માર્ચ ૧૯૯૩માં મુંબઈને હચમચાવી મુકનાર સિરિયલ બ્લાસ્ટ કેસમાં ખાસ ટાડા કોર્ટ ૧૬મી જૂનના દિવસે માફિયા ડોન અબુ સાલેમ અને અન્ય છ સામે તેનો ચુકાદો જાહેર કરશે. આજે આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી. ખાસ ટાડા કોર્ટના જજ જીએ સનપ સમક્ષ સાત આરોપીઓને આજે રજુ કરવામાં આવ્યા હતા. ચુકાદાની તારીખ પર થઈ રહેલી સુનાવણીના સંદર્ભમાં આજ તમામને રજુ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૫માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરીને અબુ સાલેમને ભારત લાવવામાં આવ્યો હતો. અન્ય જે આરોપીઓ છે તેમાં મુસ્તફા ડોસા, તાહીર મર્ચન્ટ, અબ્દુલ કલીમ, કરીમુલ્લા ખાન, રીયાઝ સિદ્દિકીનો સમાવેશ થાય છે. અબુ સાલેમને બિલ્ડર પ્રદિપ જૈનની ૧૯૯૫માં હત્યા બદલ વર્ષ ૨૦૦૫માં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. અબુ સાલેમ હાલમાં રાયગઢમાં તલોજા સેન્ટ્રલ જેલમાં છે. એકજ કેસમાં અગાઉ ખાસ અદાલતે યાકુબ અબ્દુલ રઝાક મેમણ સહિત ૧૦૦ આરોપીઓને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા. યાકુબ અબ્દુલ મેમણને ૩૦મી જુલાઈ ૨૦૧૫ના દિવસે ફાંસી આપી દેવામાં આવી હતી. બોલિવુડ સ્ટાર સંજય દત્ત તેની સંપૂર્ણ સજા ભોગવી ચુક્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૬માં તે જેલમાંથી મુક્ત થયો હતો. ૧૨મી માર્ચ ૧૯૯૩ના દિવસે મુંબઈમાં ટૂંકા ગાળામાં ૧૩ બ્લાસ્ટ થયા હતા. મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં આ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૨૫૭ લોકોના મોત થયા હતા અને ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. માસ્ટર માઈન્ડ માફિયા ડોન દાઉદ ઈબ્રાહીમના ઈશારે આ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. દાઉદ ઉપરાંત ટાઈગર મેમણ અને અન્યોના ઈશારે આ બ્લાસ્ટ કરાયા હતા. જે સ્થળો પર બ્લાસ્ટ કરાયા હતા તેમાં એર ઈન્ડિયા બિલ્ડીંગ, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ, ઝવેરી બજાર, પ્રવર્તમાન ફાઈવ સ્ટાર હોટલ, હોટલ સીરોક, હોટેલ જુહુ અને અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. આ બ્લાસ્ટના કારણે સંપત્તિને અભૂતપૂર્વ નુકસાન થયું હતું. એકંદરે ૨૭ કરોડની સંપત્તિને આ બ્લાસ્ટના કારણે નુકસાન થયું હતું.
પાછલી પોસ્ટ