા લોસ એન્જેલસ જવાના હતા. આની જાણ રોબર્ટને થઈ હોય અને એણે સુઝાનનો કાંટો કાઢી નાંખ્યો હોય એ માન્યતાને આધારે રોબર્ટ તરફ શંકાની સોય તકાઈ. લોસ એન્જેલસ અને ન્યુ યોર્કની પોલીસે ભેગા મળી રોબર્ટની ઉલટતપાસ કરી, પણ પરિણામ ફરી એ જ આવ્યું જે અઢાર વર્ષ અગાઉ આવ્યું હતું. કોઈ સબૂત નહીં! પોલીસને મળેલા પત્રનું લખાણ રોબર્ટના હેન્ડ રાઇટિંગને મળતું આવતું હતું, પણ એ સબૂત કાફી ન ગણાયો. રોબર્ટ ડર્સ્ટનો ભૂતકાળ અને સ્વભાવ જોતા પોલીસ દૃઢપણે માનતી હતી કે, સુઝાન બર્મેનની હત્યામાં કોઈ ને કોઈ રીતે રોબર્ટની સંડોવણી હતી જ, પણ રે કિસ્મતપ કાનૂન સબૂત માગે છે અને પોલીસ પાસે એ જ નહોતા. રોબર્ટ ડર્સ્ટ નામનો અમીરજાદો ફરી એક વાર પોલીસના નાક નીચેથી છટકી ગયો.સુઝાન બર્મેન મર્ડર કેસનું ભૂત ફરીથી ધૂણશે એ બીકે રોબર્ટ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો. કોઈને ખબર નહોતી કે એ ક્યાં હતો. હકીકતમાં એ અમેરિકાના જ ટેક્સાસ રાજ્યમાં ગેવલ્સ્ટન નામના નગરમાં છુપાયો હતો. એ માણસની ચાલાકી તો જુઓ કે, પાસપડોશમાં પોતાની ઓળખ છતી ના થાય એ માટે તે એક વૃદ્ધ મહિલાનો વેશ ધારણ કરીને રહેતો હતો. અને એ પણ પાછી મૂંગી મહિલા, જેથી કોઈની સાથે વાતચીત કરવાની નોબત જ ન આવે અને પકડાઈ જવાનો ભય ના રહે!આટલી ચીવટ રાખવા છતાં રોબર્ટ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો. કારણ? ફરી એક વાર તેની હત્યામાં સંડોવણી થઈ. ગેવલ્સ્ટનમાં ડોરોથી સાઇનર નામ ધારણ કરી મહિલા વેશે રહેતી વેળા રોબર્ટનો તેના પડોશી મોરિસ બ્લેક સાથે ઝઘડો થયો અને ગુસ્સામાં રોબર્ટે મોરિસને ભડાકે દીધો! મોરિસની લાશને ઠેકાણે પાડવા રોબર્ટે તેના નિષ્પ્રાણ શરીરના નાના-નાના ટુકડા કરી દીધા અને પછી ગેવલ્સ્ટનના દરિયામાં છૂટાછવાયા વેરી દીધા! મોરિસની લાશના અવશેષો પોલીસને દરિયાસપાટી પર તરતા મળ્યા અને રોબર્ટની ધરપકડ કરવામાં આવી. રોબર્ટે હત્યા કર્યાનું કબૂલ કરતા કહ્યું કે, મોરિસ ચોરી કરવાને ઈરાદે તેના ઘરમાં ઘૂસ્યો હતો, બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પોતે સેલ્ફ ડિફેન્સમાં તેના પર ગોળી ચલાવી હતી. તેના વકીલે રોબર્ટનો પક્ષ એવી રીતે રજૂ કર્યો કે, કોર્ટે તેને હત્યા બદલ નિર્દોષ ગણ્યો અને લાશને ઠેકાણે પાડવા બદલ નગણ્ય સજા કરી.રોબર્ટ ડર્સ્ટની કહાનીમાં નવો ટિ્‌વસ્ટ ત્યારે આવ્યો જ્યારે ૨૦૧૦માં રોબર્ટના જીવન પર આધારિત ફિલ્મ ‘ઓલ ગુડ થિંગ્સ’ રિલીઝ થઈ અને રોબર્ટે તે જોઈ. રાયન ગોસલિંગ અને કર્સ્ટન ડન્સ્ટ અભિનિત એ ફિલ્મને સારી એવી સરાહના મળી. ફિક્શનના ઓથા હેઠળ ફિલ્મમાં રાયન ગોસલિંગને પોતાની પત્ની અને મહિલા મિત્રની હત્યા કરતો બતાવવામાં આવ્યો હતો. ફિલ્મ જોઈને રોબર્ટે ફિલ્મના દિગ્દર્શક એન્ડ્રુ જેરેકીને ફોન કર્યો, સરસ ફિલ્મ બનાવવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે, ફિલ્મમાં બતાવાઈ હતી એ હત્યાઓ પોતે હકીકતમાં નહોતી કરી. ફિલ્મના પ્રમોશન માટે રોબર્ટે સામેથી પોતાનો ઇન્ટરવ્યુ આપવાની તૈયારી બતાવી. એન્ડ્રુએ પોતાના યુનિટ મેમ્બર દ્વારા રોબર્ટનો ઇન્ટરવ્યુ લેવડાવ્યો.રોબર્ટ ડર્સ્ટનું જીવન એટલું રોચક રહ્યું હતું કે એના વિશે મીડિયામાં ઘણુંબધું લખાયું અને દેખાડાયું હતું. ૨૦૧૫ની શરૂઆતમાં એચબીઓ ટીવીએ તેના વિશે ‘ધ જિન્ક્‌સ’ (‘કમભાગી ઈન્સાન’ અથવા ‘શેતાની કસબ’ એ સેન્સમાં) નામની છ ભાગની એક ટીવી સિરીઝ બનાવી. રોબર્ટના ભૂતકાળ વિશે ખાંખાખોળા કરતી ટીમને એન્ડ્રુની ફિલ્મના પ્રમોશન માટે લેવાયેલા ઇન્ટરવ્યુના સેન્સર થયેલા રેકોર્ડિંગ હાથ લાગ્યા. એક ઓડિયોમાં રોબર્ટ બોલતો હતો, ‘મેં શું કર્યું હતું? મેં તો ફક્ત એ બધાંની હત્યા કરી હતી.’ઇન્ટરવ્યુ પતિ ગયો છે એમ સમજી બાથરૂમ ગયેલો રોબર્ટ અસ્પષ્ટ બબડાટ કરી રહ્યો હતો અને એ દરમિયાન ઉપરોક્ત વાક્યો બોલ્યો હતો. માઇક ચાલુ હોવાથી એ વાક્યો રેકોર્ડ થઈ ગયા હતા, જેની રોબર્ટને જાણ જ નહોતી. ‘ધ જિન્ક્‌સ’ની પ્રોડક્શન ટીમે અત્યાર સુધી કોઈના ધ્યાન પર ન ગયેલું એ રેકોર્ડિંગ પોલીસને પહોંચાડ્યું અને રોબર્ટને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન થયા.૧૪ માર્ચ, શનિવારના રોજ ન્યુ ઓર્લિન્સની હોટેલમાંથી રોબર્ટની ધરપકડ કરવામાં આવી ત્યારે તે ખોટા આઇડી અને ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રહેતો હતો. તેની પાસેથી પોઇન્ટ ૩૮ કેલિબરની રિવોલ્વર અને મારિજુઆના ડ્રગ પણ પકડાયું. સજાથી બચવા તે અમેરિકા જોડીને ક્યુબા પલાયન થઈ જવાની પેરવીમાં હતો એવી ધારણા છે.સુઝાન બર્મેનની હત્યા બદલ હાલમાં પોલીસ રોબર્ટની પૂછપરછ કરી રહી છે. પેલું રેકોર્ડિંગ રોબર્ટ વિરુદ્ધ મોટો પુરાવો સાબિત થઈ શકે એમ છે. જો તે ગુનેગાર સાબિત થશે તો તેને મોતની સજા મળશે એ નિશ્ચિત છે.જોગાનુજોગ કહો કે બીજું કંઈ પણ ૧૫ માર્ચ, ૨૦૧૫ને રવિવારે ‘ધ જિન્ક્‌સ’નો આખરી એપિસોડ ટીવી પર પ્રસારિત થયો ત્યારે રોબર્ટ જેલના સળિયા પાછળ હતો. કદાચ રોબર્ટ ડર્સ્ટની જિંદગીનો પણ આ આખરી એપિસોડ જ ચાલી રહ્યો છે.

Related posts

✍ ?आज का विचार?

aapnugujarat

એર પોલ્યુશન : ભારત નહીં ચીનને પણ કનડતી સમસ્યા

aapnugujarat

૧૬ વર્ષનાં તરૂણે ૪૨ કરોડની નોકરીની ઓફર નકારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1