Aapnu Gujarat
બ્લોગ

રેલ્વેને વધુ સેફ્ટી સાથે તૈયાર કરાય તો અકસ્માત ને ટાળી શકાય

કેટલાક સમાચારને આપણે કેટલી સાહજિકતાથી લઈ રહ્યા છીએ. એમાંય ખાસ કરીને અકસ્માત, રેલવે અકસ્માત, આતંકવાદી હુમલાઓની ખુવારી જાણે કે કોઠે પડી ગઈ છે. લોકોની ચામડી એટલી જાડી થઈ ગઈ છે કે માનવ જાનહાનિના અહેવાલથી રુંવાડું પણ ફરકતું નથી.
રેલવે અકસ્માતો આમાંના એક છે જે અવારનવાર અખબારો-ટેલિવિઝન પર ચમકે છે, પરંતુ લોકો એને નજરઅંદાજ કરતા થઈ ગયા છે. રેલવે સત્તાવાળાઓ, સરકાર મૃત્યુ પામનારાઓને માટે રકમની જાહેરાત કરે. થોડા આશ્ર્‌વાસનો ઠાલવે. બસ, એમનું કામ પૂરું. ફરી પાછી ટ્રેનો દોડવા લાગે. જનજીવન ધબકવા લાગે.
સરકાર એના પક્ષે રેલવેની સલામતી માટે, પ્રવાસીઓની સુરક્ષા કાજે પગલાં લે છે, આમ છતાં રેલવે અકસ્માતો બંધ થતા નથી એ પણ હકીકત છે. છેલ્લાં ચાર વર્ષમાં ટ્રેનોની સેફટી માટે રૂ. ૨.૩૨ લાખ કરોડનો ખર્ચ થયો છે. આ આંકડો નાનોસૂનો નથી, પરંતુ એની સામે છેલ્લાં ચાર વર્ષમાં થયેલાં રેલવે અકસ્માતોની સંખ્યા પણ નાની નથી. એમાં મરણને શરણ થયેલાઓનો આંકડો પણ મોટો જ છે. છેલ્લાં ચાર વર્ષમાં ૩૨૮ રેલવે એક્સિડેન્ટ થયા છે. મરણનો આંકડો ૨૬૪ અને ઈજાગ્રસ્તોની સંખ્યા ૮૧૫ થઈ છે. રેલવેએ મરનારાના આપ્તજનોને અને ઘાયલ પ્રવાસીઓને કરોડોનું વળતર ચૂકવ્યું છે.
તાજેતરમાં બિહારમાં ટ્રેન ખડી પડી એમાં છ જણના મોત થયાં એને પગલે આ આંકડા તાજા થયા. આ આંકડા જોતા એવું સ્પષ્ટ બને છે કે માનવ જીવની આપણા દેશમાં કોઈ કિંમત નથી. આપણી ત્વચા એટલી બરછટ થઈ ગઈ છે કે લોકો – નિર્દોષ લોકોના અકસ્માતે જીવ જાય તો સરકારી તંત્ર અને તેના સંબંધિત અધિકારીઓનો જીવ જરાય બળતો નથી. મરનારાઓના કુટુંબીઓ સિવાય ભાગ્યે જ કોઈને ફરક પડે છે. સરકાર બુલેટ ટ્રેન શરૂ કરે એ વિકાસશીલ-પ્રગતિશીલ પગલું છે. વધુને વધુ મેટ્રો દોડે, વેલકમ છે. પ્રગતિ થવી જ જોઈએ, પરંતુ જે ટ્રેનો દોડી રહી છે, જે પાટાઓ છે એની સેફટી કેમ જળવાતી નથી અથવા તો એની વધુને વધુ સારી રીતે જાળવણી કેમ થઈ નથી રહી? આટઆટલા નાણાં ખર્ચાય છે, તે શેના માટે?
બીજા કોઈ દેશમાં રેલવે અકસ્માત થયો હોય અને લોકોએ જીવ ખોયા હોય ને તો સરકારે જવાબ દેવો મોંઘો થઈ પડે. મૃત્યુ પામનારના સગાઓ સત્તાવાળાઓ પર કેસ ઠોકી દે અને તેમને જેલ ભેગા કરે છે. સરકાર સુધ્ધાં ઉથલી જાય. કમભાગ્યે આપણા દેશમાં આપણા સત્તાવાળાઓને સત્તા ગુમાવવાનો કોઈ ભય નથી. અને માણસોના-નાગરિકોના જીવનું કોઈ મૂલ્ય રહ્યું નથી. લોકો જાણે કીડી-મંકોડાની જેમ જન્મે છે અને તેની જેમ મરે છે. કોને પડી છે?! આપણે રેલવેના પ્રવાસીઓની સિક્યોરિટી અને સેફટી માટે કેટલા ઉદાસીન છીએ એનું એક ઉદાહરણ એ છે કે મોટાભાગે રેલવે અકસ્માત વખતે કામ લાગે એવી યંત્રણાઓ-સુવિધાઓ કે સજ્જતા નથી. આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળીએ છીએ. અકસ્માતની જગ્યાએ એમ્બ્યુલન્સો કે ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં નજીકના ગામવાસીઓ દોડીને બચાવ કાર્ય શરૂ કરી દે છે. રેલવે પાસે નાણાંની અછત નથી, ઈચ્છાશક્તિનો કે દૂરંદેશીનો અભાવ છે. જરૂર છે આ અભાવને દૂર કરવાની. જરૂરત છે લોકોના જીવનું મૂલ્ય સમજવાની. કોઈપણ રાજ્યનો કોઈપણ જિલ્લાનો, કોઈપણ કસબાનો કે કોઈપણ જાતિનો માણસ હોય. એ રેલવે પર વિશ્ર્‌વાસ મૂકીને યાત્રા કરે છે. એની સલામતીની જવાબદારી સૌ પ્રથમ રેલવેની એટલે કે સરકારની છે. રેલવે અકસ્માતના અહેવાલોને સાવ સામાન્ય ન્યૂઝમાં ખપાવીને તેને થોડી ક્ષણોમાં વિસારી દેવાથી સરકારી તંત્રોની જડતા-લાગણી શૂન્યતા જ બહાર આવે છે. રેલવે અકસ્માતમાં મૃત્યુ પામનારાના કુટુંબને વળતરના નાણાંની જરૂરત નથી. ઈજાગ્રસ્તો નાનકડી રકમથી ખુશ થતા નથી-એ સરકારે સમજી લેવાની જરૂર છે. રેલવે સેફટી માટે ખર્ચાતા નાણાંનો વધુ સારો ઉપયોગ કરીને ભવિષ્યમાં જાનલેવા અકસ્માત ન સર્જાય એની તકેદારી લેવી એ જ મોટું ઉપકારક પગલું ગણાશે.

Related posts

નરેન્દ્ર મોદીને બે વખત સત્તાના શિખર સુધી પહોંચાડનારા અમિત શાહની કહાણી

aapnugujarat

સવર્ણ અનામત : મોદીનો માસ્ટરસ્ટ્રોક

aapnugujarat

વર્ષ ૨૦૪૦ સુધી દુનિયાનાં ઘણાં દેશોમાં પાણીની તંગી સર્જાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1