રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત ધોરણ-૧માં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાની કાર્યવાહીમાં અત્યારસુધીમાં રાજયભરમાં ૬૪ હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો પરંતુ તે પૈકી પ્રવેશ કન્ફર્મ કરવાની મુદત પૂર્ણ થતાં સુધીમાં ૪૬ હજાર જેટલા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કરાવ્યા છે. જયારે બીજીબાજુ, જે વાલીઓએ પ્રવેશને લઇ વાંધાઅરજીઓ રજૂ કરી છે તેમને હજુ સુધી પ્રવેશ ફાળવાયા નહી હોવાથી વાલીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. આરટીઇ એકટ હેઠળ હજુ ૧૮ હજાર જેટલી જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આરટીઇ એકટ અન્વયે ધોરણ-૧માં પ્રવેશ ફાળણી ઓનલાઇન કાર્યવાહી મારફતે હાથ ધરાઇ હતી. જેમાં વાલીઓ પાસેથી ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ તેઓને કામચલાઉ પ્રવેશ ફાળવાયા હાત. જેમાં અનેક છબરડા રહી જતાં વાલીઓ પાસેથી વાંધાઅરજીઓ મંગાવી તેના આધારે કાયમી પ્રવેશ ફાળવાયો હતો. જો એ પછી પણ કેટલાક છબરડા રહી ગયા હતા. અંતે રાજયભરમાં કુલ ૬૪૮૭૩ વિદ્યાર્થીઓને કાયમી પ્રવેશ ફાળવાયા હતા. તેઓને તા.૧૫મી તા.૨૫મી મે સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરી લેવા તાકીદ કરાઇ હતી. આ સમયમર્યાદા પૂર્ણ થતા સુધીમાં તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ નહી થતાં સત્તાવાળાઓએ પ્રવેશ કન્ફર્મની તારીખ ૩૦મી મે સુધી લંબાવી હતી. આ મુદત પૂર્ણ થતાં સુધીમાં કુલ ૪૬૭૭૧ વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા છે. જયારે બાકીના ૧૮ હજાર વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી હજુ પ્રવેશ કન્ફર્મ નહી કરાવાયા હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરમાં ૧૧૧૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો, તેની સામે ૬૪૩૭ પ્રવેશ કન્ફર્મ થયા હતા. જયારે અમદાવાદ ગ્રામ્યમાં ૭૦૪૧ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો, તેની સામે ૪૫૭૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. બીજીબાજુ, જે વાલીઓએ વાંધાઅરજીઓ રજૂ કરી હતી, તેઓના પ્રવેશના હજુ ઠેકાણાં પડયા નથી, જેને લઇ વાલીઓએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. રાજયમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ તા.૬ઠ્ઠી જૂનથી થવાનો છે ત્યારે આરટીઇ હેઠળ અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ હજુ બાકી હોઇ શેૈક્ષણિક કાર્ય મોડુ શરૂ થવાની સંભાવના સૂત્રોએ વ્યકત કરી હતી.
પાછલી પોસ્ટ