Aapnu Gujarat
ગુજરાત

દરેક ગામને સુવિધાથી સંપન્ન ગામ બનાવાશે : મુખ્યપ્રધાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજયના પ્રત્યેક ગામને પ્રાથમિક સુવિધાઓથી સંપન્ન આદર્શ ગામ બનાવવા રાજય સરકારે વિકાસ પુરુષાર્થ આદર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત યોજાયેલા સરપંચ સંમેલનમાં સંપન્ન થયેલા વિકાસ કામોને ડિજીટલી લોકાર્પણ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ સમૃધ્ધિથી રાજય રાષ્ટ્રને સમૃધ્ધ બનાવવાના ધ્યેય સાથે ગુજરાતે વિકાસયાત્રા શરૂ કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા રાજયના તમામ ગામને બારમાસી પાકા રસ્તાના નેટવર્કથી જોડવા ૧૦ હજાર કરોડનું રાજય સરકારે વિશેષ આયોજન કર્યું છે અને આ શ્રેષ્ઠ ગુણવત્તા સાથેના નવનિર્મિત બારમાસી પાકા રસ્તા ગામડાની આન બાન અને શાન બનશે. લોકશાહીમાં પ્રજાવિકાસનું પાયાનું કામ કરનારા સરપંચને ખરા અર્થમાં ગામના મુખ્યમંત્રી તરીકે ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠાને જાળવી રાખીને જીવનપર્યન્ત લોકોની સેવા કરવાનું ગૌરવ સરપંચને પ્રાપ્ત થાય છે, ત્યારે સરપંચે હંમેશા ગામના સર્વાંગી વિકાસની ચિંતા કરવી જોઈએ. આઝાદીના ૭૦ વર્ષો વીત્યા બાદ પણ ગામડા માટે રસ્તાની ચિંતા કરવી પડે તે કમનસીબી છે તેની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષની સરકાર પહેલાની સરકારોએ ગામડાના સર્વાંગી વિકાસની ચિંતા કરી નહી પરિણામે આજે આ સ્થિતી છે, ગામડાના વિકાસ માટે રાજકીય ઈચ્છાશક્તિ, વિકાસ માટે દીર્ધદ્રષ્ટી અને પ્રમાણિકતાના અભાવે પ્રજા હેરાન થતી રહી, પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ વિકાસને વિશેષ પ્રાધાન્ય આપીને આત્મા ગામડાનો સુવિધા શહેરની મંત્ર સાથે રૂર્બન વિલેજની કલ્પનાને સાકાર કરી બતાવી. અગાઉની સરકારની કાર્યપ્રણાલીને વર્ણવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિકાસ માટે રૂપિયો મોકલે અને પ્રજા પાસે માત્ર ૧૫ પૈસા જ પહોચે તેવી સ્થિતી હતી. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર રૂપિયો મોકલીને સવા રૂપિયાનું કામ લે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રજાના પૈસા પ્રજા કાર્ય માટે વપરાય તેનું સરકાર બરાબર ધ્યાન રાખે છે. પૈસા એ સમસ્યા નથી પરંતુ વિકાસનું સાધન છે એટલે જ કેન્દ્ર સરકારે ૧૪માં નાણાપંચમાં ગામડાના વિકાસ માટે ૮૬૦૦ કરોડ જેટલી રકમ પાંચ વર્ષ માટે ફાળવી છે. ગામડુ સમૃધ્ધ તો રાજય અને રાષ્ટ્ર સમૃધ્ધ અને ખેડુત સમૃધ્ધ તો ગામડુ સમૃધ્ધ એ વાતને દોહરાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતના ખેડુતોને જો પાણી અને વિજળીની સુવિધા આપે તો દુનિયાની ભુખ ભાંગવાની તાકાત ગુજરાતના ખેડુતના ખભામાં રહેલી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકીય ઈચ્છાશક્તિને કારણે જ ગુજરાતના ખેડુતોને આ રાજય સરકારે ચોવીસ કલાક ગુણવત્તાયુક્ત વીજળી પુરી પાડી છે. એટલુ જ નહી પ્રતિ વર્ષ એક લાખ વીજ જોડાણ પુરા પાડવાના સંકલ્પ સાથે આ વર્ષે સવા લાખ વીજ જોડાણ પુરા પાડવા ગુજરાત કૃતનિશ્વયી છે. ખેડુતોના કૃષિ ઉત્પાદનને પુરતુ વળતર મળે અને ખેડુતોની આવક બમણી કરવા ગુજરાત સરકારે ૧૦૦૦ કરોડની મગફળી અને ૬૦૦ કરોડની તુવેરની ટેકાના ભાવે ખરીદી કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડુતોને છેતરનારાઓ સામે લાલ આંખ કરી જણાવ્યું હતું કે, નકલી બિયારણ, નકલી જંતુનાશક દવા અને ખાતરનો વેપલો કરનારાને ઝડપવા રાજય સરકારે ઝુંબેશ ઉપાડી છે. આવા લોકોને ઝડપવા દરોડાની કામગીરી પણ હાથ ધરાશે એમ તેમણે જણાવ્યું હતું. આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું ગુજરાત છે.. દયાનંદ સરસ્વતીથી માંડી પ્રમુખ સ્વામીના ધર્મ સંસ્કારોથી મંડિત ગુજરાત છે અહીં ગૌ ગંગા અને ગીતા આસ્થા કેન્દ્રો છે અને એમનું સન્માન અમારા સંસ્કાર છે એવું સ્પષ્ટપણે જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગૌ વંશના જતન દ્વારા કૃષિ અને પશુપાલનને સમૃધ્ધ બનાવવું છે ગૌવંશની હત્યા કરવી એ સંસ્કૃતિ ધર્મ અને દેશ વિરોધી કૃત્ય છે. આ ગુજરાત છે… કેરળ નહી… ગૌવંશની હત્યાને ગુજરાતમાં સ્થાન નથી તેવુ મુખ્યમંત્રીએ દ્રઢપણે જણાવ્યું હતું કે, તેમણે દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવી તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ગુજરાત સરકારે એક મહત્વનું પગલું ભર્યું હોવાનું પણ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના વર્ષો બાદ પણ ગ્રામ્ય સ્તરે પાકા રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ નહોતી ત્યારે રૂપાણીના નેતૃત્વ વાળી રાજય સરકારે ગ્રામ્ય અર્થતંત્રને વેગવાન બનાવવા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના કાર્યાન્વિત કરી છે. તેનાથી ગામડુ ધબકતું થશે. સમગ્ર દેશમાં નોનપ્લાન રસ્તાઓને પાકા બનાવવાનું કામ ગુજરાતે હાથ ધરીને દેશને નવો રાહ ચિંધ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ સરપંચોને અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, રાજયના સહયોગથી આપ ગામની કાયાપલટ કરી શકશો. તેમણે કહ્યું કે, દેશના પ્રધાનમંત્રી તરીકે અટલ હતા ત્યારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અમલી બનાવી હતી ત્યારે તેજ સમયે ગુજરાતે તમામ કામો પૂર્ણ કરી દીધા હતા.

Related posts

લોકપ્રિય વોટ ઓન એકાઉન્ટ રજૂ થયું : શ્રેણીબદ્ધ રાહતો

aapnugujarat

ખેલ રાજ્યમંત્રીએ બાઠવા ગામે તળાવમાં ડૂબી જવાથી મરણ પામેલા યુવાનોના પરિવારોને સાંત્વના પાઠવી

aapnugujarat

નર્મદા જિલ્લામાં મુકબધીરો, પ્રજ્ઞાચક્ષુઓ, વિકલાંગો, શતાયુ અને તેથી વધુ વયના વડીલ-વૃધ્ધજનો કરશે મતાધિકારનો આદર : મતદાન કરવા બન્યા છે સહુ તત્પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1