પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગત રોજ એ અરજીને રદ કરી હતી જેમાં માગણી કરવામાં આવી હતી કે, ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જલદી ફાંસી આપી દેવામાં આવે. કુલભૂષણને જલદી ફાંસી આપવાની આ અરજી પાકિસ્તાનના એક નાગરિક ફારુખ નાયિક દ્વારા કરવામાં આવી હતી.અરજીકર્તાએ તેની દલીલમાં જણાવ્યું કે, કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે દોષી ઠેરવ્યો છે અને તેને મોતની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત કુલભૂષણે તેની સજાની વિરુદ્ધમાં અપીલ પણ નથી કરી. જેથી તેને તાત્કાલિક ફાંસી આપી દેવામાં આવે. વધુમાં અરજીકર્તાએ જણાવ્યું કે, જાધવને મોતની સજા અને તેને રાજકીય મદદ નહીં કરવાનો નિર્ણય પાકિસ્તાની કાયદા મુજબ કરવામાં આવ્યો છે.ફારુખ નાયિકે તેની અરજી અને દલીલમાં જણાવ્યું કે, આ મામલો આંતરરાષ્ટ્રીય અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવતો જ નથી. વધુમાં ફારુખ નાયિકના જણાવ્યુ અનુસાર કુલભૂષણના કેસમાં પાકિસ્તાન તેના કાયદા પ્રમાણે નિર્ણયો લેવા સ્વતંત્ર છે.આપને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય અદાલતે કુલભૂષણ મામલે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી જાધવને ફાંસી નહીં આપવા પાકિસ્તાન સરકારને જણાવ્યું છે. જોકે પાકિસ્તાને જણાવ્યું કે,આઇસીજેના ચુકાદાથી પાકિસ્તાન સરકારના નિર્ણયમાં કોઈ બદલાવ આવશે નહીં.