Aapnu Gujarat
ગુજરાત

મેલેરીયાના રોગચાળાની બાબતમાં વડોદરા જિલ્‍લાના ૪૫ ગામો સંવેદનશીલ

રાજય સરકારના આરોગ્‍ય વિભાગે સને ૨૦૨૨ સુધીમાં ગુજરાતને મેલેરીયા મુકત રાજય બનાવવાનો સંકલ્‍પ કર્યો છે. જેના હેઠળ રાજય સરકારના પંચાયત, પાણી પુરવઠા વિભાગ, ઉદ્યોગ સિંચાઇ, શહેરી વિકાસ, માહિતી, માર્ગ અને મકાન તેમજ કૃષિ અને સહકાર વિભાગના સહયોગથી સઘન અભિયાન હાથ ધરવામાં આવશે. આરોગ્‍યના ક્ષેત્રમાં કાર્યરત સ્‍વૈચ્‍છિક સેવા સંસ્‍થાઓનો સહયોગ આ અભિયાનમાં મેલેરીયા અટકાવવાની લોકજાગૃતિ કેળવવા અને લોકશકિતને આ ઝુંબેશમાં જોડવા માટે લેવાશે. જિલ્‍લા કલેકટર અને જિલ્‍લા વિકાસ અધિકારી આ અભિયાનનું માર્ગદર્શન કરશે.

વડોદરા જિલ્‍લાના ૪૫ ગામો મેલેરીયાના રોગચાળાની દ્રષ્‍ટિએ સંવેદનશીલ છે એવી જાણકારી આપતા જિલ્‍લા મેલેરીયા નિયંત્રણ અધિકારીશ્રી શર્માએ જણાવ્‍યું હતું કે અભિયાન હેઠળ જુન મહિનામાં આરોગ્‍ય કર્મચારીઓ અને આશા બહેનો ઘર તપાસ ઝુંબેશ કરશે અને તાવના કેસોની નોંધણી કરીને તેની સારવાર આપશે. મેલેરીયા પીડીત જણાતા તાવગ્રસ્‍તોને સંપૂર્ણ સારવાર આપવામાં આવશે. તેના પરિણામે ચોમાસાં પહેલા જનસમુદાયમાં મેલેરીયા પેરાસાઇટની ઘનતા ઘટે એવો પ્રયત્‍ન કરવામાં આવશે.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે તબીબો અને દવાખાનાઓ મેલેરીયાની સારવાર નવી ડ્રગ્‍સ નીતિ પ્રમાણે કરે તે જરૂરી છે. આ ઉપરાંત એપીડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની જોગવાઇ અનુસાર પ્રાઇવેટ હોસ્‍પીટલ્‍સ અને પ્રાઇવેટ લેબોરેટરીઝ મેલેરીયા, ડેન્‍ગ્‍યુ અને ચીકનગુનિયાના કેસોનું લાઇન લીસ્‍ટીંગ કરે અને  જિલ્‍લાના આરોગ્‍ય વિભાગને ફરજીઆત તેની  જાણ કરે તે જરૂરી છે. જેને અનુલક્ષીએ જિલ્‍લાના ગ્રામ વિસ્‍તારોની ૪૮ ખાનગી હોસ્‍પીટલ્‍સ અને ૨૫ ખાનગી લેબોરેટરીઝને એકટની જોગવાઇ અને સારવારની ગાઇડ લાઇન્‍સની જાણકારી આપવામાં આવી છે.

જિલ્‍લાના ૪૫ સંવેદનશીલ ગામોમાં મેલેરીયાના સચોટ  નિયંત્રણ માટે માસવાર એકશન પ્‍લાન બનાવવામાં આવ્‍યો છે. જિલ્‍લા મેલેરીયા નિયંત્રણ અધિકારીએ આજે આ ગામોના તલાટીઓ સાથે બેઠક યોજી હતી અને મચ્‍છરોના નિયંત્રણ તેમજ ઉત્‍પત્તિના અટકાવ માટે પંચાયતોએ કરવાની કામગીરીની સમજણ આપી હતી. વધુમાં, ઘેરઘેર ફરીને મચ્‍છરો-પોરાના ઉત્‍પાદન સ્‍થળોની તપાસ અને પોરાનાશક કામગીરી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ શાળાઓને આ કામગીરી તેમની શાળાઓમાં હાથ ધરવા જણાવશે.

જિલ્‍લા કલેકટર પી.ભારથીએ જિલ્‍લા સંકલન સમિતિની બેઠકમાં તમામ અધિકારીઓને તેમની કચેરીઓમાં કોઇપણ સ્‍થળે પાણીનો ભરાવો ન થાય અને મચ્‍છરોની ઉત્‍પત્તિનું  વેગ ન મળે તે માટે સફાઇ કરાવવા જણાવ્‍યું હતું. તેમણે અભિયાન હેઠળ સાંકળવામાં આવેલા વિભાગોને મેલેરીયા અટકાવવાની સંકલીત કામગીરીમાં આરોગ્‍ય વિભાગને સહયોગ આપવા સૂચના આપી હતી.

Related posts

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૬૦૦ કરોડનો ખર્ચ થવાની શકયતા

aapnugujarat

વિરમગામના જખવાડા ખાતે ૧૪ લાખના ખર્ચે બનનાર નવીન પંચાયત ઘરનું ખાત મુહૂર્ત કરાયુ

aapnugujarat

લીંબડી મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ નિમિતે જુલુસ કાઢ્યુ

editor

Leave a Comment

UA-96247877-1