શ્રીલંકાના પાટનગર કોલંબો તેમજ હેમ્બાનટોટા, રત્નપુરા સહિત ૨૫માંના ૧૫ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં આવેલા વિનાશકારી પૂર અને ભૂસ્ખલનની આફતે તબાહી સર્જી છે.પડોશી દેશને આ આપત્તિના સમયમાં મદદરૂપ થવા માટે ભારત ત્વરિત ત્યાં પહોંચી ગયું છે.પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બન્યાની શનિવારે જાણ થતાવેંત ગણતરીના જ કલાકોમાં ભારતીય નૌકાદળે માનવતાવાદી રાહત સામગ્રી, દવા તથા તબીબી સામગ્રી, જેમિની હોડીઓથી ભરેલા બે જહાજ – આઈએનએસ-શાર્દુલ અને આઈએનએસ-કિર્ચ, શ્રીલંકાના પાટનગર કોલંબો મોકલી દીધા હતા.
આ રાહત સામગ્રી સાથે ભારતીય નૌકાદળે નિષ્ણાત જવાનોને પણ મોકલ્યા છે જેઓ પૂરગ્રસ્ત શ્રીલંકાવાસીઓને ઉગારવામાં સ્થાનિક વહીવટીતંત્રને મદદરૂપ થઈ રહ્યા છે.પર્યટકોમાં જાણીતા કાલુટારા, ગોલ અને મટારો જિલ્લા-વિસ્તારોમાં સૌથી વધારે નુકસાન થયું છે.શ્રીલંકામાં પૂરની આફતે અત્યાર સુધીમાં ૧૪૬ જણના જાન લીધાં છે અને બીજાં ૧૧૨ જણ લાપતા છે. લાખથી વધારે લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.ત્વરિત મદદરૂપ થવા બદલ શ્રીલંકાના વિદેશપ્રધાને ભારતીય વિદેશપ્રધાન સુષમા સ્વરાજ તથા ભારતીય નૌકાદળનો આભાર માન્યો છે.