ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરમાં સોમવારે મોડી રાત્રે અમેરિકન પોપ સ્ટાર અરિયાના ગ્રાન્ડેના કોન્સર્ટ દરમિયાન આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં શરૂ થતી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. સાથે સાથે સુરક્ષાને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ સંદર્ભમાં ખેલાડીઓની સુરક્ષાની ખાતરી કરવા આજે બીસીસીઆઈએ મુંબઈ હેડક્વાર્ટ ખાતે ઇમરજન્સી બેઠક યોજી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બેઠકમાં સુરક્ષા પાસા ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભારતના સંપૂર્ણ પ્રવાસ કાર્યક્રમ, પ્રેક્ટિસ સેશનની સમીક્ષા કરવામાં આવી હતી. આઈસીસી દ્વારા પણ માન્ચેસ્ટરમાં થયેલા ભીષણ આત્મઘાતી હુમલાને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને ખાતરી આપી છે કે, સુરક્ષાના પાસા ઉપર મુખ્ય ચર્ચા કરવામાં આવશે. આ મોટા ઇવેન્ટ માટે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની ફરી સમીક્ષા કરવામાં આવનાર છે. આઈસીસીએ આજે નિવેદન જારી કરીને કહ્યું હતું કે, માન્ચેસ્ટરમાં કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલા બાદ દરેક વ્યક્તિની નજર આ ટ્રોફી ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. આઈસીસી અને ઇસીબી દ્વારા તરત જ સુરક્ષા વ્યવસ્થાને લઇને વાત કરી છે. હાલમાં જ આઈસીસીની અન્ય સ્પર્ધા દરમિયાન પણ પુરતી સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ૧૫ સભ્યોની ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવાના હેતુસર આવતીકાલે બુધવારે સાંજે ઇંગ્લેન્ડ જવા રવાના થશે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ ચેમ્પયિન્સ ટ્રોફીને લઇને ખુબ જ આશાવાદી છે અને તાજને જાળવી રાખવા માટે પણ સજ્જ છે પરંતુ માન્ચેસ્ટર બ્લાસ્ટને લઇને તમામ ક્રિકેટ બોર્ડ ચિંતાતુર બન્યા છે.
પાછલી પોસ્ટ