વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના ઐતિહાસિક મહાત્મા મંદિર ખાતે આયોજિત આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની બાવનમી વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા. મોદીની સાથેઆ કાર્યક્રમમાં નાણામંત્રી અરુણ જેટલી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સામાન્ય સભામાં ૮૧ સભ્ય દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેંકની વાર્ષિક સામાન્ય સભા માટે ભારત પ્રથમ વખત યજમાન બન્યું છે. આ પ્રસંગે મોદીએ પોતાના સંબોધનમાં વેપાર સંબંધો અને દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઈ પર લઇ જવાની વાત કરી હતી. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ગુજરાતી વેપાર વાણિજ્ય માટે જાણીતા રહ્યા છે. ગુજરાતી લોકો આફ્રિકા માટે તેમના પ્રેમ માટે પણ જાણિતા રહ્યા છે. એક ભારતીય અને એક ગુજરાતી તરીકે તેમને ખુબ જ ખુશી થઇ રહી છે. ભારત સદીઓથી આફ્રિકા સાથે મજબૂત સંબંધ ધરાવે છે.
ઐતિહાસિકરીતે પશ્ચિમ ભારતમાંથી ખાસ કરીને ગુજરાતમાંથી વિવિધ સમુદાય અને આફ્રિકાના પૂર્વ કિનારે સ્થિત દેશોના સમુદાય એક બીજાના વિસ્તારોમાં સ્થાયી થયા છે. વાસ્કોદીગામા માલિન્દીથી ગુજરાતી ખલાસીની મદદથી કાલીકટ પહોંચ્યા હોવાનું માનવામાં આવે છે. મોદીએ પોતાના સંબોધનમાં બંને દેશોના સંબંધો ઉપર વાત કરી હતી. પૂર્વ આફ્રિકામાં ટ્રેડ યુનિયનોની યાદ અપાવી હતી.
દાયકાઓથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત રહ્યા છે.વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા સંભાળ્યા બાદ ભારતની વિદેશ અને આર્થિક નીતિ માટે આફ્રિકાને વધુ મહત્વ અપાયું છે. ૨૦૧૫માં સંબંધો નવી ઉંચાઈએ પહોંચ્યા હતા તે વખતે ત્રીજી ભારત-આફ્રિકા સમિટ યોજાઈ હતી જેમાં ભારત સાથે રાજદ્વારી સંબંધ ધરાવતા ૫૪ આફ્રિકી દેશોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૫ બાદથી આફ્રિકાના છ દેશોની મુલાકાત તેઓ લઇ ચુક્યા છે. આ તમામની સાથે સંબંધો વધુ મજબૂત કરવામાં આવ્યા છે. વિકાસલક્ષી સહકાર દિન પ્રતિદિન વધે છે. ચેન્નાઈ અને કેપટાઉન વચ્ચે ક્રિકેટના સંબંધો રહેલા છે. આફ્રિકા સાથે ભારતની ભાગીદારી સહકારના મોડલ ઉપર આધારિત છે જે આફ્રિકાના દેશોની જરૂરિયાતને અનુરુપ છે. મોદીએ ઉમેર્યું હતું કે, ભારત તેની એક્ઝિમ બેંક મારફતે લાઈન ઓફ ક્રેડિટ આપે છે. કુલ ૮ અબજ ડોલરની ૧૫૨ ક્રેડિટ ૪૪ દેશોને આપવામાં આવે છે. ભારત-આફ્રિકા ફોરમ સમિટ દરમિયાન સંબંધો વધુને વધુ મજબૂત થઇ રહ્યા છે.
કૌશલ્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ભાગીદારી વિકસિત કરવામાં આવી રહી છે. ભારતમાં દર વર્ષે આફ્રિકાની ૮૦ મહિલાઓ સોલાર પેનલ ઉપર કામ કરે છે. તાલીમ મેળવ્યા બાદ તેમને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આફ્રિકા સાથે શૈક્ષણિક અને ટેકનિકલ સંબંધો પણ રહેલા છે.
ટેલિ-મેડિસિન અને ટેલિ-નેટવર્ક માટે સંપૂર્ણ આફ્રિકામાં ઇ-નેટવર્ક પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ભારતમાં પાંચ અગ્રણી યુનિવર્સિટી સર્ટિફિકેટ, અન્ડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઓફર કરે છે. ટૂંક સમયમાં જ આફ્રિકન દેશો માટે કોટન ટેકનિકલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવશે. છેલ્લા ૧૫ વર્ષમાં ભારત આફ્રિકા વચ્ચે વેપારમાં અનેકગણો વધારો થયો છે.
છેલ્લા પાંચ વર્ષમાં બે ગણો વધારો થયો છે. ૨૦૧૪-૧૫માં આંકડો ૭૨ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આફ્રિકામાં વિકાસને ટેકો આપવા ભારતે અમેરિકા અને જાપાન સાથે કામગીરી હાથ ધરી છે. ભારત ૧૯૮૨માં આફ્રિકન ડેવલપમેન્ટ બેંકમાં જોડાયું હતું. ગરીબોને કિંમતમાં છુટછાટ આપવાના બદલે તેમની સરકાર ખાતામાં સીધીરીતે સબસિડી ચુકવી રહી છે. રાંધણ ગેસમાં ત્રણ વર્ષમાં ચાર અબજ ડોલરની બચત કરાઈ છે.