Aapnu Gujarat
Uncategorized

સરકારને જગાડવા માટે કાલાવાડમાં ખેડૂતોનું અનોખું પ્રદર્શન, ખાલી ડેમમાં ગરબા રમ્યા

આ વર્ષે વરસાદ ઓછો પડ્યો હોવાને કારણે અનેક જગ્યાએ પાક બળી જવાનો ખતરો ઉભો થયો છે. એટલું જ નહીં કચ્છમાંથી તો માલધારીઓએ હિજરત પણ શરૂ કરી દીધી છે. ઉત્તર ગુજરાતમાં રાધનપુર સહિત તાલુકાઓના અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન થઈ ચુક્યા છે. હવે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ૧૦ ગામના ખેડૂતો તેમના ગામને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે એકઠા થયા છે. ખેડૂતોએ ગાંધીનગર સુધી રેલી કરવાની ચીમકી ઉચ્ચારી છે.
કાલાવડના ખરેડી ગામ ખાતે સોમવારે વહેલી સવારથી જ ૧૦ જેટલા ગામના ખેડૂતો એકઠા થયા છે. ખેડૂતોએ પોતાના વિસ્તારમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી ગામડાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. આ વચ્ચે કાલાવડ તાલુકાનું ખરેડી ગામ સ્વયંભૂ બંધ રહ્યું છે. ખેડૂતો પોતાની વ્યથા ઠાલવતા જણાવી રહ્યા છે કે વરસાદ ઓછો પડવાને કારણે અને કૂવા કે બોરમાં પાણી ન હોવાને કારણે તેમનો પાક બળી રહ્યો છે. જે જગ્યાએ કૂવા કે બોરમાં પાણી છે ત્યાં પુરતી વીજળી ન આપવાને કારણે તેમણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ ભાવ ન મળતો હોવાનો આક્ષેપ લગાવી લસણ અને ડુંગળી રસ્તા પર ફેંકી દીધા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ છે. ગામના પાદર ખાતે એકઠા થયેલા ખેડૂતો દ્વારા બાદમાં રેલી કાઢવામાં આવશે. સાથે જ ખેડૂતોએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી રેલી કાઢવામાં આવશે.
બીજી તરફ કોંગ્રેસે બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર તાલુકમાં ઓછો વરસાદ પડવાને કારણે આ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગણી કરી છે. પાક નિષ્ફળ જવાને કારણે પશુપાલકોને ઘાસની અછત પડી રહી છે.
ગુજરાતમાં આ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ તાજેતરમાં લસણની શરૂ થયેલી હરાજીમાં ખેડૂતોને પૂરતો ભાવ ન મળતો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને એક કિલો લસણની એક રૂપિયો કિંમત પણ નથી મળી રહી. બીજી તરફ સરકારનો દાવો છે કે લસણ જૂનું હોવાને કારણે પુરતો ભાવ નથી મળી રહ્યો.

Related posts

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં શૌચાલય કૌભાંડ બહાર આવ્યું

editor

સેંજલિયા અને ઈટાવાયા ગામમાં વીજળી પડતાં ત્રણનાં મોત

editor

ધોરાજીમાં ડૉ. બાબાસાહેબ આંબડકરને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

editor

Leave a Comment

UA-96247877-1