Aapnu Gujarat
બ્લોગ

મહારાષ્ટ્રમાં ઔવેસી – આંબેડકરનું ગઠબંધન ભાજપ માટે લાભદાયક

મહારાષ્ટ્રમાં આમ તો મુખ્ય મુકાબલો ભાજપ શિવસેનાની સામે કોંગ્રેસ એનસીપી ગઠબંધનનો જ રહેવાનો છે પણ કેટલાક નાના પક્ષો આડકતરી રીતે આ ગઠબંધનોને મદદરૂપ બને તેમ છે.ઔવેસી અને પ્રકાશ આંબેડકર આમ તો ભાજપનો વિરોધ કરતા આવ્યા છે પણ હાલમાં તેમણે ગઠબંધન કરીને પોતાનું કદ મોટુ કરવાનો પ્રયાસ કર્યો છે પણ તે ભાજપ માટે તો ફળદાયી જ નિવડવાનું છે કારણકે બંને નેતાઓનો દબદબો મુસ્લિમ અને દલિત સમુદાયમાં છે જેને કોંગ્રેસ અને એનસીપી પોતાનાં માને છે ત્યારે આ વર્ગમાં મતોનો ભાગ પડે તો તેનો સીધો ફાયદો ભાજપને જ થવાનો છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં બે પક્ષોએ સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે. તેના કારણે ફરીથી પલાખાં ગણવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. કેમ કે એક તરફ શિવસેનાની નારાજી અને બીજી તરફ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન નક્કી છે, ત્યારે મહારાષ્ટ્રનું રાજકારણ કઈ દિશામાં જશે તે સ્પષ્ટ થઈ રહ્યું નથી. તેવા સંજોગોમાં વધુ બે પક્ષોએ ગઠબંધનની જાહેરાત કરી છે. બે નાના પક્ષો છે, પણ મહત્ત્વના સામાજિક જૂથોનું નેતૃત્ત્વ કરનારા છે, તેના કારણે કોંગ્રેસ અને એનસીપીની ઊંઘ હરામ થઈ ગઈ છે.મહારાષ્ટ્રમાં ૧૭ ટકા મતો અનુસૂચિત જાતિના છે અને ૧૩ ટકા મતો મુસ્લિમોના છે. આ બે જૂથોને ભેગા કરવામાં આવે તો યુપી બિહારમાં ‘માય’ ગઠબંધન છે, તેવું ‘દમુ’ ગઠબંધન બની શકે. પણ તે માત્ર થિયરીમાં, વ્યવહારમાં તેવું થાય તેમ નથી. તેના બે કારણો છે. મહારાષ્ટ્રમાં દલિત રાજકારણ યુપી અને બિહારના રાજકારણ કરતાં અલગ પડતું છે. મહારાષ્ટ્રમાં દલિત જાગૃતિ સદીઓ જૂની છે. ડૉ. આંબેડકરના દાદા અંગ્રેજના જમાનામાં સેનામાં નોકરી કરતા થયાં હતાં અને જ્યોતિબા ફૂલેએ શિક્ષણ માટે સામાજિક જાગૃતિની ચળવળ ચલાવી હતી. તેના કારણે આ સામાજિક વર્ગે એટલો પ્રૌઢ બન્યો છે, કે તેમાં ભાગલા પડી ચૂક્યા છે.મહારાષ્ટ્રના દલિતોનું નેતૃત્ત્વ જુદા જુદા પક્ષોના હાથમાં છે અને તેમાંથી એક પક્ષ અને નેતા રામદાસ આઠવલે ભાજપ સાથે જોડાયેલા છે. બીજી બાજુ આંબેડકર અટક ધરાવતા પ્રકાશ આંબેડકરનું વર્ચસ્વ માત્ર અકોલા વિસ્તાર પૂરતું જ મર્યાદિત રહ્યું છે.ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર છેલ્લા થોડા સમયથી રાજકારણમાં ઓછા પ્રવૃત્ત હતાં. તેમનો પક્ષ બહુજન રિપબ્લિકન પક્ષ-બહુજન મહાસંઘ વિદર્ભમાં થોડો સક્રીય છે અને તેનો એક જ ધારાસભ્ય જીતેલો છે. આ પક્ષે હવે પડોશી તેલંગાણાના મુસ્લિમ પક્ષ એમઆઇએમ સાથે જોડાણની જાહેરાત કરી છે. હકીકતમાં હૈદરાબાદનું રજવાડું હતું, તે વખતે મહારાષ્ટ્રના મરાઠવાડાનો કેટલોક વિસ્તાર તેમાં પડતો હતો. ઔરંગાબાદ નિઝામના હાથમાં હતું. તે ઉપરાંત આસપાસના બીડ, નાંદેડ અને ઓસમાનાબાદના મુસ્લિમોમાં અસાદુદ્દીન ઔવૈસીના મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન (એમઆઈએમ) થોડો ટેકો ધરાવે છે. આ ઉપરાંત મુંબઈના મુસ્લિમોમાં પણ એમઆઈએમ સક્રિય છે. તેના બે ધારાસભ્યોમાંથી એક ધારાસભ્ય આ મરાઠવાડામાં અને બીજો ભાયખલામાંથી જીત્યો હતો. આ ઉપરાંત પરભણી, લાતુર, ઝાલના અને હિંગોળીમાં પણ મુસ્લિમ વસતિ છે.આ બંને પક્ષો વચ્ચે ગઠબંધન વિચારાયું તેનું કારણ એ કે કેટલાક વિસ્તારોમાં મુસ્લિમો અને દલિતો બંનેની વસતિ છે. જેમ કે ઔરંગાબાદ, ઓસમાનાબાદ, બીડ, લાતુર અને નાંદેડમાં. તેથી આ વિસ્તારમાં આવેલી બેઠકોમાં તે કોંગ્રેસ અને એનસીપી માટે મુશ્કેલી નોતરી શકે છે. બે બેઠકો જીતવા ઉપરાંત ૯ બેઠકો એવી હતી, જેમાં એમઆઈએમ બીજા નંબરે આવી હતી. આ બેઠકો પર ઔવેસી અને આંબેડકર દાવ લગાવી શકે છે. નાંદેડની મહાપાલિકામાં પણ ઔવેસીના પક્ષે સારો દેખાવ કર્યો હતા. જોકે આંબેડકર પાસે વિદર્ભમાં એક ધારાસભ્ય સિવાય કોઈ તાકાત નથી. તેથી કોંગ્રેસ અને એનસીપીએ બહુ કોઠું આપ્યું ના હોત. એ જ રીતે ઔવેસી સાથે પણ સીધું જોડાણ કરવાનું કોંગ્રેસ અને એનસીપી પસંદ ના કરે, પણ આ બંનેના મોરચા સાથે સમજૂતિ થાય ખરી કે તેવો સવાલ આગામી દિવસોમાં પૂછાશે.બે ઓક્ટોબરે સત્તાવાર રીતે બંને પક્ષો વચ્ચે ગઠબંધનની જાહેરાત થશે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં નવેસરથી ગણતરી મંડાશે. આ બે પક્ષોના કારણે ભાજપને કોઈ નુકસાન નથી, પણ કોંગ્રેસ અને એનસીપીએ નુકસાન ટાળવા માટેની સ્ટ્રેટેજી વિચારવી પડશે. અંદરોઅંદર બેઠકોની વહેંચણી મુશ્કેલ બનવાની છે, ત્યારે આ બેના ગઠબંધન સાથે કોઈ સમજૂતિના અણસાર નથી. પણ ઔરંગાબાદ, ઓસમાનાબાદ, નાંદેડ જિલ્લામાં મુસ્લિમ અને દલિત મતો માટે વિચારવું પડશે. આ બે નાના પક્ષમાંથી કોણ ચૂંટણી લડી શકે છે અને તેની સામે પોતાના કયા ઉમેદવાર હશે તેના આધારે બેઠક દીઠ ગણતરી માંડવી પડશે તે નક્કી છે.જોકે તે પહેલાં અત્યારે સૌથી અગત્યનો મુદ્દો શિવ સેનાનો છે. શિવ સેના અને ભાજપ વચ્ચે રાબેતા મુજબ તુંતું મૈંમૈં ચાલ્યા કરે છે, પણ હાલમાં જ નિગમોમાં નિમણૂંક થઈ તે સેનાએ સ્વીકારી લીધી છે. સેનાના નેતાઓ નિગમોમાં હોદ્દા લઈને બેસી ગયા છે. તેના કારણે છેક છેલ્લી ઘડી સુધી શિવ સેનાનું વલણ નક્કી ગણી લેવું મુશ્કેલ છે. શરદ પવારે નજીકના ભૂતકાળમાં રાજ ઠાકરે સાથે પણ કેટલાક જાહેર કાર્યક્રમો કર્યા છે. રાજ ઠાકરેનો ભાજપ સામેનો રોષ વધારે નક્કર છે, પણ રાજ ઠાકરેને સાથે રાખવાથી બહુ મોટો ફાયદો શરદ પવાર જોઈ રહ્યા નથી. શિવ સેનાના વલણના આધારે જ પાસા ગોઠવવા પડશે.ઔવેસી હડોહડ ભાજપ વિરોધી લાગતા હશે, પણ તેમની સામે ભાજપને મદદ થાય તેવી ગોઠવણ કરવાના આરોપો કોંગ્રેસ અને અન્ય પક્ષો મૂકી ચૂક્યા છે. બંગાળ, બિહાર, યુપી સહિતના રાજ્યોમાં મુસ્લિમ મતોની બહુમતિ ધરાવતા જિલ્લાઓમાં ઔવેસીનો પક્ષ ચૂંટણી ટાણે સક્રિય થાય છે અને મુસ્લિમ મતોમાં ભાગલા પડાવવા કોશિશ કરે છે. હાલમાં તેલંગાણામાં ચૂંટણીની તૈયારી છે ત્યારે ઔવેસી સાથે કેસીઆર સંબંધો જાળવી શકે તે માટે ભાજપે સીધું જોડાણ નથી કર્યું. ભાજપ અને કેસીઆરની દોસ્તી લોકસભામાં દેખાશે. અત્યારે બંન્ને આમનેસામને છે, ત્યારે કેસીઆરે એવું કહ્યું કે ઔવૈસી તેમના માટે મિત્ર જેવા છે. તેમના ઉમેદવારો હશે ત્યાં ફ્રેન્ડલી ચૂંટણી લડાશે એવું તેઓ કહી ચૂક્યા છે. ઔવેસીનો પક્ષ અડધો ડઝન બેઠકો હૈદરાબાદ અને સિકંદરાબાદમાંથી જ જીતી જાય છે, કેમ કે ત્યાં મુસ્લિમોની બહુમતી છે.શિવસેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ ગઠબંધન ભાજપને ફાયદો કરાવવા માટે જ છે. બીજી બાજુ પ્રકાશ આંબેડકરે એવું પણ કહ્યું છે કે જરૂર પડ્યે તે કોંગ્રેસનો સાથે લેશે, પણ એનસીપીનો સાથ નહી લે. એનસીપી સેક્યુલર નથી એવું કહીને પ્રકાશ આંબેડકરે હલચલ મચાવી છે. આવું વલણ પણ સ્પષ્ટપણે ભાજપને ફાવે તેવું છે. શરદ પવારે પણ ટીકા કરી કે ભૂતકાળમાં જરૂર પડી ત્યારે પ્રકાશ આંબેડકરે એનસીપીના કાર્યકરોને ભાઇબાપા કર્યા હતા. આકોલાની બેઠક પર લડતા હોય ત્યારે એનસીપીના કાર્યકરોનો સાથ લેતા હતા. તેમને એનસીપીના કાર્યકરો સેક્યુલર લાગે છે, પણ શરદ પવાર સેક્યુલર લાગતા નથી એમ કહીને ટીકા કરી છે. પવારે યાદ પણ કરાવ્યું કે ભૂતકાળમાં પ્રમોદ મહાજન ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તેમને મદદ કરવા માટે પ્રકાશ આંબેડકરે ઉમેદવાર મૂક્યો હતો. તેમના ઉમેદવારને કારણે મહાજન સામેના એનસીપીના ઉમેદવાર હારી ગયા હતા.કોંગ્રેસ પણ તેમને તકવાદી ગણાવી રહી છે. કોંગ્રેસે કહ્યું કે ઔવૈસીની સાથે તેમણે ગઠબંધન કર્યું તે ખોટું છે, કેમ કે તે કોમવાદી પાર્ટી છે અને મુસ્લિમોના મતોનું વિભાજન કરીને ભાજપને મદદ કરે છે. જોકે પ્રકાશ આંબેડકરે કહ્યું કે તેમણે બે મહિનાથી કોંગ્રેસ સાથે વાતચીત શરૂ કરી હતી, પણ તેમને યોગ્ય પ્રતિસાદ ના મળ્યો તેથી આ પગલું લીધું છે. તેમણે ૧૨ બેઠકોની માગણી કોંગ્રેસ પાસે કરી હતી. સ્વાભાવિક છે કે એક આકોલા બેઠક જ કોંગ્રેસ પ્રકાશ આંબેડકરને આપી શકે તેમ છે, તેથી માગણી પર ધ્યાન અપાયું નહોતું. પોતે હજી પણ કોંગ્રેસ સાથે સમજૂતિ કરવા તૈયાર છે એમ તેમણે કહ્યું છે, પણ જે રીતે તેમણે શરદ પવાર સેક્યુલર નથી એવું કહ્યું છે તેથી હવે સમાધાન થાય તેમ લાગતું નથી. જોકે રાજકારણમાં છેક સુધી કશું નિશ્ચિત કહી ના શકાય. પણ અત્યારે બે નાની પાર્ટીએ મહારાષ્ટ્રમાં ગઠબંધન કરીને બે મોટા ગઠબંધનોમાં હલચલ મચાવી છે

Related posts

रूस-पाकः भारत हाशिए में

editor

અટલ બિહારી વાજપેયી : જન્મથી લઈને પરમાણુ પરીક્ષણ, કારિગલ વૉર સુધી

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1