અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સાઉદી અરબના પ્રવાસ દરમિયાન રિયાધ ખાતે તેમના એક સંબાધનમાં ભારતનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે, ભારતે આતંકવાદને કારણે ઘણું સહન કર્યું છે.
તેમણે જણાવ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાથી લઈ રશિયા સુધીના તમામ દેશ આતંકવાદનો ભોગ બન્યા છે.સાઉદી અરબમાં આયોજિત આરબ ઈસ્લામિક યુએસ સંમેલનમાં બોલતાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશોને અપીલ કરી કે, તેઓ પોતાની જમીન પર કોઈ પણ પ્રકારના આતંકવાદ અને આતંકી સંગઠનને આશ્રય આપે નહીં.
ગત ૨૦મી જાન્યુઆરીએ અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.
સાઉદી અરબ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ અને ઈટલીના પ્રવાસે પણ જશે. ટ્રમ્પે સાઉદી અરબમાં ચાલી રહેલા આતંકવાદ પર ધ્યાન કેન્દ્રીત કરતા જણાવ્યું કે, મધ્ય-પૂર્વ એશિયાના અનેક દેશોમાં વધી રહેલી કટ્ટરવાદી વિચારધારા સામે લડવા માટે અમેરિકા પશ્ચિમ એશિયાના દેશોને સહયોગ કરવા તૈયાર છે.તેમણે જણાવ્યું કે, અમેરિકાથી લઈને ભારત અને ઓસ્ટ્રેલિયાથી લઈને રશિયા સુધીના તમામ દેશ આતંકની યાતના ભોગવી રહ્યા છે અને વારંવાર થતા આતંકવાદી હુમલાથી ત્રસ્ત છે.
જોકે પોતાના ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યો ન હતો. પરંતુ એક વાક પર ભાર મુકતા જણાવ્યું કે, દરેક દેશે એ સુનિશ્ચિત કરવું પડશે કે, તેમની ધરતી પર આતંકવાદને આશ્રય ન મળે.