Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસી શાસનમાં સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ કરી દેવાઈ હતી : ભાજપ

ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ આઇકે જાડેજાએ કૉંગ્રેસ દ્વારા અમુલ ડેરી અને સહકારી ક્ષેત્રો વિશે ઉચ્ચારેલા હલકા નિવેદનો સામે પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે, ગુજરાતના મતદારો જેમ બે દશકા કરતાં વધારે સમયથી કોંગ્રેસને ઓળખી ગયા છે તે જ રીતે સહકારી ક્ષેત્રના આગેવાનો તથા કાર્યકર્તાઓ પણ કોંગ્રેસને સારી રીતે ઓળખી ગયા છે. સહકારી ક્ષેત્રમાંથી કોંગ્રેસ ફેંકાઇ ગઇ છે. આથી હતાશ-નિરાશ બનેલા કોંગ્રેસના નેતાઓ આવા બેબુનિયાદ-હલકા-પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. જાડેજાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના નેતાઓ ભુલી ગયા છે કે તેમના સમયમાં દુધ સંઘોની સ્થિતિ કેવા પ્રકારની હતી ? કોંગ્રેસના ભ્રષ્ટાચારી શાસનમાં સૌરાષ્ટ્રની ડેરીઓ બંધ કરી દેવામાં આવી હતી અને આ ડેરીઓ ફરી ક્યારેય પુનઃજીવિત ન થઇ શકે તેવા નિર્ણયો તે સમયની કોંગ્રેસ સરકારે કર્યા હતા. કોંગ્રેસે પોતાના શાસનમાં ગણ્યાગાંઠ્‌યા પાંચ-દસ માલેતુજારોને જ સાચવી લઇને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ફાયદા મેળવતી હતી. પરંતુ ગુજરાતની જનતાની જેમ જ સહકારી ક્ષેત્રના આગેવાનો તથા કાર્યકરો જાગી જતા કોંગ્રેસ હાથમાંથી સહકારી ક્ષેત્રોની સત્તા અને શાસન વ્યવસ્થા સરકી ગઇ છે. આમ, સહકારી ક્ષેત્રોમાંથી પણ કોંગ્રેસનો એકડો નીકળી જતાં સત્તાભુખમાં કોંગ્રેસ રઘવાઇ બની છે. જાડેજાએ અંતમાં જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૦૨માં તત્કાલિન મુખ્યમંત્રી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં જીલ્લા દૂધ સંઘો અને સમગ્ર ગુજરાતની ડેરીઓને પુનઃ જીવિત કરવામાં આવી હતી, જેના કારણે પશુપાલકો તથા ખેડુતોને ખૂબ મોટો લાભ થયો છે. ગુજરાત ભાજપા સરકારની ખેડુત, કૃષિ અને પશુપાલન ક્ષેત્ર માટેની લાભદાયક નીતિઓ તથા યોજનાઓને લીધે સહકાર, ડેરી તથા પશુપાલન ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે અને તેના દ્વારા હજારો પરિવારોને રોજગારી પ્રાપ્ત થઇ છે.

Related posts

મલ્ટિપ્લેક્સને ભડકે બાળવાના પ્રકરણમાં મુખ્ય સૂત્રધારને બચાવનાર કોન્સ્ટેબલની સામે ફરિયાદ

aapnugujarat

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના ૧૦૬ કેસ થયા

aapnugujarat

વેરાવળના ભીડીયામાં નવયુવાનો દ્રારા સ્વચ્છતા અભિયાન યોજાયુ

editor

Leave a Comment

UA-96247877-1