Aapnu Gujarat
Uncategorized

જસદણમાં કુંવરજી હારે છે તેવા લખાણને લઇ હોબાળો

જસદણમાં પેટાચૂંટણીને લઈને ચાલતા પ્રચાર દરમિયાન આજે કેટલાક સ્થળો પર જાહેરમાં કુંવરજી બાવળિયા હારે છે એ મતલબના લખાયેલા લખાણને ભાજપની છાવણીમાં જોરદાર હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને લઇ સ્થાનિક રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ખાસ કરીને આવા લખાણોથી ભાજપને નુકસાનની દહેશત હોઇ ભાજપે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ આ સમગ્ર મામલે ચૂંટણી પંચ તેમજ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ, જસદણમાં ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ભાજપના પ્રધાનો-ધારાસભ્યોને લસણની એક ગુણી મફતના બેનરો લાગ્યા હતા. એટલું જ નહી, કેટલીક જગ્યાએ તો ભાજપના પોસ્ટરો પણ ફાડી નાંખવામાં આવ્યા હતા. જેને લઇ ભારે ચકચાર મચી હતી. આ તમામ ઘટનાક્રમને જોતાં હવે જસદણની ચૂંટણીનું સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું. જસદણની ચૂંટણી હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે તે પહેલા ભાજપ અને કોંગ્રેસના પ્રચારમાં રાજકારણ અને રાજકીય વ્યૂહરચનાની ચરમસીમા જોવા મળી રહી છે, જેના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જસદણના બસ સ્ટેન્ડ પાસે રોડ પર ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં લસણના ઘટતા ભાવોને લઈને મોટી સંખ્યામાં લસણના ખેડૂતો એકઠા થયા હતા અને લોકોને લસણનું મફત વેચાણ કર્યું હતું. આ ઉપરાંત છાવણીમાં ભાજપના પ્રધાનને એક ગુણી અને ભાજપના ધારાસભ્યને એક મણ લસણ તેમજ જિલ્લા પંચાયતના ભાજપના સભ્યને ૧૦ કિલો ઉપરાંત તાલુકા પંચાયતના સભ્યને ૫ કિલો લસણ મફતના બેનર આ છાવણીમાં જોવા મળ્યા હતા. તેમજ ખેડૂતોએ આ મુદ્દે જોરદાર સૂત્રોચ્ચાર-નારા પણ લગાવ્યા હતા. આ તકે મફત લસણ લેવા તેમજ આ દ્રશ્યો જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. બીજીબાજ, જસદણમાં સિવિલ હોસ્પિટલની દિવાલ પર મોટા અક્ષરોમાં ગુલામી હવે બંધ, કુંવરજી હારે છે તેવા લખાણ લખાયેલું જોવા મળતાં ભારે વિવાદ અને હોબાળો સર્જાયો હતો. ખાસ કરીને ભાજપની છાવણીમાં આ વાતને લઇ ભારે ચકચાર મચી ગઇ હતી. ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી લખાયેલા આવા લખાણોના કૃત્યને ભાજપે ગંભીરતાથી લીધુ હતું અને સમગ્ર મામલે ચૂંટણી પંચ અને પોલીસને ફરિયાદ કરી હતી. જેન ેપગલે પોલીસે લખાણ લખનારા અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આગામી તા.૨૦ ડિસેમ્બરે જસદણની પેટાચૂંટણી યોજાવાની છે.આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંન્ને માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે. ભાજપ એ કોંગ્રેસ માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. ભાજપ હારી તો રૂપાણી સરકારની પ્રતિષ્ઠાનું ધોવાણ થશે અને કોંગ્રેસ હારી તો ધાનાણી અને ચાવડા હાઈકમાન્ડની ગુડબુકમાંથી બહાર નીકળી જશે. આમ ભાજપ અને કોંગ્રેસ બંનેને આ ડર છે. બંને પક્ષ માટે જસદણનો જંગ ઇજ્જતના સવાલ સમાન બની રહ્યો હોઇ આગામી દિવસોમાં હાઇવોલ્ટેજ ડ્રામાનું રાજકારણ જોવા મળશે તે નક્કી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

લીંબડીમાં હિટ એન્ડ રન : યુવાનનું મોત

editor

ભાજપ કાર્યાલય પણ સુરક્ષિત નથી તો નગરજનો કેવી રીતે રહેશે સુરક્ષિત

editor

બનાસકાંઠાના વડગામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જ્યંતિ ઉજવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1