રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ દેશની પ્રથમ હાઈસ્પીડ ટ્રેનને લીલીઝંડી આપી હતી. હાઈસ્પીડ તેજસ એક્સપ્રેસને મુંબઈમાં છત્રપતિ શિવાજી સ્ટેશનથી લીલીઝંડી આપવામાં આવી હતી. આ નવી પ્રિમિયમ ટ્રેન મુંબઈ અને ગોવામાં કરમાલી વચ્ચે એક સપ્તાહમાં પાંચ દિવસ દોડાવવામાં આવશે. મોનસૂનની સિઝન દરમિયાન આ ટ્રેન એક સપ્તાહમાં ત્રણ દિવસ સુધી દોડાવવામાં આવશે. આ ટ્રેન દર મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે સવારે પાંચ વાગે મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનસથી રવાના થશે. ૨૪મી મેથી આ ટ્રેનની વિધિવત રીતે શરૂઆત થઈ જશે. આ ટ્રેનની શરૂઆત થયા બાદ સવારે પાંચ વાગે મુંબઈથી રવાના થયા પછી આગલા દિવસે ૧.૩૦ વાગે કરમાલી પહોંચી જશે. આ ટ્રેનમાં અનેક વિશેષતા રહેલી છે. બીજી બાજુ મંગળવાર, બુધવાર અને શુક્રવાર, શનિવાર તથા રવિવારના દિવસે કરમાલીથી બપોરે રવાના થશે અને તેજ દિવસે ૧૧ વાગે છત્રપતિ શિવાજી ટર્મિનસ પહોંચશે. મોનસૂનની સિઝન દરમિયાન આ ટ્રેન મુંબઈથી દર સોમવાર, બુધવાર, શનિવારના દિવસે રવાના થશે અને દર મંગળવાર, ગુરૂવાર અને રવિવારે ૭.૩૦ વાગે કરમાલીથી રવાના થશે. ૨૦ કોચની આ અતિઆધુનિક ટ્રેનમાં ખાસ પ્રકારની ચેર રાખવામાં આવી છે. કોચમાં ચા અને કોફીના વેન્ડીંગ મશીન મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મેગેઝીન અને સ્નેક્સના ટેબલ ગોઠવવામાં આવ્યા છે. તેજસ એક્સપ્રેસના યાત્રીઓની સુરક્ષા માટે ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. આ ટ્રેન ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલનાર છે. ઓટોમેટીક ડોર સાથે આ ટ્રેન સજ્જ રહેશે. તેમાં કોચ અતિ આધુનિક ડોર સાથે જોડાયેલા હોવાથી યાત્રીઓને સીધો ફાયદો થશે. વાયફાઈ અને એલઈડી સ્ક્રીનની સુવિધા રહેશે. કોચ ચેન્નાઈના ઈન્ડિયન કોચ ફેકટરી ખાતે તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેન ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે. આ નવી ટ્રેનના કોચમાં ટચલેસ વોટર ટેપ જેવી સુવિધા રહેશે. ઉપરાંત વોટર લેવલના ઈન્ડીકેટર્સ રહેશે. બાયો વેક્યુમ ટોયલેટ સાથે તમામ કોચમાં હેન્ડ ડ્રાયર્સની સુવિધા રહેશે. મુંબઈથી ગોવા માટે એક વખતનું ભાડુ ૨૭૪૦ રૂપિયા રહેશે. જેમાં ભોજનનો સમાવેશ થાય છે. જ્યારે ભોજન વગર યાત્રા ૨૫૮૫ રૂપિયામાં રહેશે. સામાન્ય ચેર કાર માટે ભાડુ ૧૩૧૦ રૂપિયા નક્કી કરાયું છે. જેમાં ફુડનો સમાવેશ થાય છે. ફુડ વગર ભાડુ ૧૧૮૫ રૂપિયા રહેશે.