પીએમ મોદીના આગમન ટાણે જ હાર્દિકે ભાજપ સામે મોરચો માંડ્યો છે. બોટાદ ભાવનગરમાં ન્યાય યાત્રામાં નીકળેલા હાર્દિકે કહ્યું હતું કે ર૦૧૭માં ભાજપ ન્યાય નહીં આપે તો ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે.ભાવનગર પહોંચેલા હાર્દિકની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાવનગરમાં તેણે સરદારની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા. આમ તો હાર્દિકની આ યાત્રામાં ભીડ એકઠી ન થાય તેના પ્રયત્નો કરાયા હતા. તેમ છતા મોટી સંખ્યામાં પાટીદારો આ યાત્રામાં જોડાયા હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના મત વિસ્તારમાં જ હાર્દિકે સભા યોજીને ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. વાઘાણીના મતવિસ્તારમાં યોજાયેલી હાર્દિકની આ સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતા.
હાર્દિકે આ લડાઈ બાબતે કહ્યું હતું કે અમે આ ઘઉં ચોખા કે કેરોસીન લેવા માટેની લડાઈ નથી લડતા.આવનારા સમયમાં સમાજના બાળકોના ભવિષ્ય માટેની આ લડાઈ લડી રહ્યા છીએ. ને જેમાં તમામ સવર્ણોએ તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સાથ આપવો પડશે. જયારે ભાવનગરની છેલ્લા ઘણા સમયની સ્થિતિ પણ ચિંતા જાહેર કરીને કહ્યું હતું કે ભાવનગર હવે બિહાર બની ગયું છે અહી ગુનાહિત પ્રવૃતિનું પ્રમાણ ચરમસીમાએ છે જેની ગંભીર નોંધ પ્રજા એ લેવી જોઈએ.