કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ તમારા માઇન્ડથી કંટ્રોલ થઈ શકે? ટેક્નોલોજી પાસે અત્યારે કોઈ પ્રેક્ટિકલ જવાબ નથી, પરંતુ સમગ્ર વિશ્વના વિજ્ઞાનીઓ આવું કોઈ ડિવાઇસ બનાવવા પાછળ મહેનત ચોક્કસ કરી રહ્યા છે. ટેક્નોલોજીની દુનિયામાં આ ચર્ચા વચ્ચે એક જોરદાર સમાચાર ભારતની ટેક્નલોજી સિટી બેંગલોરથી આવ્યા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વિજ્ઞાની એસ. એન. ઓમકારે તાજેતરમાં જ એક એવું ક્વાડકોપ્ટર (ડ્રોન) બનાવ્યું છે જેનું સંચાલન તેઓ પોતાના મગજથી કરે છે.બેંગલોર મિરરની ટીમને આ ક્વાડકોપ્ટરનું નિદર્શન આપતાં તેમણે સજાવ્યું હતું કે તેમનું ટચુકડું ક્વાડકોપ્ટર ચલાવવા માટે કોઈ જોયસ્ટીક કે રિમોટની જરૂર નથી. તેમના માથા પર પહેરેલું એક ડિવાઇસ તેમના મગજમાં ચાલતા રાસાયણિક ફેરફારોને નોંધે છે અને તેને નજીકમાં પહેલા એક લેપટોપ સુધી વાયરલેસ કનેક્શનથી મોકલે છે. આ લેપટોપ તેને કમાન્ડમાં પરિવર્તિત કરીને ક્વાડકોપ્ટરમાં ફીટ કરેલા ડિવાઇસને મોકલે છે અને ક્વાડકોપ્ટર તે મુજબ વર્તે છે. સેકન્ડના દસમાં ભાગમાં તેમના કમાન્ડ ક્વાડકોપ્ટર સુધી પહોંચે છે અને તેમનું આ ટચુકડુ સાધન તેમના ઇશારા પર નાચે છે.
ડો. ઓમકારના જણાવ્યા મુજબ તેમના માથે પહેરેલા હેડસેટને ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ કહેવાય છે. આ ડિવાઇસ મગજમાં થતા ફેરફારોને નોંધે છે અને તેને કમાન્ડની ભાષામાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. ડ્રોન ઉડાવવા માટે તેમણે સેટ કરેલા અલગોરિધમ ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામના સંકેતોને ઓળખીને તેને કમાન્ડ બનાવવામાં મદદ કરે છે.ડો. ઓમકાર અને તેમની ટીમે બનાવેલું ભારતનું આ પહેલું ક્વાડકોપ્ટર છે જે માઇન્ડથી કંટ્રોલ થઈ શકે છે. વર્ષ ૨૦૧૬માં અમેરિકાની ફ્લોરિડા યુનિવર્સિટીએ વિશ્વનું પહેલું માઇન્ડ દ્વારા કંટ્રોલ થતું ડ્રોન ઉડાવ્યું હતું. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં આવા નાના-નાના પ્રયાસો થયા છે, પરંતુ ભારતીય વિજ્ઞાનીનો આ પ્રયાસ સમગ્ર વિશ્વમાં વખણાયો છે.ડો. ઓમકારના જણાવ્યા મુજબ સમગ્ર વિશ્વમાં મગજની ભાષા ઓળખી અને તેના સંકેતોને સરળ અને સ્પષ્ટતાથી ઓળખવાની કવાયત ચાલી રહી છે અને સ્પર્શ અને અવાજના કમાન્ડ પર નહીં, પરંતુ વ્યક્તિ શું વિચારે છે તેને ઓળખીને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કામ કરે તેના પર ભવિષ્યની ટેક્નોલોજી વિકસિત થવાની છે એટલે માટે તેમનું સંશોધન મહત્વનું માનવામાં આવે છે.