રેલ્વે બોર્ડની નવી વ્યવસ્થા હેઠળ હવેથી જો ટીટી વગર ટિકીટે મુસાફરી કરનાર અથવા રેલ્વેના કોઇ પણ નિયમનું ઉલ્લંઘન કરનાર કોઇ માઇનોર વ્યક્તિને પકડે તો હવે તેમની પાસે સીધો દંડ વસૂલી શકાશે નહીં.મીડિયા અનુસાર રેલ્વેની આ વ્યવસ્થાથી ટ્રેન અને રેલ્વે સ્ટેશન પર ટિકીટ ચેકિંગ કરનાર સ્ટાફમાં હોબાળો મચી ગયો છે, કારણ કે જો માઇનોર વ્યક્તિ પાસેથી ડાયરેક્ટ દંડ વસૂલવામાં આવશે તો સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ સર્ક્યુલરથી ગ્વાલિયરનો ચેકિંગ સ્ટાફ સૌથી વધારે મૂંઝવણમાં મુકાઇ ગયો છે, કારણ કે ગ્વાલિયરમાં ભારે સંખ્યામાં લોકો આ પ્રકારે વગર ટિકીટે મુસાફરી કરતા પકડાય છે. ભિંડ,મુરૈનાની ટ્રેનોમાં આવા યાત્રીઓની સંખ્યા ઘણી વધારે રહે છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ટ્રેનોમાં જો વગર ટિકીટે મુસાફરી કરતું કોઇ માઇનોર વ્યક્તિ ઝડપાઇ જતુ ત્યારે ચેકિંગ સ્ટાફ તેની પાસેથી દંડ વસૂલ કરતો હતો. દંડ વસૂલ્યા બાદ તેમને છોડી મૂકવામાં આવતા હતા. આ મુદ્દામાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ કેરળના રાજ્ય બાળ અધિકાર આયોગે રેલ્વે બોર્ડને સૂચન આપ્યા હતા કે માઇનોર વ્યક્તિ પાસેથી કોઇ પણ સંજોગોમાં દંડ વસૂલવામાં ન આવવો જોઇએ. કમિશનના આ સૂચનોને રેલ્વે બોર્ડે તાજેતરમાં જ પરવાનગી આપી દીધી છે. બે દિવસ પહેલા રેલ્વે બોર્ડે દેશના તમામ રેલ્વે ઝોનના ચીફ કમર્શિયલ મેનેજરને સર્ક્યુલર જાહેર કર્યુ છે.
સર્ક્યુલરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માઇનોર વ્યક્તિ કોઇ પણ નિયમનું ઉલ્લંઘન કરે છે તો ડાયરેક્ટ કાર્યવાહી ન કરવામાં આવે. તેના માટે પહેલા જુબેનાઇલ જસ્ટિસ બોર્ડને એક રિપોર્ટ સોંપવાનો રહેશે. ત્યારબાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. જો ડાયરેક્ટ ચેકિંગ સ્ટાફ દ્વારા કાર્યવાહી થશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.