Aapnu Gujarat
ગુજરાત

ડભોડિયા હનુમાનજી મંદિરે કાળી ચૌદશને લઇ તૈયારી

ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતેના સુપ્રસિધ્ધ અને એક હજાર વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન સ્વયંભુ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદશની વિશેષ અને તેલથી દાદાના મહાઅભિષેકને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષની જેમ આ વખતે પણ ચમત્કારિક ડભોડિયા હનુમાનજી દાદાને લગભગ એક હજાર જેટલા તેલના ડબાથી શ્રધ્ધાળુ ભકતો દ્વારા અભિષેક કરવામાં આવશે. એટલું જ નહી, આવતીકાલે ધનતેરસ અને કાળી ચૌદશને લઇ બે દિવસ સુધી ડભોડા ખાતે સુપ્રસિધ્ધ લોકમેળાનું વર્ષોથી પરંપરાગત આયોજન થયું હોય છે, તેને લઇને તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે. આવતીકાલથી શરૂ થઇ રહેલા સુપ્રસિધ્ધ લોકમેળા અને કાળી ચૌદશની દાદાની વિશેષ પૂજાને લઇ ડભોડિયા હનુમાનજી મંદિર અને સમગ્ર ગામના માર્ગોને ઝળહળતી રોશનીથી સુશોભિત કરાયા છે. આ અંગે ડભોડિયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ગજ્જર, બળદેવજી પરમાર, હીરાભાઇ પટેલ અને મંદિરના પૂજારી રાજુભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, કાળી ચૌદશના દિવસે ડભોડિયા દાદાની વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી કરવામાં આવે છે, જેમાં આવતીકાલે ધનતેરસની રાત્રે ૧૨-૦૦ વાગ્યે કાળી ચૌદશના પ્રારંભ સાથે ડભોડિયા દાદાની મહાઆરતી ઉતારવામાં આવશે. આ મહાઆરતીનું બહુ જ અનેરૂ અને ચમત્કારિક મહાત્મ્ય હોવાથી ત્રણ લાખથી વધુ દર્શનાર્થીઓ દેશ-વિદેશથી તેમાં ભાગ લેવા અને દાદાના દર્શનાર્થે ખાસ આવતા હોય છે. આવતીકાલે રાતથી કાળીચૌદશની રાત સુધી મંદિર ખુલ્લુ રહેશે, જેથી લાખો શ્રધ્ધાળુઓ દાદાના દર્શન પામી શકશે અને ધન્યતા અનુભવી શકશે. ડભોડિયા હનુમાનજી મંદિરના ધનતેરસર અને કાળીચૌદશને લઇ બે દિવસના ભરાતાં સુપ્રસિધ્ધ લોકમેળામાં આસપાસના ગામડાઓ અને દૂરદૂરથી લોકો ઉમટતા હોય છે, મેળાની વર્ષો જૂની પરંપરાનું પણ ઘણું મહત્વ હોઇ લોકો તેમાં ખાસ ભાગ લેવા આવતા હોય છે. ડભોડિયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ગજ્જર અને મંદિરના પૂજારી રાજુભાઇ મહેતાએ વધુમાં જણાવ્યું હતું કે, કાળી ચૌદશને લઇ દાદાનો તેલ-સિંદૂરથી ખાસ ચોળો કરવામાં આવશે અને દાદાનો વિશેષ સાજ શણગાર કરવામાં આવશે તો, સમગ્ર મંદિરને રંગબેરંગી અને ઝળહળતી રોશની સહિતના આકર્ષણોથી શણગારવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસના સહયોગથી ધનતેરસ અને કાળીચૌદશ દરમ્યાન દેશ-વિદેશથી આવનાર લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા, પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ ખાસ કરવામાં આવી છે. આ ઉપરાંત ગામના જ ૩૦૦થી વધુ સ્વયંસેવક યુવકો ભકતોની સેવામાં ખડેપગે તૈનાત રહેશે. તો લેકમેળામાં મોટી ચકરડી, મીની ટ્રેન, જમ્પીંગ, મોતનો કુવો સહિતના અનેકવિધ આકર્ષણો બાળકો, યુવાઓ સહિત અબાલ વૃધ્ધ સૌકોઇને મનોરંજન પૂરું પાડશે. ડભોડિયા મંદિર ખાતે ધનતેરસ અને કાળી ચૌદશ દરમ્યાન દાદાની ભકિતનો માહોલ છવાશે. કારણ કે, દાદાના ચમત્કાર અને અનેરા મહાત્મ્યને પગલે લાખો ભકતો અહીં આપોઆપ દર્શનાર્થે ખેંચાઇ આવે છે.

Related posts

સુરતમાં બોંબ બ્લાસ્ટ નહીં થતાં તૌકિર ખફા થયો હતો

aapnugujarat

સટ્ટાકાંડ : જેપી સિંહના જામીન ખાસ અદાલતે ફગાવ્યા

aapnugujarat

સુરતમાં ખારવાઓએ તાપી નદીમાં લીધી બોટ રેસની મજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1