દેશમાં સૌથી સમૃદ્ઘ રાજયોમાં ગણના પામતું ગુજરાત શિક્ષણ પાછળ નાણાં ખર્ચવામાં છેક ૧૬મા ક્રમે હોવાનું સામે આવ્યું છે. ગુજરાત રાજયની કુલ વાર્ષિક આવક (જીએસડીપી) રૂપિયા ૧૨,૭૫,૫૯૧ કરોડ જેટલી આંકવામાં આવી છે. રાજય સરકારનું વાર્ષિક બજેટ પણ આ વર્ષે વધીને ૧,૭૨,૧૭૯ કરોડ જેટલું થઈ ગયું છે. છતાં સરકાર દ્વારા તેના બજેટમાંથી આ વખતે માંડ ૧૨ ટકા જેટલી રકમ શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. આમ તો આ આંકડો ખૂબ મોટો લાગે છે પરંતુ દેશના અન્ય રાજયો તેમના બજેટમાંથી શિક્ષણ પાછળ જે રકમનો ખર્ચ કરે છે, તેની સામે આ આંકડો નજીવો ગણાય છે.
દેશના તમામ રાજયો દ્વારા શિક્ષણ પાછળ થતા ખર્ચના આંકડા ભારત સરકારે હમણાં જ જાહેર કર્યા છે. તે મુજબ દેશના મોટા ૧૮ રાજયોમાં ગુજરાતનો નંબર ૧૬મલ છે.એકબાજુ શિક્ષણ ક્ષેત્રને ગુજરાત સરકાર તેના મુખ્ય ’ફોકસ-પોઈન્ટ’ તરીકે ગણીને તેમાં પ્રશંસનીય સુધારા કરી રહી છે પરંતુ દેશની અન્ય રાજય સરકારો દ્વારા તેમના બજેટમાંથી શિક્ષણ માટે કરાતા ખર્ચ અંગેની રાષ્ટ્રીય સરેરાશ જેટલો ખર્ચ પણ ગુજરાત સરકાર દ્વારા કરાતો નથી તે વાસ્તવિક છે.દેશના ૨૯ રાજયો દ્વારા બજેટમાંથી શિક્ષણ માટે સરેરાશ ૧૫.૬ ટકા જેટલી રકમનો ખર્ચ કરાય છે.જયારે ગુજરાત સરકારે તેના ૨૦૧૬-૧૭ના બજેટમાંથી શિક્ષણ પાછળ ૧૪.૧ ટકા રકમનો ખર્ચ કર્યો હતો. નોંધનીય છે કે, દેશમાં છત્તીસગઢ જેવા રાજયોમાં શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે તેમના રાજયના બજેટમાંથી સૌથી વધુ ૧૯.૭ ટકા રકમનો ખર્ચ કરાય છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર જેવું ગુજરાતનું મુખ્ય હરીફ રાજય ૧૮.૨ ટકા, વિકાસની હરિફાઈમાં ગુજરાતથી ખૂબ જ પાછળ કહેવાય તેવું મધ્યપ્રદેશ ૧૭ ટકા, પશ્ચિમ બંગાળ ૧૬.૮ ટકા અને ઉત્ત્।રપ્રદેશ ૧૬.૩ ટકા ખર્ચ કરે છે.ગુજરાત સરકાર તેના બજેટમાંથી શિક્ષણ ક્ષેત્રના વિકાસ માટે જે ખર્ચ કરે છે, તેમાં દેશના અન્ય રાજયોની સરખામણીમાં તે ખૂબ જ પાછળ હોય છે, તે બાબત પ્રથમવાર બની નથી પરંતુ આ વખતે તેનો ઉલ્લેખ એટલે જરુરી છે કે, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે રાજય સરકાર સૌથી વધુ ધ્યાન કેન્દ્દિત કરી રહી છે.ખાનગી શાળાઓના ફી-નિર્ધારણ ક્ષેત્રે પણ સરકારે પ્રથમ વખત સંચાલકોને ભીંસમાં લઈને વાલીઓના હિતમાં નિર્ણય લીધો છે. લગભગ શિક્ષણમાં તમામ મુદ્દે રાજય સરકાર પ્રશંસનીય સુધારણા કરતી માલુમ પડી રહી છે પરંતુ ભારત સરકારના આંકડા મુજબ, છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં બજેટમાંથી સૌથી ઓછી રકમની ફાળવણી કરી છે.
આગળની પોસ્ટ