વિવાદાસ્પદ તાંત્રિક ચંદ્રાસ્વામીનું નિધન થઇ ગયું છે. આમ તો ચંદ્રાસ્વામી મૂળ રૂપે જ્યોતિષ હતા, પરંતુ નરસિમ્હા રાવની નજીક આવવાના કારણે પહેલી વાર ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્ર-મંત્ર ઉપરાંત રાજકીય જોડ-તોડ, હથિયારોના સોદાગરો સાથે સબંધ, આંતરરાષ્ટ્રીય સ્તર પર રાવ અને તેની સરકારના નામ પર સોદાબાજીમાં ચંદ્રાસ્વામી સર્વાધિક ચર્ચિત રહ્યા છે.
જ્યાં સુધી કોંગ્રેસ નેતાઓનો સાથ રહ્યો ત્યાં સુધી ચંદ્રાસ્વામીનું કામ થયું, પરંતુ જયારે કોંગ્રેસ પાર્ટીએ સાથ છોડ્યો અને કોંગ્રેસી નેતાઓ સાથે તેમનો ૩૬ નો આંકડો થઇ ગયો, ત્યારે તેમના ખરાબ દિવસો શરુ થઇ ગયા હતા. ત્યારબાદ ગંભીર આરોપના કારણે તેમણે જેલ પણ જવું પડ્યું હતું.દેશમાં નરસિંહ રાવ, નટવર સિંહ, ટીએન શેષનથી લઈને રાજેશ ખન્ના અને આશા પારેખ સુધીના ચંદ્રાસ્વામીના ભક્તોમાં સામેલ હતા. ત્યારે બ્રુનઈના સુલ્તાન, બહરીનના શેખ ઈસા બિન સલમાન અલ ખલીફા, એક્ટ્રેસ એલીઝાબેથ ટેલર, પૂર્વ બ્રિટીશ પીએમ માર્ગ્રેટ થૈચર, હથિયારોના સોદાગર અદનાન ખશોગી અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પણ ચંદ્રાસ્વામી પાસેથી કન્સલ્ટેશન લેતા હતા.ચંદ્રાસ્વામીનો વિવાદો સાથે પણ ઘણો સબંધ રહ્યો છે. લંડનના બીઝનેસમેન સાથે એક લાખ રૂપિયાની છેતરપીંડીના મામલે ૧૯૯૬ માં તેમણે જેલ પણ જવું પડ્યું હતું. તેમની ઉપર વિદેશી મુદ્રા ઉલ્લંઘન એટલે કે ફેમાના ઘણા કેસ પણ થયા હતા.