Aapnu Gujarat
ગુજરાત

રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથીરિયાની ધરપકડ

રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદ નાસતા ફરતા પાસના નેતા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઇમ બ્રાંચે આજે સુરતના વેલંજા પાસેથી ધરપકડ કરી લેતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે. અલ્પેશ કથીરિયા તેના મિત્ર અને પાર્ટનર આશિષ વધાસિયાનાં લગ્નમાં હાજરી આપવા ગયો હતો, ત્યાંથી ક્રાઇમ બ્રાંચે તેને રંગે હાથ ઝડપી લીધો હતો. રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરિયાની ફરીથી ધરપકડ કરવામાં આવતાં બીજીબાજુ, પાટીદારોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, પાસના સંયોજક અલ્પેશ કથીરિયાએ પોલીસ લોકઅપમાં પોલીસ અધિકારીઓને બેફામ ગાળો આપીને વિવાદમાં આવતા કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. જામીન રદ થયા બાદ તે નાસતો ફરતો હતો પરંતુ પોલીસે આજે ચોક્કસ બાતમીના આધારે તેના મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયેલા કથીરિયાને ઉઠાવ્યો હતો. થોડાક સમય પહેલા સુરતમાં ગાડી પાર્ક મામલે પોલીસ સાથે ગેરવર્તન, મારામારી અને ધમકી આપવા સહિતના ગુનામાં વરાછા પોલીસે પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાની અટકાયત કરી હતી. જેમાં તેને વરાછા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો અને લોકઅપમાં પૂરાયો ત્યારે તેણે આવેશ અને ગુસ્સામાં આવી જઇ એસીપી તેમજ અન્ય અધિકારીઓ સાથે ગેરવર્તન કરી તેમને ગંદી ગાળો ભાંડી હતી. અલ્પેશના લોકઅપનો જે વીડિયો સામે આવ્યો હતો તેમાં અલ્પેશે અધિકારીઓને ગાળો ભાંડી હતી. અલ્પેશ કથીરિયાએ પોલીસને બેફામ ગાળો આપ્યા બાદ પોલીસે રાજદ્રોહના કેસમાં તેના જામીન રદ કરવા સુરતની કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પોલીસની અરજી ગ્રાહ્ય રાખીને અલ્પેશના જામીન રદ કર્યા હતા. અલ્પેશના જામીન રદ થતાંની સાથે જ તે અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. સુરત ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે અલ્પેશ કથીરિયા સુરતના વેલંજામાં તેના મિત્ર અને પાર્ટનર આશિષ વધાસિયાનાં લગ્નમાં હાજરી આપવા માટે આવવાનો છે. પોલીસ જાનૈયાની જેમ તૈયાર થઇને આશિષ વાધાસિયાનાં લગ્નમાં પહોંચી ગઇ હતી અને અલ્પેશની રાહ જોઇ રહી હતી. અલ્પેશ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યો ત્યારે ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી લીધો હતો. અલ્પેશની ધરપકડ થતાં લગ્નમાં ચકચાર મચી ગઇ હતી. રાજદ્રોહના કેસમાં સાડા ત્રણ મહિના સુધી જેલમાં રહ્યા બાદ તેને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો હતો. હવે ફરી પાછો કથીરિયા જેલના સળિયા પાછળ ધકેલાતાં પાટીદારોમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ છે. સુરતના સ્થાનિક પાટીદાર યુવા નેતાઓએ પોલીસ પર રાગદ્વેષ અને કિન્નાખોરી રાખી કથીરિયા સામે કાર્યવાહી કરી રહી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

Related posts

ભાનુશાળી હત્યા કેસ સંદર્ભે પાંચની ધરપકડ

aapnugujarat

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત

aapnugujarat

વડોદરા જિલ્લાના તમામ પેટ્રોલપંપ/ હોટલ/ ગેસ્ટ હાઉસમાં સીસીટીવી ગોઠવવાના આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1