Aapnu Gujarat
બ્લોગ

લોકોને જબરજસ્તી શાકાહારી ન બનાવી શકાય

ભારતમાં કેટલાક લોકો એકદમ નવરી બજાર હોય છે ને તેમને કામ કંઈ હોતું નથી. આ લોકો પોતાના ફાલતુ ટાઈમનો ઉપયોગ પોતાના માટે કરતા હોય તો તેની સામે આપણને વાંધો નથી પણ તકલીફ ત્યારે થાય છે કે જ્યારે આ નવરી બજારો પોતાના ફાલતુ ટાઈમનો ઉપયોગ બીજાંની મેથી મારવા માટે કરે છે. સુપ્રીમ કોર્ટમાં માંસાહારના મામલે થયેલી અરજી તેનો તાજો નમૂનો છે.
આ અરજી હેલ્ધી વેલ્ધી એથિકલ વર્લ્ડ અને ગાઈડ ઈન્ડિયા ટ્રસ્ટ નામનાં બે સંગઠનોએ કરી છે. આ બંને સંગઠનોનાં નામ પણ આપણે સાંભળ્યાં નથી ને એ ક્યાંથી ફૂટી નિકળ્યાં તેની આપણને ખબર નથી પણ અરજીમાં તેમણે દેશમાં ચાલતા માંસાહાર સામે વાંધો લીધો છે. તેમણે સુપ્રીમ કોર્ટને અરજ કરી છે કે, દેશભરમાં માંસાહાર પર પ્રતિબંધ મુકાવી દો ને બધાં લોકો શાકાહાર જ કરે તેવો આદેશ આપો. એટલું જ નહીં પણ વિદેશમાં નિકાસ માટે અને ચામડા માટે પશુઓની કતલ થાય છે તે પણ બંધ કરાવો. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હતી ને તેમાં સુપ્રીમ કોર્ટે સોઈ ઝાટકીને કહી દીધું કે, દરેક વ્યક્તિને શાકાહારી બનવાનો આદેશ કોર્ટ ના કરી શકે ને સરકાર પણ ના કરી શકે.
સુપ્રીમ કોર્ટે આ મામલે ઝાઝી લપ્પનછપ્પન કરી નથી ને ચાર મહિના પછી સુનાવણીની તારીખ આપીને વાતને ટાળી દીધી છે પણ આ અરજી આ દેશમાં કેવા બુુદ્ધિહીન લોકો રહે છે તેના પુરાવારૂપ છે. જે લોકો આવી અરજીઓ કરે છે એ લોકો શું વિચારીને આ બધાં તૂત કરતા હશે તેની તેમને જ ખબર પણ એ લોકોએ આ બધું કરતાં પહેલાં દુનિયામાં શું ચાલે છે તે જાણવાની જરૂર છે. એ ના જાણે તો કંઈ નહીં, તેલ લેવા જાય પણ કમ સે કમ આ દેશના બંધારણનો અભ્યાસ કરવાની તો જરૂર છે જ. આ દેશમાં માંસાહાર કાયદેસર રીતે માન્ય છે ને તેના પર પ્રતિબંધ મૂકી જ ના શકાય. આ દેશના બંધારણે આ દેશના બંધારણે લોકોને જે મૂળભૂત અધિકાર આપ્યા છે તેમાં લોકોને પોતે શું ખાવું તેની પૂરેપૂરી આઝાદી આપી છે.
આ દેશમાં કોણે શું ખાવું ને શું ના ખાવું એ નક્કી કરવાનો દરેક વ્યક્તિને પોતાને અધિકાર છે, બીજું કોઈ એ નક્કી ના કરી શકે. શાકાહારને ફરજિયાત કરીને માંસાહાર પર પ્રતિબંધ ઠોકી બેસાડાય તેનો અર્થ એ થાય કે, આ મૂળભૂત અધિકાર છિનવી લેવાયો છે ને એવું કરવાનો ના તો સરકારને અધિકાર છે, ના તો સુપ્રીમ કોર્ટને અધિકાર છે. એ માટે બંધારણ બદલવું પડે.જો કે તેના કરતાં પણ મોટી વાત એ છે કે, માંસાહાર પર પ્રતિબંધ વ્યવહારૂ રીતે શક્ય જ નથી. માંસાહાર માત્ર ખાવાની આદત નથી પણ આપણા અર્થતંત્રમાં તેનું મોટું યોગદાન છે. આ ધંધો બંધ જાય એ કોઈને પરવડે એમ જ નથી. ભારત અત્યારે વિશ્ર્‌વમાં માંસ ઉત્પાદનમાં ટોચના દસ દેશોમાં સ્થાન પામે છે ને દર વરસે આશરે ૫૦૦ કરોડ ડૉલરના માંસની નિકાસ કરે છે. મતલબ કે વરસે ૩૭ હજાર કરોડ રૂપિયાની આપણને માંસની નિકાસમાંથી કમાણી થાય છે. આપણા માટે વિદેશી હૂંડિયામણ બહુ મહત્ત્વનું છે ને તેમાં વરસે ૫૦૦ કરોડ માંસમાંથી જ મળે એ યોગદાન નાનું નથી જ. આ તો માત્ર નિકાસની જ વાત કરી, બાકી ભારતમાં માંસના વેચાણથી થતી કમાણીની તો આપણે વાત જ નથી કરી.
આ ઉદ્યોગના કારણે લાખો લોકોનો રોજગારી મળે છે ને લાખો લોકોનાં ઘર ચાલે છે એ ગણતરીમાં લેશો તો માંસાહાર કેટલો મોટો બિઝનેસ છે તેની ખબર પડશે.જો કે ધંધાની વાત બાજુ પર મૂકીએ ને બીજી રીતે વિચારીએ તો પણ માંસાહાર પર પ્રતિબંધની વાત બેવકૂફી લાગે. તમે ખાલી એક જ વાતનો વિચાર કરો કે, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ માંસ ના ખાય ને માત્ર શાહાકાર જ કરે તો શું થાય ? પહેલો પ્રશ્ન આ લોકો માટે અનાજના ઉત્પાદનનો આવે. દુનિયામાં અત્યારે જે અનાજનું ઉત્પાદન થાય છે તે એટલું નથી કે, બધાં લોકોના પેટનો ખાડો પૂરી શકાય.
આ સંજોગોમાં લોકોને ખવડાવવા માટે અનાજ લાવશો ક્યાંથી ? અત્યારે અડધી દુનિયા માંસાહારી છે છતાં દુનિયાના ઢગલો દેશોમાં ભૂખમરો છે તો બધાં લોકો શાકાહારી બની જાય તો શું હાલત થાય ?અત્યારે માંસાહારીઓના ભોજન માટે દુનિયામાં દરરોજ લાખો જાનવરોની કત્લેઆમ કરાય છે. માનો કે આખી દુનિયા શાકાહારી બની જાય ને પશુઓની કત્લેઆમ બંધ કરાય તો દુનિયામાં કેટલાં જાનવર થઈ જાય એ કદી વિચાર્યું છે? આ દુનિયામાં માણસો રહી જ ના શકે એવી હાલત થઈ જાય. વિશ્ર્‌વમાં માણસો કરતાં જાનવરોની વસતિ અનેક ગણી થઈ જાય ને જ્યાં જુઓ ત્યાં જાનવરો જ જોવા મળે.
જાનવરો કંઈ ઘર બનાવીને રહેતાં નથી ને એ તો બધું જાહેરમાં જ કરતાં હોય છે. એ મરી જાય ત્યારે તેમનો નિકાલ પણ કોણ કરે ? આ સંજોગોમાં દુનિયા આખી ઉકરડો બની જાય.ગાય, ભેંસ જેવાં પશુ દૂધાળાં છે તેથી લોકો તેમને કદાચ પાળી શકે કે રાખી શકે પણ બીજાં પશુઓને તો કોઈ રાખે પણ નહીં. જાનવરોને પાછું પીવા માટે પાણી જોઈએ, શાકાહારી પશુઓ હોય તેમને ખાવા માટે ઘાસચારો જોઈએ ને એ બધું ક્યાંથી લાવવાનું? ને એ ના મળે તો જાનવર શું કરવાનાં? ખેતરોમાં ઘૂસી જાય ને ભેલાણ કરીને ઊભો પાક ખાઈ જાય. પછી આપણે શું ખાવાનાં? અહીં આપણને પીવા માટે પાણી પૂરતું પડતું નથી ત્યાં જાનવરો માટે પાણી ક્યાંથી લાવવું? પશુઓની કતલ બંધ થાય તો ચામડાની જરૂરિયાત પૂરી કરવા માટે શું કરવું એ પણ મોટો સવાલ છે. ટૂંકમાં, જીવદયા સારી લાગણી છે તેનો ઈનકાર ના કરી શકાય પણ વાસ્તવિક રીતે તેનો અમલ શક્ય નથી. કોઈની ધાર્મિક લાગણીને માન આપવા માટે તમે ચાર દાડા કતલખાનાં બંધ કરાવો ત્યાં લગી બરાબર છે પણ કાયમ માટે કતલખાનાં બંધ કરાવવામાં કે માંસાહાર બંધ કરાવવામાં શાણપણ નથી.આપણે ત્યાં આ પ્રકારનાં તૂત ઊભાં કરનારા લોકો ચાલાકી વાપરીને પોતાનાં તૂતને ધર્મ સાથે જોડી દેતા હોય છે. ધાર્મિક લાગણીની વાત આવે એટલે બધાંએ માંગમંતર થઈ જવું પડે તેની તેમને ખબર હોય છે.
માંસાહારની વાતમાં પણ એવું જ કરાય છે ને આપણે ત્યાં તેને હિંદુત્વ સાથે જોડી દેવાય છે. અત્યારે નવરાત્રિ ચાલે છે ત્યારે કેટલાકે એવો ઉપાડો લીધો જ છે કે, નવરાત્રિ છે એટલે માંસાહાર પર પ્રતિબંધ મૂકવો જોઈએ.આપણે ત્યાં દરેક વિસ્તારની આબોહવા અને ખાવાપીવાની ચીજોની ઉપલબ્ધતાના આધારે ભોજન બને છે તેથી માંસાહાર, શાકાહાર, મચ્છી બધું જ ચાલે છે. બંગાળમાં માછલી સામાન્ય છે. ને મોટા ભાગના લોકો માછલી ખાય છે. ઉત્તરાખંડ કે નેપાળ જેવા હિમાલયની પહાડીમાં આવેલા હિંદુઓના વિસ્તારોમાં માંસાહાર સામાન્ય છે કેમ કે ત્યાં બહુ અનાજ થતું નથી. આ રીતે દેશના દરેક રાજ્યમાં પોતપોતાની ભોજનની આદતો છે.ને છેલ્લે મહત્ત્વની વાત.જે લોકો આવાં તૂત ઊભાં કરે છે એ લોકોની માનસિકતા સંકુચિત કહેવાય. તમારી પોતાની માન્યતાઓ કે આદતોને બીજાં પર થોપવાની ના હોય. લોકો પોતે પોતાના મનથી જે કરે તેને સ્વીકારવાનું હોય. એ ગેરકાયદે ના હોય એટલું જોવાનું, બાકી બીજું બધું ચાલે.આપણે કુદરત આગળ એક બુદ્ધિશાળી પ્રાણીથી વિશેષ કશું નથી. ઘણા મિત્રો માને છે કે માંસાહારથી બુદ્ધી બગડે તો પછી દલાઈ લામાને બુદ્ધી વગરના કહીશું? માંસાહારી દલાઈ લામાને દંભી જૈનો પાલીતાણા બોલાવી સન્માન કરે છે.
જે દેશો બૌદ્ધ ધર્મ પાળે છે એ લોકો ભયંકર માંસાહારી છે. દુનિયાના કોઈ પણ પ્રાણી કે જીવ જંતુ ખાવા માટે બાકી નહિ રાખતા હોય. એટલા ભયંકર માંસાહારી તો યુરોપ અમેરિકાના લોકો પણ નથી. મહાભારતમાં યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કરેલો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એંઠી પતરાળી ઉઠાવેલી એ વારતા ખુબ ચગેલી છે પણ એ પતરાળીઓમાં બ્રાહ્મણોએ હરણનું માંસ ખાધેલું હતું, આ સાચી વાતો આપણા કથાકારો છુપાવે છે.
શ્રી બક્ષીબાબુએ આનો ઉલ્લેખ “વાતાયન” માં કરેલો, બક્ષીબાબુ સાચા ને બડકમદાર એટલે કોણ બોલે? આ બધા માંસાહારીઓ ની બુદ્ધી બગડેલી હશે? સ્વામી સચ્ચિદાનંદ લખે છે કે જાપાનીઓ ભયંકર માંસાહારી છે છતાં નાનું છોકરું એની દુકાને જાય તો પણ કદી ચીટીંગ ના કરે, પુરા ઓનેસ્ટ. અને આપણે શાકાહારીઓ કોઈનું ખીસું કાતરતા જરાય શર્મ ના આવે.
માછલા ખાતા કવિવર રવીન્દ્રનાથની બગડેલી બુદ્ધિએ ગીતાંજલિ જેવું હાઇલી ફિલોસોફીકલ કવિતાઓ ધરાવતું પુસ્તક આપ્યું. માછ્‌લામાં ઉત્તમ એવું ઓમેગા ૩ હોય છે. ગરીબ માછીમારો મોંઘીદાટ બદામો ખાઈ શકવાના નથી.
એમને માંછલામાંથી મફતમાં મળતો ઓમેગા-૩નો પુરવઠો ધર્મના નામે બંધ કરાવનાર ગુરુઓ બુદ્ધિહીન છે. મિત્રો શાકાહાર કરતા હોવ તો શાકાહાર જ કરતા રહો. સારી વાત છે.
સીધી હિંસામાંથી બચી જવાય. પણ કોઈ માંસાહાર કરનાર ને એવા ભાવથી ના જોશો કે એ નર્કમાં જવાનો છે. જશે તો શ્રી રામ ને ટાગોરશ્રીની કંપની એને મળવાની જ છે.
હું કોઈ માંસાહારની તરફેણ કરતો નથી.એટલું જ કહું છું કે જે ખાવું હોય તે ખાઈએ પણ બીજા પ્રત્યે દ્વેષ ના રાખીએ.કેટલાક ઉત્તમ પ્રકારના પ્રોટીન્સ એમીનો એસીડ્‌સ શાકાહારમાં છે જ નહિ ભલે તમે સોયાબીન જેવા સૌથી વધારે પ્રોટીન ધરાવતા કઠોળ ખાવ. એના માટે તમારે દૂધ પીને પૂર્તિ કરવી પડે, અથવા એના અભાવમાં જીવવું પડે. વાઘને સિંહ હિંસક નથી. ભગવાને એમને ઘાસ પચાવે એવું જઠર જ નથી આપ્યું. શું કરે બિચારા. ભૂખ વગર એ કોઈને ફાડી ખાતા નથી. અને આપણે શાકાહારીઓ ભાજી ખાઈને વગર કારણે હિંસા ઓછી કરીએ છીએ?
આપણા અહિંસક આશ્રમોના સેકસુઅલ અને તાંત્રિક કૌભાંડો હિંસા નથી? માંસાહાર ને ગાળો દેવાને બદલે જરૂર છે હકારાત્મક અભિગમની. ના તો માંસ ખાઈને બુદ્ધી બગડે છે ના તો એકલા શાકાહાર થી બુદ્ધી સુધરે છે. માંસાહાર થી બુદ્ધી બગડતી હોત તો આપણા સિવાય બધા પાગલ ગાંડા હોત આખી દુનિયામાં.
કોઈ એક વસ્તુને સતત દ્વેષ ભાવથી વખોડ્યા કરવી એ પણ હિંસા, સુક્ષ્મ હિંસા જ કહેવાય. સાયંસ કહે છે, ૨૫ લાખ વર્ષ થયા માણસ ને પેદા થયે પૃથ્વી પર, પાંચ લાખ વર્ષ ઝાડ પર રહ્યો, ૨૦ લાખ વર્ષ થયા ઝાડ પરથી નીચે ઉતરે, ૨૫ લાખ વર્ષથી તે આજ સુધી ફળફળાદી અને માંસ ખાતો આવ્યો છે અને ગાય ભેસ લાખો વર્ષોથી ઘાસ જ ખાય છે, અને વાઘ સિંહ માંસ. સૌ સૌના જઠર પ્રમાણે ખાય છે. માંસ ખોટું જ હોત તો આદિમાનવ પુછવા ના જાત કે હું શું ખાઉં? એ કુદરતી જીવન જીવતો ક્યારનોએ માંસ ખાવાનું બંધ કરી દેત.

Related posts

સલાહુદ્દીને કાશ્મીરમાં હિંસક આંદોલનનો પાયો નાંખ્યો હતો….

aapnugujarat

સગર્ભા અવસ્થા વેળા હાર્ટ અટેકનો ભય વધુ : રિપોર્ટ

aapnugujarat

માનસ ક્રાંતિના ઉદ્દગાતા જે. કૃષ્ણમૂર્તિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1