રિટેલ બ્રોકરેજિસ માટે ફન્ડિંગનો સસ્તો અને સરળ સ્રોત બંધ થવાની તૈયારી છે. પહેલી જુલાઈથી બ્રોકિંગ કંપનીઓ ગ્રાહકોનાં નાણાંનો ઉપયોગ કરીને અન્ય ટ્રેડને ફાઇનાન્સ નહીં કરી શકે. એટલે એ સમયે કદાચ સ્મોલ, મિડ-કેપ અને પેની શેરોમાં ઘટાડાની શક્યતા છે.
ફન્ડિંગ બંધ કરવાનો હેતુ ગ્રાહકોના ભંડોળનો દુરુપયોગ ટાળવાનો છે. એટલે જ સેબીને નિયમો ચુસ્ત બનાવવાની ફરજ પડી છે. અત્યારે બ્રોકિંગ કંપનીઓ ક્લાયન્ટના ટ્રેડિંગ એકાઉન્ટમાં નિષ્ક્રિય પડેલાં નાણાંનો ઉપયોગ અન્ય ગ્રાહકોને ધિરાણ માટે કરે છે અને તેની પર વ્યાજ મેળવે છે. બ્રોકરેજિસ માટે આ ફન્ડિંગનો ફ્રી સ્રોત છે. કારણ કે બ્રોકિંગ કંપનીઓએ ક્લાયન્ટ્સને આ રકમ પર કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી. સેબીને આ સમગ્ર પ્રક્રિયામાં જોખમ જણાતું હોવાથી તેણે ફન્ડિંગના નિયમ કડક બનાવ્યા છે.છેલ્લા કેટલાક મહિનાથી સેબી નિયમો ચુસ્ત બનાવવા સક્રિય હતી, પણ બ્રોકર્સ તેને પાછળ ઠેલતા હતા. જોકે, સેબીએ હવે નિયમમાં વિલંબનો કોઈ નિર્દેશ નહીં આપ્યો હોવાથી બ્રોકિંગ કંપનીઓએ ફન્ડિંગના નવા નિયમોનું પાલન કરવું જ પડશે. મુંબઈની રિટેલ બ્રોકિંગ ફર્મના સીઇઓએ જણાવ્યું હતું કે, બ્રોકર્સ પર આ પગલાની મોટી અસર થશે. કારણ કે નવા નિયમને કારણે તેમનો રોકડપ્રવાહ ઘટશે.બ્રોકરેજિસના ટોચના એક્ઝિક્યુટિવ્સના જણાવ્યા અનુસાર મોટા ભાગની બ્રોકિંગ કંપનીઓને આ પગલાની અસર થશે. ખાસ કરીને નાના બ્રોકરેજિસ બિઝનેસના સંચાલન માટે ક્લાયન્ટનાં નાણાં પર મોટા પાયે નિર્ભર છે.