Aapnu Gujarat
બ્લોગ

ધુળેટી : જીવનમાં રંગોનું પર્વ

ગુજરાત ઉત્સવ પ્રિય પ્રદેશ છે. અહીં હોળીના તહેવારના બીજા દિવસે ધુળેટીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. ગુજરાત ધૂળેટીનો ઉત્સવ પ્રેમ, ભાઇચારા અને આનંદના રંગો દ્વારા ધુળેટી રમે છે. ધુળેટીનો ઉત્સવ ખૂબ જ ઉમંગ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે. ફાગણી માસની પુનમે ધુળેટીનો ઉત્સવ મનાવાય છે. હિંદુઓનો મહત્વનો ઉત્સવ ધૂળેટી રવીપાકની ઉજવણીના રૂપે પણ કરવામાં આવે છે.હોળીના તહેવાર સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ભગવાન શ્રી વિષ્ણુએ ભક્ત પ્રહલાદને હોલીકા દ્વારા અગ્નિમાં બાળી મૂકવાના પ્રસંગે બચાવ્યો હતો. આ દિવસે ભગવાન બાળ સ્વરૂપે શ્રીકૃષ્ણાવતારમાં પુતનાનો વધ કર્યો હતો. આ દિવસે ‘કર્મ’ ની પૂજા કરવામાં આવે છે. જે સુખ સમૃદ્ધિના દેવતા ગણાય છે.હોળી એ આસુરી શક્તિ પર વિજયનું પર્વ છે. શિયાળાની ઋતુના અંત ના સમયે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. બે દિવસ ઉજવાતા આ ઉત્સવમાં પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ આખો દિવસ ઉપવાસ રાખે છે. તેમાં એ માન્યતા છે કે ભગવાન શ્રીવિષ્ણુનો પરમ ભક્ત પ્રહલાદને સાંજે હોલિકા જે રાજા હિરણ્યકશ્યપુની બહેન છે. જેને અગ્નિએ નહિ બળવાનું વરદાન આપ્યું હોય છે.તે પ્રહલાદને ખોળામાં બેસાડી, હોળી પ્રગટાવવામાં આવે છે. પરંતુ હોલિકા તેની ફરતે અગ્નિ-વરદાન હોવા છતા બળીને ભસ્મ થઇ જાય છે અને ભગવાન શ્રી વિષ્ણું પોતાના ભક્ત પ્રહલાદને બચાવી લે છે.ભક્ત પ્રહલાદને સુરક્ષિત જોઇ સૌ ભક્તજનો અબીલ-ગુલાલ રંગોથી આનંદ લૂંટે છે અને ઉત્સવની ઉજવણીમાં ખજૂર, મમરા, ધાણી, હેરડાં વગેરે પ્રસાદરૂપે લે છે. ભક્તો એકબીજાને તિલક કરી ગલે મળે છે. કિશોરીઓ મા ‘ગૌરી’ ની પૂજા કરે છે. હોળીના બીજા દિવસે ધૂળેટીનો ઉત્સવ મનાવવામાં આવે છે.ગુજરાતના આદિવાસી પ્રદેશ પંચમહાલ, ડાંગ, છોટા ઉદેપુર તેમજ સાબરકાંઠામાં ધુળેટીના ઉત્સવ અનોખી રીતે ઉજવાય છે. આદિવાસી પ્રજા સાથે મળી નૃત્ય કરે છે. તેમની પરંપરાગત સંગીતશૈલીમાં ગીતો ગાઇ ઉત્સવની મજા માણે છે. આ તહેવારને ‘ભગોરિયા’ તરીકે ઓળખે છે.ડોલ (દોલ શબ્દનું અપભ્રંશ થઇ જતાં ડોલ શબ્દ બન્યો) ની વધાઇ ચોર્યાશી કોસના વ્રજમાં ચાલીસ દિવસ પહેલા આપી દેવાય છે અને હોળી પૂરેપૂરા સત્તર દિવસ ઊજવવામાં આવે છે.હોળી બાદ વ્રજમાં જુદા જુદા દિવસે, જુદાં જુદાં સ્થળોએ ફૂલદોલનો આનંદ મેળવવામાં આવે છે. વૃક્ષોની ડાળી પર દોરડાંથી બનાવેલા ઝૂલાઓ પર ફૂલપાનથી ગૂંથણી કરવામાં આવે છે. શ્રી વલ્લભ બાલકો અને વૈષ્ણવો શ્રી ઠાકોરજીને આ ઝૂલાઓ પર ઝૂલાવે છે અને હોળીના રંગોની માફક ફૂલની પાંદડી એકબીજા પર ઉડાડી સાથે આનંદ માણે છે અને ફૂલ ડોલનાં ઉત્સવ દરમ્યાન મેળાઓ ભરાય છે. પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં ફાગણ વદ એકમે, ફાગણ વદ અગિયારશને દિવસે માનસરોવર અને રાધારાણીનાં મંદિરે, ચૈત્ર સુદ છઠના દિવસે વિશ્રામઘાટ પર આ ઉત્સવ ઉજવાય છે.વર્ષમાં એકવાર વ્રજભક્તો શ્રીપ્રભુને પોતાના સમાન માને છે અને પોતાના સમાન માનવાથી હ્રદયમાં સખ્યભાવ ઉત્પન્ન થાય છે. આથી આ “સખ્યસમય” દરમ્યાન તેઓ ઠાકોરજી સાથે ચંદન, કેસરના રંગથી વ્રજભક્તો પ્રભુ સાથે ખેલે છે. ખેલ વખતે પ્રભુના ચરણારવિંદને ઢાંકી દેવાય છે કારણ કે જો વ્રજભક્તો ચરણારવિંદના દર્શન કરી લે તો મનમાં દાસ્યભાવ આવી જાય છે તેથી ખેલ વખતે સખ્યભાવ જ આગળ રહે તેનું ધ્યાન રખાય છે. હોળી એક એવો તહેવાર છે જે ગરીબથી માંડી તવંગર સુધી બધા જ માણસોને સ્પર્શે છે. એને માણવા-ઉજવવા માટે બહુ પૈસાની જરૂર નથી પડતી. શહેરોમાં રંગ અને ગુલાલનો તહેવાર ધૂળેટી હોળીને બીજે દિવસે ઉજવાય છે. સાચને આંચ નથી લાગતી એ માન્યતા દૃઢાવતી હોળિકાની પુરાણી કથા હોળીના તહેવાર પાછળ ચાલી આવે છે.હોળી, જેને ’રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. તેને ’દોલયાત્રા’ કે ’વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ’હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે.
જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી હોલિકા અને પ્રહલાદની કથા બહુ જાણીતી છે.હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર ’રંગોનો તહેવાર’ એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ’હુતાસણી’થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને ’પડવો’ કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને ’બીજો પડવો’,’ત્રીજો પડવો’ એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. અમારા પોરબંદર, જામનગર અને જુનાગઢ જીલ્લાના વિસ્તારમાં હોળીના દિવસે વાયળ તથા રા નો ઉત્સવ ધૂમધામ થી ઉજવાય છે.. હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો પોતાના પરિવાર સાથે સજીધજીને બાળકને તેના મામા હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે, તથા શેરી તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની ’લાણી’ એટલે કે “વાડ” વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે. તેમજ ગત વર્ષ માં જેના લગ્ન થયા હોય તે વરરાજા ને ગધેડા પર બેસાડી ધુળેટી ના દિવસે ગામમાં ફેરવવા માં આવે છે જેને રા કહેવાય છે…
યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ,આંધળોપાટો,શ્રીફળફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.

Related posts

કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દશા અને દિશા

aapnugujarat

MUST READ

aapnugujarat

પૃથ્વીનું સૌથી ઠંડુંગાર સ્થળ : ઍન્ટાર્કટિકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1