Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણીની જાહેરાત બાદ IT, ફલાઇંગ સ્કવોડ એલર્ટ ઉપર

લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ હવે આચારસંહિતા અમલી બની છે ત્યારે આવકવેરા વિભાગ અને જિલ્લા કલેક્ટરની ફલાઇંગ સ્કવોડ પણ હવે કાળાં નાણાંની જંગી હેરફેર સહિત સુરક્ષા-વ્યવસ્થાના મામલે સજ્જ બન્યાં છે. ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શહેરમાં ૭૦થી વધુ ચેકીંગ પોસ્ટ શરૂ કરાઈ છે જે અમદાવાદ શહેર અને જિલ્લાના વિસ્તારોમાં નાણાંકીય હેરફેર અને લેવડદેવડ પર ચાંપતી નજર રાખશે. ચૂંટણીમાં મતદારોને રૂપિયા આપીને રીઝવવાના વિવિધ રાજકીય પક્ષો કે તેમના માણસો-એજન્ટોના તમામ પ્રયાસ નિષ્ફળ બનાવવા માટે સક્રિય બનેલી સ્કવોડ ચૂંટણીમાં મતદારોને નાણાં વહેંચવા, દારૂ વહેંચવો તેમજ બીજી ભેટ-સોગાદ આપવી એ બાબતે ખાસ વોચ રાખવા આઇટી ડિપાર્ટમેન્ટ અને જિલ્લા કલેકટોરેટની ફલાઇંગ સ્કવોડ એલર્ટ પર રખાઇ છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લા કલેક્ટર અને આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ અને ફ્‌લાઈંગ સ્કવોડ દ્વારા પણ શહેરના એસટી સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ તથા પ્રાઈવેટ લક્ઝરીઓનાં સ્ટેન્ડ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉપરાંત હાઇવે ચેકપોસ્ટ અને આંગડિયા પેઢી પર ખાસ નજર રખાશે અને ત્યાંથી થતી નાણાંની હેરાફેરી પર વોચ રખાશે. શહેરમાં ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં કાળું નાણું આવતું હોઈ તેને પકડી પાડવાની જવાબદારી ફ્‌લાઈંગ સ્કવોડને સોંપવામાં આવી છે, જેથી સ્કવોડના સભ્યો અમદાવાદમાં પ્રવેશતી તમામ જગ્યાઓ પર ચાંપતો બંદોબસ્ત રાખશે. ઉપરાંત ત્યાંથી પસાર થતી વ્યક્તિઓ પૈકી જેના પર શંકા હશે તેમની તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈસીઆઈ (ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા)ની ચૂંટણીમાં રોકડની હેરાફેરી પર બાજ નજર રાખવા માટે કલેક્ટર કચેરીની ફ્‌લાઈંગ સ્કવોડ મેદાનમાં ઉતારવામાં આવે છે. આ ચૂંટણીમાં બેન્ક વ્યવહારો ઉપર પણ બાજ નજર નાખવા માટે કોઈ ચોક્કસ માળખું ન હોવાની વાત ધ્યાનમાં લેવા માટે પણ પંચને જણાવાયું છે હાઇવે ચેકિંગ દરમિયાન જો જંગી રકમ પકડાશે તો ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓ કેસ હાથમાં લઈને ઇન્કમટેક્સ વિભાગના રાજ્યકક્ષાના કંટ્રોલરૂમને જાણ કરશે. રોકડ રકમના સ્રોત ઉપરાંત રોકડ કોને આપવાની છે તે સહિતની તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવશે અને જરૂર પડે કાનૂની કાર્યવાહી પણ કરાશે. જો કોઈ વેપારી રોકડ રકમને ધંધા-રોજગારની આવક બતાવશે તો તેને તેની એન્ટ્રીઓ અને ચોપડા બતાવવા પડશે. ચૂંટણી પ્રચારની સામગ્રી સહિત ચૂંટણી લડતા ઉમેદવાર કે પક્ષના કાર્યકર સાથે સંબધિત હોય તેવા વાહન સાથે જો પ૦ હજારથી વધુની રોકડ રકમ હોય અથવા ૧૦ હજારથી વધુની કિંમતની ભેટ-સોગાદ હશે તો પંચની સૂચના અનુસાર કાર્યવાહી કરશે અને જો ૧૦ લાખથી વધુ રોકડ રકમ ઝડપાશે તો કેસ આવકવેરા વિભાગને સોંપી દેવામાં આવશે.

Related posts

માથાવલી ગામમાં રસ્તો કાઢવા બાબતે બબાલ

aapnugujarat

સુરેન્દ્રનગરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઈ

editor

ચૂંટણી બાદ કોંગી નેતાઓને મેન્ટલમાં ખસેડવા પડી શકે : જીતુ વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1