ભારતીય રેલવેમાં સરકાર ભલે કેટલી પણ સુવિધા આપે પરંતુ જ્યાં સુધી ટ્રેનમાં મુસાફરી કરનાર લોકો પોતાની જવાબદારીને સમજશે નહીં ત્યાં સુધી સુવિધાઓનો લાભ મેળવી શકાશે નહીં. જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચાડવાની જવાબદારીને જ્યાં સુધી સામાન્ય લોકો સમજશે નહીં ત્યાં સુધી સુવિધાઓનો લાભ તમામ યાત્રીઓ ઉઠાવી શકશે નહીં અને સરકારના તમામ પ્રયાસ નિષ્ફળ રહેશે. આવી જ સ્થિતિ તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં પણ થઈ છે. તેજસ એક્સપ્રેસની પ્રથમ યાત્રામાં જ હેડ ફોનની ચોરી થઈ ગઈ છે. એલઈડી સ્ક્રીનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યા છે. ભારતીય રેલવેએ હાલમાં જ પોતાની પ્રથમ હાઈસ્પીડ ટ્રેન તેજસને સામાન્ય યાત્રીઓ માટે શરૂ કરી હતી. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ૨૨મી મેના દિવસે આ ટ્રેનને લીલીઝંડી આપીને શરૂઆત કરાવી હતી. ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી આ ટ્રેનને મુંબઈના છત્રપતિ શિવાજી સ્ટેશનથી ગોવા માટે રવાના કરવામાં આવી હતી પરંતુ મંગળવારના દિવસે આ ટ્રેન પરત ફરી ત્યારે જાણવા મળ્યું કે યાત્રીઓએ આને ખુબ નુકસાન પહોંચાડ્યું છે. આ ટ્રેનમાંથી હાઈક્વોલિટીના ૧૨ હેડફોન ગાયબ છે. કેટલાક એલઈડી સ્ક્રીનને પણ સ્ક્રેચ કરી દેવામાં આવ્યા છે. ટ્રેનમાં બીજા દિવસે મુસાફરી કરી રહેલા યાત્રીઓએ કહ્યું હતું કે ટ્રેન વ્યવસ્થિત રીતે સ્વચ્છ પણ ન હતી. ટોઈલેટમાં પણ ગંદકી હતી. આ નિષ્ફળતા હાથ લાગ્યા બાદ રેલવે અધિકારીઓ હવે જુદી યોજના બનાવી રહ્યા છે અને ટ્રેનને નુકસાન ન પહોંચાડવા અન્ય રીતે અપીલ કરવામાં આવશે. આ નવી પ્રિમિયમ ટ્રેન મુંબઈ અને ગોવામાં કરમાલી વચ્ચે એક સપ્તાહમાં પાંચ દિવસ દોડાવવામાં આવશે. મોનસૂનની સિઝન દરમિયાન આ ટ્રેન એક સપ્તાહમાં ત્રણ દિવસ સુધી દોડાવવામાં આવશે. ૨૦ કોચની આ અતિઆધુનિક ટ્રેનમાં ખાસ પ્રકારની ચેર રાખવામાં આવી છે. કોચમાં ચા અને કોફીના વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મેગેઝીન અને સ્નેક્સના ટેબલ ગોઠવવામાં આવ્યા છે. તેજસ એક્સપ્રેસના યાત્રીઓની સુરક્ષા માટે ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. આ ટ્રેન ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનાર છે. ઓટોમેટીક ડોર સાથે આ ટ્રેન સજ્જ રહેશે. તેમાં કોચ અતિ આધુનિક ડોર સાથે જોડાયેલા હોવાથી યાત્રીઓને સીધો ફાયદો થશે. વાયફાઈ અને એલઈડી સ્ક્રીનની સુવિધા છે. કોચ ચેન્નાઈના ઈન્ડિયન કોચ ફેકટરી ખાતે તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેન ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે. આ નવી ટ્રેનના કોચમાં ટચલેસ વોટર ટેપ જેવી સુવિધા છેે. ઉપરાંત વોટર લેવલના ઈન્ડીકેટર્સ રહેશે. બાયો વેક્યુમ ટોયલેટ સાથે તમામ કોચમાં હેન્ડ ડ્રાયર્સની સુવિધા છે. મુંબઈથી ગોવા માટે એક વખતનું ભાડુ ૨૭૪૦ રૂપિયા છે. જેમાં ભોજનનો સમાવેશ થાય છે. જ્યારે ભોજન વગર યાત્રા ૨૫૮૫ રૂપિયામાં છે. સામાન્ય ચેર કાર માટે ભાડુ ૧૩૧૦ રૂપિયા નક્કી કરાયું છે. જેમાં ફુડનો સમાવેશ થાય છે. ફુડ વગર ભાડુ ૧૧૮૫ રૂપિયા છે.
આગળની પોસ્ટ