Aapnu Gujarat
ગુજરાત

કોર્પોરેશન જાગ્યું : માય બાઇક કોન્ટ્રાકટ આખરે રદ કરાયો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શેરિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શેરિંગની દરખાસ્ત મૂકીને પુનઃ વિવાદ જગાવ્યો છે, કેમ કે બીઆરટીએસના પેસેન્જરને પોતાના ઘર અથવા તો ઓફિસના સ્થળથી બીઆરટીએસ બસ સ્ટેશન સુધી સાઇકલ શેરિંગના અભિગમ સાથે પાંચ વર્ષ અગાઉ માય બાઇક કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો, પરંતુ સાઇકલ શેરિંગના કોન્ટ્રાક્ટર દ્વારા સમગ્ર પ્રોજેકટની અમલવારીના મામલે કોઇ ખાસ પ્રગતિ નોંધાઇ ન હતી અને શરતોનો ભંગ કરાયા હોવા છતાં જાહેરાતની આવકને ઘર ભેગી કરાતી હતી. આ મામલે છેક પાંચ વર્ષે તંત્ર દ્વારા કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યા બાદ શરતભંગ બદલ કોન્ટ્રાકટરને રહી રહીને શોકોઝ નોટિસ ફટકારાઇ હતી અને હવે તેનો કોન્ટ્રાક્ટ રદ કરાયો હતો. અમ્યુકો તંત્ર દ્વારા માય બાઇક કંપનીને બીઆરટીએસના પેસેન્જર પોતાના ઘરેથી પાર્કિંગ માટે આપેલા કોઇ પણ સ્ટેશનની નજીક સાઇકલ મૂકી બસમાં પ્રવાસ કરી અન્ય સ્ટેશનથી બીજી સાઇકલ મેળવી પ્રવાસ કરી શકે તેવા આશયથી તા.ર૭ ડિસેમ્બર, ર૦૧૩માં વર્કઓર્ડર કમ પરમિશન લેટર અપાયો હતો, જે અનુસાર કંપનીને પેસેન્જર પાસેથી સભ્યપદ માટે રૂ.ર૦૦ અને સિક્યોરિટી ડિપોઝિટ પેટે રૂ.૩૦૦૦ લેવાની છૂટ અપાઇ હતી. સત્તાવાળાઓએ પ્રાયોગિક ધોરણે બીઆરટીએસ રૂટ પરના બીઆરટીએસ સ્ટેશનની આસપાસ સાઇકલ પાર્કિંગની જગ્યા માટે પ્રતિચોરસ ફૂટ એક રૂપિયાના ટોકન ચાર્જ સાથે પાંચ વર્ષ માટે જગ્યા ફાળવાઇ હતી. માય બાઇક દ્વારા ખરીદાયેલી સાઇકલ અને તંત્ર દ્વારા અપાયેલી પાર્કિંગ જગ્યા પર જાહેરાતના હક આ કંપનીને અપાયા હતા, જોકે કંપનીએ નાણાકીય હિસાબો સમયસર જાળવીને તેના રિપોર્ટ દર વર્ષેના અંતે કમિશનર સમક્ષ રજૂ કરવાના હતા. વર્કઓર્ડરની શરત મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા ગ્રીનપીડિયા બાઇક શેયર પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરાઇ હતી. દરમ્યાન તંત્રની તપાસમાં માય બાઇકને અપાયેલા વર્કઓર્ડર મુજબ થયેલી કામગીરીમાં બીઆરટીએસ રૂટ પરના બીઆરટીએસ નવ સ્ટેશનો પૈકી પશ્ચિમ તરફના શિવરંજની ચાર રસ્તા, અંધજન મંડળ ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ અને સોલા ક્રોસ રોડવાળી જગ્યાએ સાઇકલ સ્ટેન્ડ બનાવાયા હતા જ્યારે પૂર્વ તરફના ઠક્કરબાપાનગર, સીટીએમ ચાર રસ્તા, જશોદાનગર સોનીની ચાલ અને ઇસનપુરની જગ્યાએ કોઇ ખાસ કામગીરી થઇ ન હતી એટલે કે નવ જગ્યાના બદલે ચાર જગ્યાએ સર્વિસ ચાલુ કરાઇ હતી, પરંતુ બાકીની જગ્યાએ સર્વિસ ચાલુ ન કરાતાં વર્ક ઓર્ડરની શરતોનો ભંગ થયો છે. આ ઉપરાંત આ કંપની દ્વારા નાણાકીય હિસાબો નિયમસર જાળવીને તેના રિપોટ્‌ર્સ કમિશનર સમક્ષ રજૂ કરવાના મામલે વર્ષ ર૦૧પ પછી કોઇ રિપોર્ટ કરાયા નથી. તંત્ર દ્વારા સાઇકલ પાર્કિંગની જગ્યાના પ્રતિચોરસ ફૂટ રૂ.એકના ટોકન ચાર્જના નાણાં કંપની પાસેથી વસૂલવાના રહે છે, જે હજુ સુધી ભરપાઇ કરાયા નથી. આ દરમ્યાન ગત તા.૧૦ સપ્ટેમ્બર, ર૦૧૮એ સત્તાવાળાઓએ હયાત શેલ્ટર પર જાહેરાત ચાલુ રાખી આવક કરવા સહિતના વર્કઓર્ડર કમ પરમિશન લેટરના શરતભંગ બદલ માય બાઇકને શો-કોઝ નોટિસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલાં મળેલી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ખુદ શાસક પક્ષના સભ્યોએ માય બાઇક સાઇકલ શેરિંગના ફલોપ પ્રોજેકટ અંગે તંત્ર પર પસ્તાળ પાડી હતી ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આ અંગે એસ્ટેટ વિભાગનો હવાલો સંભાળતા પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જયેશ એસ. પ્રજાપતિને પૂછતાં તેમણે જણાવ્યું કે, માય બાઇક કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરાયો છે અને તેની પાસેથી તંત્ર જે નાણાંની વસૂલાત કરવાની છે તે પણ કરાશે. તંત્ર દ્વારા સાઇકલ શેરિંગના નવા અભિગમ હેઠળ જે તે કંપનીને જાહેરાતના હક સિવાય ફ્રી પાર્કિંગ અપાશે. તેઓ ઉતારુ પાસેથી ભાડું વસૂલી શકશે.

Related posts

પીએમ મોદી ૨૧ અને ૨૨ જુલાઈએ ગુજરાત આવશે

aapnugujarat

शहर में आग की चार घटना होने पर फायर में ड्राइवर कम पडे

aapnugujarat

१५-१८÷ आर्थिक आंदोलन लोलीपोप नहीं होना चाहिए : हार्दिक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1