છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પર ગવર્ન્મેન્ટ રેલવે પોલીસે છ સંદિગ્ધોની અટકાયત કરી છે. એક પેસેન્જરની ફરિયાદના આધારે આ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. મૂળતઃ કેરળ નિવાસી લોકો મલયાલમ વાતચીતમાં વારંવાર ‘બોમ્બે’ શબ્દ બોલી રહ્યાં હતાં. સહયાત્રીને આશંકા પડી હતી કે, તેઓ બોમ્બ અંગે વાત કરી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે, સોમવારે સાંજે મૂળ કેરળના આ શખ્સો પનવેલ-સીએસટી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન એક પેસેન્જરને તેમની અંદરો-અંદરની વાતચીત શંકાસ્પદ લાગી હતી. આથી, તેણે જીઆરપીને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં તેમની અટકાયત કરવામાં આવી હતી.અટકાયતમાં લેવાયેલા શખ્સોની ઓળખ યુનિસ કે.કે. (ઉં.વ.૨૬), મોહમ્મદ અદિશ (ઉં.વ.૨૦), મોહમ્મદ એ સિદ્દીકી (ઉં.વ.૨૦), યુનિસ યુએસ (ઉં.વ.૨૦) તથા અબ્દુલ રઉફ મોહમ્મદ (ઉં.વ.૨૧) તરીકે થઈ છે. પકડાયેલા શખ્સોના કહેવા પ્રમાણે, તેઓ પ્રથમ વખત મુંબઈ આવ્યા છે. પોલીસને તેમની પાસેથી મલયાલમ ભાષામાં બે સંદિગ્ધ વીડિયો તથા અન્ય કેટલાક ડૉક્યુમેન્ટ્સ મળ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડૉક્યુમેન્ટ્સમાં અનેક અમેરિકનો મોરક્કોમાં એકઠાં થશે, તેવી નોંધ કરવામાં આવી છે. એક ડૉક્યુમેન્ટમાં લખ્યું છે, “જો હું મરી જાવ તો અલ્લાહ મને માફ કરજો.”પોલીસ દ્વારા ડૉક્યુમેન્ટ્સના અનુવાદનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તપાસ ચાલુ હોવાથી જીઆરપી અધિકારીઓ આ અંગે વધુ કાંઈ કહેવા તૈયાર નથી. સંદિગ્ધો વાતચીત કરી રહ્યા હતા, ત્યારે ફરિયાદીએ તેનો વીડિયો ઉતારી લીધો હતો. જે તેણે પોલીસને સોંપ્યો છે જેની તપાસ હાથ ધરવામાં આવી છે. જીઆરપી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ શખ્સો સોમવારે તિરુવંદપુરમથી લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન ખાતે નેત્રવતી એક્સપ્રેસ મારફત પહોંચ્યા હતા. તેમણે સીએસટી સુધી પહોંચવા માટે લોકલ ટ્રેન પકડી હતી.
સીએસટી સ્ટેશનથી તેઓ જેજે હોસ્પિટલ પહોંચ્યાં હતાં જ્યાં પાસે બનેલી એક મસ્જિદમાં તેઓ ઉર્દૂની તાલિમ લેવાના હતા. થોડા દિવસ ઉર્દૂ શીખી મહારાષ્ટ્રના રત્નાગીરી જવાનો તેમનો પ્લાન હતો.સીએસટી જીઆરપીએ પૂછપરછ બાદ તમામ સંદિગ્ધોને કુર્લા જીઆરપીને સોંપી દીધા હતા. રાત્રે દસ વાગ્યે તમામને વાશી ગવર્ન્મેન્ટ રેલવે પોલીસને સોંપી દેવાયા હતા.આ શખ્સો અંગે મહારાષ્ટ્ર ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ તથા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને પણ જાણ કરવામાં આવી છે.