પાકિસ્તાનમાં સતત વધી રહેલા આતંકી હુમલાના એલર્ટને જોતાં ટ્રમ્પ સરકારે અમેરિકી નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જ્યાં સુધી જરુરી ન હોય ત્યાં સુધી પાકિસ્તાનનો પ્રવાસ રદ કરવો. ગત ૪૫ દિવસમાં બીજીવાર જાહેર કરવામાં આવેલા એલર્ટમાં અમેરિકી સરકારે પાકિસ્તાનની વર્તમાન કથળતી સ્થિતિનો હવાલો આપતા ઉપરોક્ત જાણકારી આપી હતી.અમેરિકા દ્વારા જાહેર કરાયેલા એલર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકાના દરેક નાગરિકે પાકિસ્તાનની બિનજરુરી યાત્રા કરવી નહીં. ટ્રમ્પ પ્રશાસને આ અંગે ગંભીરતાથી વિચાર કર્યો છે અને પાકિસ્તાનમાં રહેલા અમેરિકી દૂતાવાસમાં પણ કામકાજના કલાકો મર્યાદિત કરવામાં આવ્યા છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આના પરિણામ સ્વરુપ ઈસ્લામાબાદમાં અમેરિકી દૂતાવાસ, કરાચીમાં આર્થિક દૂતાવાસ અને લાહૌરના આર્થિક દૂતાવાસમાં પણ સુરક્ષા સઘન કરવામાં આવી છે અને કામકાજના કલાકો મર્યાદિત કરવામાં આવ્યા છે. ઉપરાંત પેશાવરના આર્થિક દૂતાવાસમાં અમેરિકાએ તેની સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે.અમેરિકા વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં સાંપ્રદાયિક હિંસાઓ ઉપરાંત અન્ય આતંકી પ્રવૃત્તિઓમાં પણ નોંધાપાત્ર વધારો થયો છે. સરકારી સંસ્થાઓના અધિકારીઓ પર હુમલા અને અમાનવીય પ્રવૃત્તિ પાકિસ્તાનમાં સામાન્ય બાબત બની ગઈ છે. જેથી આવા સંજોગોમાં અમેરિકા કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માગતું ન હોઈ તેના નાગરિકોને પાકિસ્તાન પ્રવાસ રદ કરવા ચેતવણી જાહેર કરી છે.