ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર એવી ઘટના બની છે જેના કારણે હાઈવે પર મુસાફરી કરનાર લોકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થઈ ગયા છે. બુલંદશહેરમાં હાઈવે ઉપર ગેંગરેપ સાથે જોડાયેલો મામલો સપાટી ઉપર આવ્યો છે. યમુના એક્સપ્રેસ વે ઉપર કારમાં જેવરથી બુલંદશહેર જઈ રહેલા એક પરિવારને બુધવારે મોડી રાત્રે બાનમાં પકડીને લૂંટી લેવાની ઘટના સપાટી પર આવી છે. એટલું જ નહીં પરિવારના વડાની ગોળી મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. અસામાજિક તત્વોએ મહિલાઓની સાથે રેપ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. ચાર મહિલાઓ સાથે બળાત્કાર થયા હોવાના ઓરોપો કરવામાં આવ્યા છે. ઘટનાની તપાસ કરી રહેલા એસએસપી લવકુમારનું કહેવું છે કે જેવર ક્ષેત્રના સબોટા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે અડધા ડઝનથી વધુ હુમલાખોરોએ ઈકો કારમાં જઈ રહેલા એક પરિવારને ઘેરી લીધો હતો. હુમલાખોરોએ કારના ટાયરમાં ગોળી મારી હતી જેથી તેને રોકી લીધી હતી. ત્યારબાદ પરિવારના વડાની બહેનની ડિલિવરી થનાર હતી અને તેની બહેન બુલંદશહેરની હોસ્પિટલમાં ભરતી હતી જેને જોવા માટે પરિવારના સભ્યો બુલંદશહેર જઈ રહ્યા હતા. જ્યારે તેઓ રામનેર નજીક પહોંચ્યા ત્યારે હુમલાખોરોએ તેમની કારને ટાર્ગેટ બનાવી હતી. વિરોધ કરવામાં આવ્યા બાદ હુમલાખોરોએ પરિવારના લીડરને ત્રણ ગોળીઓ મારી હતી જેમાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારબાદ હુમલાખોરોએ પીડિત પરિવાર પાસેથી ૪૫ હજાર રૂપિયાની રોકડ રકમ આંચકી લીધી હતી. પોલીસને શંકા છે કે ઓછામાં ઓછા ૧૦થી વધુ હુમલાખોરો હતા. પરિવારના કેટલાક સભ્યો આઘાતમાં છે જેથી માહિતી મળી શકી નથી. પોલીસે રિપોર્ટ નોંધીને તપાસ હાથ ધરી છે. હાલમાં જ બુલંદશહેર હાઈવે પર મુસાફરી કરી રહેલા એક મહિલા અને તેની ૧૩ વર્ષની પુત્રી પર અસામાજિક તત્વોએ ગેંગરેપ ગુજાર્યો હતો.