Aapnu Gujarat
Uncategorized

ગુજરાતના દરિયાકાંઠાનો સર્વાંગી વિકાસ એ કેન્દ્ર સરકારની પ્રથમ અગ્રતા: કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા

ભારત સરકારના શીપીંગ મંત્રાલયની સાગરમાલા યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં ચાલતા વિવિધ કામોની સમિક્ષા બેઠક ગાંધીનગર ખાતે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાની અધ્યક્ષતામાં યોજનામાં આવેલી હતી.

શીપીંગ મંત્રાલયની સાગરમાલા યોજના હેઠળ દેશ કક્ષાએ ૫૯ જેટલા મહત્વના પ્રોજેક્ટ રૂ. ૮૪૦૪૬ કરોડનાં ખર્ચે અમલમાં મુકેલ છે, જેના થકી પોર્ટ્બેઝ ઇન્ડસ્ટ્રીઝ અને સાગરકાંઠાનો વિકાસ કરી શકાય. ગુજરાતમાં પણ આ યોજના હેઠળ મહત્વના પ્રોજેક્ટ ચાલુ હોઈ તેના સમયસર અમલીકરણ અંગે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ સમીક્ષા બેઠક યોજેલ હતી. આ બેઠકના ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ અંગે સમીક્ષા કરવામાં આવેલ.

           ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વીસનાં નિર્માણથી ઘોઘા-દહેજ વચ્ચેનું હાલનું ૨૬૮ કી.મી.નું અંતર ઘટીને ૩૧ કી.મી.જેટલું થશે તથા હાલ ૭ કલાક જેટલો સમય જોઈએ છે તે માત્ર દોઢ કલાકમાં રો-રો  ફેરી મારફત કાપી શકાશે.આ ઉપરાંત નવલખી અને પોરબંદર પોર્ટ ખાતે ખાસ કોસ્ટલ બર્થ બનાવવામાં આવશે. જેથી સીમેન્ટ અને નમકનું પરિવહન સરળ બનશે અને રોડ પરનું ભારણ ઘટશે. સ્થાનિક માછીમારોની જરૂરીયાત ધ્યાને લઇ વેરાવળ અને માંગરોળ ખાતે ફિશીંગ હાર્બર વિકસાવવામાં આવી રહેલ છે.

પોર્ટ-લેડ ઇન્ડસ્ટ્રીને વધારવા સાગરમાલા યોજના હેઠળ ગીફટસીટી ગુજરાત ખાતે દેશનું પ્રથમ ‘મેરીટાઇમ’ ક્લસ્ટર બનાવવામાં આવશે. જેમા શીપીંગને લગતી  વિવિધ સેવાઓ સાંકળી લેવામાં આવશે, જયારે શિપીંગ એન્સીલીયરી માટે ભાવનગર ખાતે પણ મેરીટાઈમ ક્લસ્ટર  બનાવવામાં આવશે. પોર્ટ કનેકટીવીટી વધારવા માટે જુના બેડી બંદર સુધી બ્રોડગેજ લાઇન નાખવામાં આવશે, તો ભાવનગરથી-અલંગ-સોસીયા સુધીનો હયાત માર્ગને નેશનલ હાઇવે બનાવવામાં આવશે. જે માટે હાલના હયાત રસ્તો ભાવનગર-ઘોઘા-મીઠીવીરડી-જસપર-માંડવા-સોસીયાને વિકસાવવામાં આવશે.

શિપીંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ કામદારોના કૌશલ્યનો વિકાસ કરવા અલંગ શિપયાર્ડ ખાતે તાલીમ કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવેલ છે. દ્વારકા નગરના ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન મહત્વને ધ્યાને લઇ સાગરમાલા યોજના હેઠળ વિશેષ વિકાસ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. પ્રવાસીઓની સવલતને ધ્યાને લઇ બેટ દ્વારકા નજીક અંડરવોટર ગેલેરી તથા અંડરવોટર રેસ્ટોરેન્ટ વિકસાવવા વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી. આ ઉપરાંત દેશના મેરીટાઇમ વારસાને જાળવવા માટે મેરીટાઇમ મ્યુઝિયમ, પુરાતત્વ મ્યુઝિયમ, મેરીટાઇમ થીમ પાર્કને સાંકળતુ ‘‘નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પલેક્ષ’’ લોથલ નજીક વિકસાવવાનું નકકી કરવામાં આવેલ છે તે અંગે પણ વિગતવાર ચર્ચા થઇ હતી.

આ બેઠકમાં રાજ્યનાં મુખ્ય સચિવશ્રી, બંદર વિભાગનાં અધિક મુખ્ય સચિવશ્રી, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી, મેરીટાઈમ બોર્ડના અધિકારીશ્રીઓ, ભારત સરકારના અધિકારીશ્રીઓ વિગેરે હાજર રહેલ.

Related posts

જુનાગઢમાં ૨૫ દલિત ભાઈ-બહેનોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

aapnugujarat

દલિતોના આક્રોશની જવાળાએ સૌરાષ્ટ્રનાં ઘણાં ક્ષેત્રોને દઝાડી

aapnugujarat

ટોલનાકાના ત્રાસ થી વેરાવળ-પાટણ શહેર તેમજ ગામડાની પ્રજા ત્રાહિમામ

editor

Leave a Comment

UA-96247877-1