ભારતીય સેનાએ આજે દાવો કર્યો હતો. સરહદ પારથી કરવામાં આવી રહેલા હુમલાને રોકવા માટે આતંકવાદ વિરોધી રણનીતિ હેઠળ હાલમાં જ કરવામાં આવેલી કાર્યવાહીમાં જમ્મુ અને કાશ્મીરમાં અંકુશરેખા સાથે જોડાયેલી પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓને ફૂંકી મારવામાં આવી છે. મેજર જનરલ અશોર નરુલાએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન સેના સશસ્ત્ર ઘુસણખોરીની મદદ કરે છે. રાજૌરી જિલ્લામાં સરહદી સેક્ટર નૌશેરામાં ભારતીય સેનાએ જોરદાર કાર્યવાહી કરી છે અને અનેક પાકિસ્તાની સેનાની ચોકીઓને ફૂંકી મારવામાં આવી છે. આ હુમલો ક્યારે કરવામાં આવ્યો તે અંગે પૂછવામાં આવતા નરુલાએ કહ્યું હતું કે, હાલમાં જ ભારતીય સેનાએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. તેમણે વિસ્તૃત માહિતી આપી ન હતી પરંતુ એક વિડિયો ક્લીપ રજૂ કરી હતી જેમાં એક વન્ય વિસ્તારમાં બોંબમારો અને વિસ્ફોટક બાદ ધુમાડા જોવા મળી શકે છે. ભારતીય સેનાના એડીજીટીઆઈ મેજર જનરલ અશોક નરુલાએ કહ્યું હતુ ંકે, આતંકવાદીઓને રોકવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. ભારતીય સેનાએ નૌશેરા સેક્ટર સાથે જોડાયેલી પાકિસ્તાની સેનાની પોસ્ટને પણ ફૂંકી મારી છે. જે પોસ્ટને ફૂંકી મારવામાં આવી છે ત્યાથી હાલમાં ઘુસણખોરી થઇ રહી હતી. મેજર જનરલ નરુલાએ કહ્યું હતું કે, અંકુશરેખા નજીકના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય સેના આ બાબતને લઇને સંપૂર્ણપણે વાકેફ છે કે, બરફ ઓગળી ગયા બાદ ઘુસણખોરીના પ્રયાસોમાં તેજી આવશે. ભારતીય સેના અંકુશરેખા પર સંપૂર્ણ સક્રિયતા સાથે સજ્જ છે. અંકુશરેખા નજીક આતંકવાદી ઘુસણખોરીને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. સેનો આ કાર્યવાહી ૯મી મેના દિવસે કરી હતી. ઓપરેશનને અંજામ આપવા માટે સેનાએ ચાર પ્રકારના હથિયારોનો ઉપયોગ કર્યો હતો જેમાં રોકેટ લોન્ચર્સ, એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ, ઓટોમેટેડ ગ્રેનેડ લોન્ચર્સનો સમાવેશ થાય છે. અલબત આ બાબતનો ખુલાસો પણ થયો છે કે, તમામ મોરચા પર પછડાટ મળી હોવા છતાં પાકિસ્તાન તરફથી ખતરો રહેલો છે. પાકિસ્તાન અંકુશરેખા નજીક ફરીથી આતંકવાદી કાવતરા ઘડી શકે છે. પાકિસ્તાન સમર્પિત ૩૦૦થી વધારે ત્રાસવાદી અંકુશરેખા નજીક બનેલા ટેરર લોંચ પેડ મારફતે ભારતીય સરહદની અંદર ઘુસણખોરી કરવાના પ્રયાસ કરવા ઇચ્છુક છે. આ વર્ષે પહેલી જાન્યુઆરી બાદથી ઘુસણખોરીના ૬૬ પ્રયાસો થઇ ચુક્યા છે. હાલની ઘુસણખોરીની ઘટના નવગામ સેક્ટરમાં થઇ હતી જ્યારે ચાર ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. સૈનિકોને પણ પ્રાણોની આહૂતિ આપી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકમાં આતંકવાદીઓના અનેક લોંચપેડ ફૂંકી મારવામાં આવ્યા હતા. ત્યારબાદ એલઓસીના વિસ્તારમાં આતંકવાદીઓના કેમ્પ પીછેહઠ કરી ગયા હતા. ઇન્ટેલીજન્સ રિપોર્ટ મુજબ ગયા સપ્તાહથી એલઓસી નજીક ફરી એકવાર આતંકવાદીઓની ગતિવિધિ જોવા મળી રહી હતી. રાવલકોટ, હજીરા, પીઓકેમાં આતંકવાદી કેમ્પોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. પાકિસ્તાની ત્રાસવાદી સંગઠનોએ કેમ્પોને ફરી સક્રિય કર્યા હતા. કાશ્મીર ખીણમાં પણ માત્ર બારામુલ્લા વિસ્તારમાં ૯૦ની આસપાસ ત્રાસવાદીઓ સક્રિય થયેલા છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના બંકરોને ફૂંકી મારવા સંબંધમાં વિડિયો પણ જારી કર્યા છે. ૩૦ સેકન્ડના આ વિડિયોમાં સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.
આગળની પોસ્ટ