બ્રિટનના માનચેસ્ટર શહેરમાં અમેરિકી પોપ સ્ટાર અરિયાના ગ્રાન્ડેના કોન્સર્ટમાં બ્લાસ્ટ કરવામાં આવ્યા બાદ દુનિયાના દેશોમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર યુરોપિયન દેશોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે. કોઇ પણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. બ્રિટનમાં સ્કોટલેન્ડ યાર્ડ એલર્ટ પર છે. જુદા જુદા સ્થળો પર તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમેરિકા, ફ્રાન્સ, બેલ્જિયમ, સ્પેન સહિતના દેશોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે. બીજી બાજુ બ્રિટનમાં ચારેબાજુ પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. તમામ શકમંદ લોકોની અવરજવર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હુમલો કરવામાં આવ્યા બાદ સમગ્ર લંડનમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે માનચેસ્ટર અરિનામાં જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા ૧૯ ઉપર પહોંચી ગઇ છે. હજુ મોતનો આંકડો વધી શકે છે. બ્રિટનમાં કરવામાં આવેલા હુમલાને વિશ્વના દેશોએ વખોડી કાઢીને તેની નિંદા કરી છે. સાથે સાથે ત્રાસવાદ સામેની લડાઇમાં સાથે હોવાની વાત પણ કરવામાં આવી છે. આ હુમલા બાદ વિશ્વના દેશ સંગઠિત થાય તેવી શક્યતા પ્રબળ બની છે. ત્રાસવાદ સામેની લડાઇમાં બ્રિટન હમેંશા અમેરિકાની સાથે રહ્યુ છે. કોન્સર્ટમાં બાળકો પણ હાજર રહ્યા હતા. વિશ્વના દેશોએ માન્ચેસ્ટર એરેનામાં થયેલા આત્મઘાતી હુમલાની નિંદા કરી છે. સાથે સાથે આઘાત વ્યક્ત કર્યો છે. આગામી દિવસોમાં વધુ નક્કર કાર્યવાહી ત્રાસવાદના સંદર્ભમાં કરવામાં આવે તેવી શક્યતા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માન્ચેસ્ટર આત્મઘાતી હુમલામાં ભોગ બનેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, હુમલા પાછળ રહેલા શખ્સોને છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું છે કે, ઘણા ખુબસુરત નિર્દોષ લોકોના ભોગ લેવાયા છે. ઇરાન, અખાત દેશો, રશિયન પ્રમુખ વ્લાદીમિર પુટિન, જર્મન ચાન્સલર એન્જેલા માર્કેલ, ફ્રાંસ પ્રમુખ મેક્રોને પણ આ હુમલાને વખોડી કાઢીને નિંદા કરી છે. પુટિને કહ્યું છે કે તેઓ બ્રિટન સાથે આતંકવાદી વિરોધી સહકારમાં મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જર્મન ચાન્સલરે કહ્યું છે કે, આતંકવાદ સામેની લડાઈમાં બ્રિટનની સાથે જર્મની છે.