પશ્ચિમ બંગાળના પાટનગર કોલકતામાં ભાજપના વિરોધ પ્રદર્શન દરમિયાન આજે સ્થિતિ તંગ થઈ ગઈ હતી. પોલીસે ભાજપના દેખાવકારોને રોકવા માટે જોરદાર લાઠીચાર્જ કર્યો હતો. તેમના પર પાણીનો મારો પણ ચલાવ્યો હતો. ભાજપ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવાને લઈને લાલ બજાર સુધી માર્ચ યોજી રહ્યું હતું ત્યારે આ બનાવ બન્યો હતો.
અહેવાલ મુજબ ભાજપના આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈપણ અનિચ્છનિય બનાવને રોકવા માટે પહેલાથી જ ૨૫૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. સાથે સાથે લાલબજાર અને આસપાસના વિસ્તારોમાં સીઆરપીસીની કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. તમામ પોલીસ જવાનોને લાલબજાર તરફ જતા માર્ગો ઉપર તૈનાત કરવામાં આવ્યા હતા. લાલબજારમાં પ્રવેશ કરવાના તમામ ગેટ ઉપર સુરક્ષાના ભાગરૂપે બેરીકેડ મુકી દેવામાં આવ્યા હતા. પોલીસને મળેલી માહિતી મુજબ ભાજપના કાર્યકરો આગળ વધી રહ્યા હતા. ભાજપના સમર્થકો પાંચ જુદા જુદા રસ્તાથી લાલબજારમાં કોલકતા પોલીસના હેડક્વાર્ટર સુધી પહોંચવાના પ્રયાસમાં હતા. ભાજપના સમર્થકો પર લાઠીચાર્જની ઘટના બાદ તંગ સ્થિતિ થઈ ગઈ હતી.