પ્રો-કબડ્ડી લીગની પાંચમી સિઝન માટે સોમવારે અહીં યોજાયેલી હરાજીમાં ભારતીય ખેલાડીઓ પર ધનવર્ષા થઈ હતી. મંજીત છીલ્લેરને અભિષેક બચ્ચનની જયપુર પિંક પેન્થર્સે ૭૫.૫૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
જ્યારે તે સિવાય રાજેશ નરવાલને ૬૯ લાખ અને સંદીપ નરવાલને ૬૬ લાખ રૂપિયાની ભારે રકમ મળી હતી.પાંચમી સિઝન માટે ટીમોની સંખ્યા ૮થી વધારીને ૧૨ કરવામાં આવી હતી. જેમાં ૪ નવી ટીમ તમિલનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણાનો લીગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.ખેલાડીઓની હરાજીમાં દરેક ટીમ માટે ૪ કરોડ રૂપિયાનું સેલેરી પર્સ રાખવામાં આવ્યું હતું. દરેક ટીમે ૧૮થી ૨૫ ખેલાડીઓને પસંદ કરવાના હતા, જેમાં વિદેશી ખેલાડીઓની સંખ્યા ૨થી ૪ હતી. દરેક ટીમે ઓછામાં ઓછા બે વિદેશી ખેલાડી રાખવાના હતા.
પ્રો-કબડ્ડીની પ્રથમ સિઝન ૨૦૧૪માં રાકેશ કુમારને પટનાની ટીમે ૧૨ લાખ રુપિયામાં ખરીદ્યો હતો. ત્યાર બાદ દર વર્ષે પ્રો-કબડ્ડીની વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે ખેલાડીઓની ખરીદ રકમમાં પણ માતબર વધારો કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૧૬માં મોહિત છિલ્લર સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો, જેને બેંગાલુરુની ટીમે ૫૩ લાખ રુપિયામાં ખરીદ્યો હતો. જ્યારે વર્તમાન સિઝનમાં નીતિન તોમર હુકમનો એક્કો અને પ્રો-કબડ્ડીના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો છે, જેને ઉત્તરપ્રદેશની ટીમે ૯૩ લાખ રુપિયાની અધધ રકમથી ખરીદ્યો છે.