ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના મેડીકલ ડેન્ટલ, ફાર્મસી સહિતના પ્રવેશ પ્રક્રિયા અંગે ગુજરાતની ભાજપ સરકાર મનઘડત નિર્ણયો, દિશાવિહીન પ્રવેશ નિતી, દરવર્ષે પ્રવેશ સમયે નિતી નિયમોમાં સતત ફેરફાર ને કારણે ગુજરાતના ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના આશરે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને બી-ગ્રુુપના મેડીકલ ડેન્ટલ સહીત અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ૬૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ માટે નીટ પ્રવેશ પરીક્ષા ના લીધે ઉભી થયેલ હાલાકી માટે રાજય સરકાર દ્વારા ગંભીરતાથી ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. બીજી બાજુ આયુર્વેદ, હોમિયોપેથી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા માટે નીટ ફરજીયાત કરવાના નિર્ણયથી ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની કારકિર્દિને ભારે નુકશાન થસે. ત્યારે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓની કારકિર્દિની ભારે નુકસાન કર્તા નિર્ણય અંગે ભાજપ સરકાર પુનઃવિચાર કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડા.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા સમયે જ નતનવા નિયમો અને જાહેરાતો કરીને હજારો વિદ્યાર્થીઓ વાલીઓની હાલાકીમાં પારાવાર વધારો કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી મેડીકલ ડેન્ટલ માટે પ્રવેશ પ્રક્રિયામાં ગુજકેટ કે નીટ અંગે કોઈ નક્કર નીતીગત નિર્ણય ન કરીને દર વર્ષે અનેક કાનુની લડત ઉભી થઈ હતી અને જેનો સીધો ભોગ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓને બનવું પડ્યું. તેમ છતાં વિદ્યાર્થીઓ પર સતત પ્રયોગો કરીને ભાજપ સરકાર મુશ્કેલીમાં વધારો કરી રહી છે. મેડીકલ ડેન્ટલ માટે પ્રવેશ મેળવવા યોજાયેલ નીટ પરીક્ષા સમયે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે સંપૂર્ણ અણછાજનું વર્તન કરવામાં આવ્યું. નીટ પરિક્ષામાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના પ્રશ્નપત્રોમાં પણ અનેક પ્રકારની વિસંગતતાઓ અને પ્રશ્નો પણ અલગ અલગ પુછવામાં આવ્યા. જેના લીધે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ સીધો ભોગ બન્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડા.મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ૪૫ હજાર વિદ્યાર્થીઓ સામે ૭૦ હજાર જેટલી બેઠકો એટલે કે, તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો પણ ૩૦ હજાર જેટલી બેઠકો ખાલી રહેશે. મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે ૪૫ હજાર વિદ્યાર્થીઓ સામે માત્ર ૯ હજાર જેટલી જ બેઠકો ઉપલબ્ધ છે અને આ વર્ષે નીટના આધારે પ્રથમ વખત પ્રવેશ આપવાનો હોવાથી વિદ્યાર્થી-વાલીઓ માનસિક તાણમાં છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ