આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવ વિરુદ્ધ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. તેમનું પેટ્રોલ પંપનું લાઈસન્સ રદ થઈ શકે છે.
પેટ્રોલ પંપના મામલે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશને તેજ પ્રતાપ યાદવના પેટ્રોલ પંપ વિરુદ્ધ એક શોકોઝ નોટિસ જારી કરી છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસો પહેલા જ ભાજપના નેતા સુશીલકુમાર મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો.તેજ પ્રતાપનો પેટ્રોલ પંપ પટણાના ન્યૂ બાયપાસ રોડ પર છે.
૨૦૧૧માં તેમને પેટ્રોલ પંપનું લાઈસન્સ મળ્યું હતું. સુશીલકુમારનો આરોપ છે કે ફાળવણી નકલી દસ્તાવેજોના આધારે કરાઈ હતી. જેમાં પેટ્રોલિયમ કંપનીના ઓફિસરો પણ સામેલ હતાં.
બીપીસીએલ કંપનીએ નોટિસ જારી કરીને આ મામલે તેજ પ્રતાપ પાસે જવાબ માંગ્યો છે. તેમને જવાબ આપવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તેઓ સવાલોના જવાબ નહીં આપી શકે તો તેમનું પેટ્રોલ પંપનું લાઈસન્સ રદ થઈ શકે છે.
ભાજપના નેતા સુશીલકુમાર મોદીનો આરોપ છે કે ૬ વર્ષ પહેલા જ્યારે તેજપ્રતાપ પેટ્રોલ પંપ એલોટમેન્ટના ઈન્ટરવ્યું માટે પહોંચ્યા ત્યારે તેમની પાસે આ માટે જરૂરી ૪૩ ડિસમિલ પ્લોટ નહતો. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે ૯ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ એકે ઈન્ફોસિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડે આ જ જમીન લાલુના નાના પુત્ર તેજસ્વી યાદવને ૧૩૬ ડિસમિલ જમીન પટ્ટા પર આપી.
મોદીએ આરોપ મૂક્યો કે પટ્ટા પર જમીન લેનાર વ્યક્તિ તેને કોઈ બીજી વ્યક્તિને ફરીથી પટ્ટા પર આપી શકે નહીં.
જો તેજ પ્રતાપ પાસે જમીન હતી જ નહીં તો તેમને પેટ્રોલ પંપ કેવી રીતે ફાળવવામાં આવ્યો? તેમની પાસે જમીનનો પટ્ટો પણ નહતો. મોદીના આ આરોપો બાદ ભારત પેટ્રોલિયમે તેજપ્રતાપ યાદવને નોટિસ પાઠવી છે. જેમાં અનેક સવાલો કરાયા છે.