Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

મેલબોર્ન ટેસ્ટમાં ભારતે ઇતિહાસ સર્જ્યો, શ્રેણીમાં ૨-૧થી લીડ

ટીમ ઇન્ડિયાએ બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રને હાર આપીને ઇતિહાસ સર્જી દીધો છે. પ્રથમ વખત આવું બન્યું છે જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં હાર આપી છે. જીતવા માટે ૩૯૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ટીમ ૮૯.૩ ઓવરમાં ૨૬૧ રન કરીને આજે ઓલઆઉટ થઇ ગઈ હતી. તેના તરફથી પેટ કમિન્સે સૌથી વધુ ૬૩ રન બનાવ્યા હતા. ભારત માટે બજી ઇનિંગ્સમાં જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ ત્રણ વિકેટો ઝડપી હતી જ્યારે ઇશાંત શર્મા અને મોહમ્મદ સામીએ બે-બે વિકેટ ઝડપી હતી. વરસાદના પરિણામ સ્વરુપે પાંચમાં દિવસે અઢી કલાક મોડેથી મેચ શરૂ થઇ હતી. એક વખતે ક્રિકેટ ચાહકોમાં ચિંતા પ્રવર્તી રહી હતી પરંતુ આખરે આ મેચમાં રમત શરૂ થતાં ભારતે જીત મેળવી હતી. આજે બાકી રહેલી ઔપચારિકતા ભારતે ઝડપથી પુરી કરી હતી. પ્રવાસી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં અગાઉ સાત બોક્સિંગ ડે ટેસ્ટનો હિસ્સો રહી છે જેમાં પાંચમાં તેની હાર થઇ છે અને બે ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. રેકોર્ડ ઉપર નજર કરવામાં આવે તો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જીત હાસલ કરવા માટે ભારતીય ટીમને ૩૭ વર્ષનો ઇંતજાર કરવાની ફરજ પડી હતી. ભારતે આ મેદાન ઉપર છેલ્લે ૧૯૮૮માં જીત હાસલ કરી હતી. બીજી બાજુ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની આ ૧૫૦મી જીત હતી. ભારતીય ટીમે બંને ઇનિંગ્સ ડિકલેર કરીને વિદેશમાં ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ પણ કર્યો હતો. આ અગાઉ ૨૦૦૪માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે ૭ વિકેટે ૭૦૫ અને બે વિકેટે ૨૧૧ રન દાવ ડિસલેર કર્યો હતો. આ પહેલા ભારતીય ટીમે બીજી ઇનિંગ્સ આઠ વિકેટે ૧૦૬ રને ડિકલેર કરી દીધા બાદ ઓસ્ટ્રેલિયા સામે જીત માટે ૩૯૯ રનનો પડકાર આવ્યો હતો. બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન પુછડિયા બેટ્‌સમેનોએ ભારતની જીત આડે અડચણો ઉભી કરી હતી. નાથન લિયોન અને કમિન્સે ભારત આડે અડચણો ઉભી કરી હતી. ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે ૨૫૮ રન કર્યા હતા. આજે આગળ રમતા ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનો વધારે સમય સુધી ટકી શક્યા ન હતા. પેટ કમિન્સ અને લિયોન બાદ વરસાદ અને ખરાબ હવામાનના લીધે પણ ભારતીય ટીમને રાહ જોવાની ફરજ પડી હતી. પાંચમાં દિવસે અઢી કલાક મોડેથી મેચ શરૂ થઇ હતી. મેચ માત્ર ૩૭ બોલમાં જ ખતમ થઇ ગઇ હતી. જસપ્રિત બુમરાહે ચોથા દિવસે પેટ કમિન્સને આઉટ કરીને ભારતની જીત નક્કી કરી દીધી હતી. આ ટેસ્ટ મેચ જીતીને ભારતે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમની પર્થ ટેસ્ટમાં હાર થઇ હતી જ્યારે તે પહેલા રમાયેલી એડિલેડ ટેસ્ટ મેચમાં જીત થઇ હતી.

સિડનીમાં પણ જીતવા માટે ઇચ્છુક છીએ : કોહલી
મેલબોર્ન ક્રિકેટ ટેસ્ટ મેચમાં જીત બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઇરાદા બિલકુલ સ્પષ્ટ કરી દીધા હતા. કોહલીએ કહ્યું હતું કે, મેલબોર્નમાં જીત બાદ અમે અહીં રોકાવવા માટે ઇચ્છુક નથી. સિડનીમાં પણ ટેસ્ટ મેચ જીતીને વધુ મોટા અંતર સાથે જીત મેળવવાનો સંકેત કોહલીએ આપ્યો હતો. જીતના સંદર્ભમાં પણ વિરાટ કોહલીએ વાત કરી હતી. આ ટેસ્ટ મેચમાં જીતની સાથે જ ભારત પર ટેસ્ટ શ્રેણી ગુમાવવાનું સંકટ ટળી ગયું છે. જો ભારત સિડનીમાં પણ જીત હાંસલ કરી લેશે તો ઓસ્ટ્રેલિયામાં ભારત નવો ઇતિહાસ સર્જશે અને પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતશે. ભારતીય કેપ્ટને ટીમ ઇન્ડિયાના સ્થાનિક ક્રિકેટ પર પ્રશ્નો ઉઠાવનાર કોમેન્ટેટર માર્ગ વોગ અને સ્ટીવ વોગની પણ ઝાટકણી કાઢી હતી. મેચ બાદ કોહલીએ ભારતીય ટીમના દેખાવની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, અમારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ગુણવત્તા ધારા ધોરણ ખુબ ઉંચા સ્તરના છે. આજ કારણસર અમે અહીં જીતી શક્યા છે. આ જીત માટેની ક્રેડિટ ભારતના ફર્સ્ટક્લાસ સેટઅપને જાય છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ફાસ્ટ બોલરો માટે પડકારો ખુબ મુશ્કેલરુપ છે. આજ કારણસર વિદેશમાં શાનદાર દેખાવ કરી રહ્યા છે. ભારતીય કેપ્ટને આ ટિપ્પણી કરતી વેળા કોઇના નામનો ઉલ્લેખ કર્યો ન હતો પરંતુ જાણકાર લોકોનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીનો જવાબ કેપ્ટને આપ્યો હતો. મેન ઓફ દ મેચ બનનાર બુમરાહે કહ્યું હતું કે, તેની સફળતા પાછળ રણજીટ્રોફીની મોટી ભૂમિકા છે. આ મેચમાં ભારતને જીત અપાવવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરનાર બુમરાહને ૮૬ રનમાં નવ વિકેટ ઝડપી હતી. કોહલીએ બુમરાહ, પુજારા અને પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા મયંક અગ્રવાલની પ્રશંસા કરી હતી. અહીં જીતીને અમારો આત્મવિશ્વાસ વધી ગયો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હવે સુરક્ષિત બની ગઈ છે. અંતિમ ટેસ્ટ મેચ આડે ત્રણ દિવસનો સમય છે પરંતુ ટીમે સિડની ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. પ્રથમ ઇનિંગ્સમાં ૨૯૨ રનની લીડ હોવા છતાં ફોલોઓન નહીં કરવાના સંદર્ભમાં કોહલીએ કહ્યું હતું કે, આ સંદર્ભમાં તેમની ગણતરી બિલકુલ પાકી હતી. તે માને છે કે, ૪૦૦નો સ્કોર હંમેશા કોઇપણ ટીમ માટે પડકારરુપ રહે છે.

Related posts

शिवसेना ने लगाया पोस्टर, चलो अयोध्या और वाराणसी

aapnugujarat

અરુણાચલ પ્રદેશમાં નક્સલી હુમલો, ધારાસભ્ય સહિત ૧૧ની હત્યા

aapnugujarat

તિહાર જેલમાં છોટા રાજનને ટીવી અને અન્ય સુવિધાઓ મળતાં શાહબુદ્દીન અને નિરજ બવાનિયા ભૂખ હડતાળ પર ઉતર્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1